મુંબઈ: મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલામાં આતંકી ડેવિડ હેડલીની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. જેમાં હુમલા પૂર્વે ડેવિડ હેડલીએ મુંબઈની રેકી પણ કરી હતી. આ દરમિયાન ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના પુત્ર અને ફિટનેસ ટ્રેનર રાહુલ ભટ્ટને પણ મળ્યો હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હતી. જ્યારે આજે 18 વર્ષ બાદ રાહુલ ભટ્ટે ફરી હેડલી મળ્યા હોવાની વાત યાદ કરી છે.
સિદ્ધાર્થ કન્નન સાથેની એક મુલાકાતમાં યાદ કર્યો
રાહુલ ભટ્ટે સિદ્ધાર્થ કન્નન સાથેની એક મુલાકાતમાં આ અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે 26/11 ના હુમલા બાદ ટીવી ચેનલ પર પ્રથમ વાર ડેવિડ હેડલીનો ચહેરો એક આતંકવાદી તરીકે જોયો હતો.
હેડલીએ મુંબઈ માટે 'રાહુલ' નામનો કોડ વર્ડ તરીકે ઉપયોગ કર્યો
તેમજ ત્યારે તેને તરત જ તેની સાથેની મુલાકાત યાદ આવી હતી. તેમણે કહ્યું કે તેના મનમાં તરત જ એવો વિચાર આવ્યો કે હેડલી સાથેનો તેનો ભૂતકાળનો સંબંધ હવે તપાસનો એક ભાગ બની શકે છે. રાહુલના જણાવ્યા અનુસાર, એફબીઆઈ ના એક સોગંદનામામાં ખુલાસો થયો હતો કે હેડલીએ મુંબઈ માટે 'રાહુલ' નામનો કોડ વર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.
મને તરત જ અહેસાસ થયો કે આ એ જ વ્યક્તિ છે
તેમણે કહ્યું, જેવો મેં તેને ટીવી પર જોયો, મને તરત જ અહેસાસ થયો કે આ એ જ વ્યક્તિ છે. રાહુલ હું છું. કારણ કે તેણે એફબીઆઈના સોગંદનામામાં મુંબઈ માટે કોડ તરીકે મારા નામ 'રાહુલ'નો ઉપયોગ કર્યો હતો.
બોડી બિલ્ડિંગ સ્પર્ધા દરમિયાન પ્રથમ મુલાકાત
રાહુલે વધુમાં જણાવ્યું કે ડેવિડ હેડલી સાથેની તેની પ્રથમ મુલાકાત વર્ષ 2007માં દાદરમાં યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધા દરમિયાન થઈ હતી. એક સહ-ટ્રેનિંગ પાર્ટનર દ્વારા તેની હેડલી સાથે ઓળખાણ થઈ હતી. રાહુલે જણાવ્યું કે તે સમયે તે હેડલીને માત્ર એક અમેરિકન નાગરિક તરીકે જ ઓળખતો હતો.
હેડલી સાથે સામાન્ય મિત્રતા હતી
તેણે દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન તેણે તપાસ અધિકારીઓને આ વિગત જણાવી હતી. રાહુલે વધુમાં ઉમેર્યું કે હેડલી સાથે સામાન્ય મિત્રતા હતી.અમે માત્ર દર શનિવારે મળતા હતા.
રાહુલ ભટ્ટે હેડલીની બેકયાર્ડ બ્લાસ્ટ અંગેની ટિપ્પણી પણ યાદ કરી
આ ઉપરાંત રાહુલ ભટ્ટે હેડલીની બેકયાર્ડ બ્લાસ્ટ અંગેની ટિપ્પણી પણ યાદ કરી હતી. પરંતુ તેને તે સમયે ગંભીરતાથી નહોતી લીધી. પરંતુ જ્યારે 26/11 નો હુમલો થયો ત્યારે તે વાત યાદ આવી હતી. તેમજ તેની બાદ હું માતાના કહેવા પર જાતે જ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો હતો. તેમજ હેડલી અંગે વિગતો જણાવી હતી. તેમજ 30 કલાક સુધી જવાબ આપ્યા હતા.
મહેશ ભટ્ટ સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી
આ સમગ્ર વિવાદ દરમિયાન રાહુલે પિતા મહેશ ભટ્ટ સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં તેના પિતા તેની પડખે રહ્યા હતા અને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલના મતે, આ ઘટના દરમિયાન લગભગ ત્રણથી છ અઠવાડિયાના સમયગાળા માટે તેઓ પહેલાં કરતાં વધુ નજીક આવ્યા હતા.