Wed Sep 16 2026

Logo

'સૈનિકો પૈસા માટે નહીં, માતૃભૂમિ માટે લડે છે': મહારાષ્ટ્રના CM ફડણવીસે શહીદોના પરિવારો માટે કરી મોટી વાત!

2026-07-27 21:45:50
Author: Mumbai Samachar Team
'સૈનિકો પૈસા માટે નહીં, માતૃભૂમિ માટે લડે છે': મહારાષ્ટ્રના CM ફડણવીસે શહીદોના પરિવારો માટે કરી મોટી વાત!

મુંબઈ: કારગિલ યુદ્ધ દરમિયાન અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભારતીય સૈનિકોએ જે હિંમત બતાવી હતી તે યુદ્ધના ઇતિહાસમાં બેજોડ છે એમ જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના બલિદાનને બિરદાવતા કહ્યું હતું કે જે સમાજ પોતાના બહાદુરોને ભૂલી જાય છે તેનું વર્તમાન હોય છે પણ ભવિષ્ય હોતું નથી. કારગિલ યુદ્ધ દેશના મહત્વપૂર્ણ યુદ્ધોમાંનું એક હતું જેમાં ભારતીય દળોએ બેજોડ બહાદુરી દર્શાવી હતી.

ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે દુશ્મનોએ વ્યૂહાત્મક ઉચ્ચ સ્થાન પર કબજો કર્યો હોવા છતાં ભારતીય સશસ્ત્ર દળોએ અસાધારણ સંકલન અને બહાદુરી દર્શાવી દરેક પોસ્ટ ફરીથી કબજે કરી અને ભારત માટે ઐતિહાસિક વિજય મેળવ્યો. 

ભારે ગોળીબાર, બોમ્બમારો અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને ભારતીય સૈનિકોએ બતાવેલી હિંમત બેજોડ છે. ભારતીય સૈનિકો પૈસા માટે નહીં, પરંતુ માતૃભૂમિની ગરિમા અને સન્માન માટે લડે છે. એટલે શહીદોના પરિવારોને ખાતરી થવી જોઈએ આખો દેશ તેમની પડખે છે એ દરેક નાગરિકની જવાબદારી છે.

મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે 2014માં સત્તા સંભાળ્યા પછી તેમની સરકારે શહીદ સૈનિકોના પરિવારો માટે નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો હતો.શરૂઆતમાં ત્રણ લાખ  રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જે તબક્કાવાર વધારવામાં આવી હતી અને ૨૦૧૭થી સરકારે ફરજ દરમિયાન શહીદ થયેલા મહારાષ્ટ્રના દરેક સૈનિકના પરિવારને એક કરોડ રૂપિયા આપવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. જોકે, શહીદોના બલિદાનની ભરપાઈ કોઈ પણ રકમ ન કરી શકે, પરંતુ રાજ્ય સરકાર હંમેશા આ પરિવારોની પડખે રહેશે.

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડતા, ફડણવીસે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત સંરક્ષણ સાધનોના આયાતકારથી અદ્યતન શસ્ત્રોનું ઉત્પાદન અને નિકાસ કરતું સક્ષમ રાષ્ટ્ર બની ગયું છે.