નવી દિલ્હીઃ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના મૃત્યુના લગભગ એક વર્ષ પછી તેમની પત્ની પ્રિયા સચદેવ કપૂર અને માતા રાની કપૂર વચ્ચે ચાલી રહેલા આરકે ફેમિલી ટ્રસ્ટ વિવાદને પરસ્પર સહમતિથી ઉકેલવા માટે તૈયાર થઈ ગયા છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને આ હાઇ-પ્રોફાઇલ કૌટુંબિક વિવાદને ઉકેલવા માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આજે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂરની માતા રાની કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂર વચ્ચેના કૌટુંબિક ટ્રસ્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા છે. બંન્ને પક્ષકારોને ખુલ્લા મનથી મધ્યસ્થતાની કાર્યવાહીમાં સામેલ થવાનું કહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ જાહેરમાં આ વિવાદને લઈને કોઈ નિવેદનો આપે નહીં અને વિવાદ વિશે સોશિયલ મીડિયા પર પણ કોઈ વાત જાણકારી આપે નહીં.
જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જ્વલ ભૂઈયાંની બેન્ચે કહ્યું હતું કે "આ એક કૌટુંબિક વિવાદ છે. તેને ફક્ત પરિવાર વચ્ચે જ સીમિત રહેવા દો. તે મનોરંજનનું સાધન ન હોવું જોઈએ. બેન્ચે ટિપ્પણી કરી હતી કે પરિવારના સભ્યો વચ્ચેના વિવાદના સ્વરૂપને ધ્યાનમાં રાખીને તેણે 27 એપ્રિલે સૂચન કર્યું હતું કે પક્ષકારોએ મધ્યસ્થતાનો રસ્તા પર વિચાર કરવો જોઈએ.
ખંડપીઠે કહ્યું કે "આજે સંબંધિત પક્ષો તરફથી હાજર રહેલા તમામ વકીલો ખૂબ જ ઉદારતાથી મધ્યસ્થતા માટે સહમત થયા છે. અમે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કરીએ છીએ."
ખંડપીઠે કહ્યું કે"અમે મધ્યસ્થી તરફથી પ્રારંભિક અહેવાલની રાહ જોઈશું અને ત્યારબાદ આ મામલામાં આગળ વધીશું. આ મામલાની આગામી સુનાવણી ઓગસ્ટમાં કરાશે. મધ્યસ્થીની ફી અને અન્ય પદ્ધતિઓ પક્ષકારો સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવશે. તેણે પક્ષકારોને મધ્યસ્થીનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે સ્પષ્ટ કર્યું કે મધ્યસ્થતા ફક્ત પરિવારના સભ્યો સુધી જ મર્યાદિત રહેશે.
કોર્ટે કહ્યું કે "આ એક પારિવારિક મામલો હોવાથી તેમના તરફથી પ્રયાસ એ હોવો જોઈએ કે વિવાદનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે અને સમગ્ર મામલાનો અંત આવે. અમે દ્રઢપણે માનીએ છીએ કે બધા પક્ષોએ ખુલ્લા મનથી મધ્યસ્થતાની કાર્યવાહીમાં ભાગ લેવો જોઈએ."
જો તેઓ મધ્યસ્થી સમક્ષ આ મામલાનો ઉકેલ લાવવામાં સક્ષમ બને તો તે બધાના હિતમાં રહેશે, નહીં તો આ "લાંબા સમય સુધી ચાલનારી કાયદાકીય લડાઈ" બની જશે. મધ્યસ્થતા ફક્ત વર્તમાન મામલા સુધી સિમિત રહેશે.
80 વર્ષીય રાની કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચે પ્રિયા કપૂર અને અન્ય લોકોને નોટિસ જાહેર કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓક્ટોબર 2017માં તેમના નામે રચાયેલ ટ્રસ્ટ "બનાવટી અને છેતરપિંડીયુક્ત" દસ્તાવેજોનું પરિણામ હતું.
એસ્ટેટ અને સંપત્તિના નિયંત્રણ અંગેની કાનૂની કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષની અરજી ટ્રસ્ટની બધી મિલકતોને યથાસ્થિતિ રાખવાની માંગ કરી છે.
નોંધનીય છે કે સંજય કપૂરનું 12 જૂનના રોજ ઇંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન અવસાન થયું હતું. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે. કરિશ્મા કપૂરના બે બાળકો દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતાના કથિત વસિયતનામાને પડકારતી અરજી પણ દિલ્હી હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે.