મુંબઈઃ મુંબઈના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે એક વિસ્તૃત બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા બ્લૂપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. મુંબઈમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં શક્ય હોય ત્યાં સુધી 59 મિનિટથી વધુ સમય ન લાગે તે દિશામાં કામ ચાલી રહ્યું છે.
મુંબઈ સ્થિત એક ઈવેન્ટમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે સાચો વિકાસ માત્ર રસ્તા, પુલ અને મેટ્રો બનાવવામાં નહીં, પરંતુ સામાન્ય મુંબઈગરાઓનું જીવન વધુ સરળ બનાવવામાં છે.
‘મુંબઈ ઈન મિનિટ્સ’ની સંકલ્પના હેઠળ મેટ્રો નેટવર્કના વિસ્તરણ, થાણે-બોરીવલી ટ્વિન ટનલ સહિતના પ્રોજેક્ટ્સથી પ્રવાસનો સમય ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મેટ્રો-3થી લાખો મુસાફરોને રાહત મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુંબઈના વિકાસને હવે માત્ર દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ મુંબઈ પૂરતો મર્યાદિત રાખવાને બદલે નવી ‘ત્રીજી મુંબઈ’ વિકસાવવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે. અટલ સેતુ, નવી મુંબઈ એરપોર્ટ, જેએનપીટી, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના નવા વિકાસ કેન્દ્રોને ઝડપી કનેક્ટિવિટી સાથે જોડવામાં આવી રહ્યા છે. રસ્તા, મેટ્રો, એરપોર્ટ, બંદરો, માલ પરિવહન, રહેઠાણ, કોમર્શિયલ અને રોજગાર કેન્દ્રોને અલગ-અલગ નહીં પરંતુ એકીકૃત વિકાસ યોજનાના ભાગરૂપે વિકસાવવાનો સરકારનો અભિગમ હોવાની સ્પષ્ટતા કરી હતી.
શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈને વૈશ્વિક નાણાકીય અને ફિનટેક કેન્દ્ર બનાવવાનું પણ લક્ષ્ય છે. એમએમઆરડીએ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વચ્ચે ‘વર્લ્ડ ઇકોનોમી હબ’ માટે થયેલા કરારનો ઉલ્લેખ કરતાં શિંદેએ કહ્યું કે મુંબઈને વિશ્વના ટોચના ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં સ્થાન અપાવવાનો પ્રયાસ છે. મુંબઈ, પુણે, નવી મુંબઈ, ઠાણે અને કલ્યાણ-ડોંબિવલીને અનુક્રમે ફાઈનાન્સ, ટેક્નોલોજી-મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ-એવિએશન અને નવા વિકાસ કેન્દ્રો તરીકે વિકસાવવાની તૈયારી છે. ફિનટેક, ઈ-કોમર્સ, હેલ્થટેક, એડટેક અને ડીપટેક જેવા ક્ષેત્રોમાં રોજગાર અને સ્ટાર્ટઅપની તકો વધારવા પર ભાર મુકવાની સરકારની યોજના છે.
વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા મેન્ગ્રોવ સંરક્ષણ માટે ગ્રીન ટીડીઆર, મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે વર્લ્ડ ક્લાસ સેન્ટ્રલ પાર્ક અને થાણેમાં નમો સેન્ટ્રલ પાર્ક જેવા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મુંબઈના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા, પૂરપ્રતિબંધક પગલાં, હરિત વિસ્તારોનું સંરક્ષણ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મુકાઈ રહ્યો છે. હાલની આશરે 453 હેક્ટર ખુલ્લી જગ્યામાં વધુ 479 હેક્ટર ઉમેરવાનો લક્ષ્યાંક છે, જેથી શહેરમાં ખુલ્લી જગ્યાઓ લગભગ બમણી થઈ શકે.
રહેઠાણના મુદ્દે ‘માય હોમ-માય રાઈટ’ હેઠળ નવી હાઉસિંગ પોલિસી અને મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાના પ્રયાસોની વાત કરવામાં આવી. ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે નાગરી લોકકલ્યાણ અભિયાન’ અંતર્ગત 2030 સુધીમાં ઓછી આવક ધરાવતા અને જરૂરિયાતમંદ લોકો માટે 35 લાખ ઘર બનાવવાનું લક્ષ્ય છે.
ટેક્સી ડ્રાઈવર, બેસ્ટ કંડક્ટર, ડબ્બાવાળો, નાના વેપારી, કામદાર, કર્મચારી અને વિદ્યાર્થીઓ સહિત સામાન્ય મુંબઈકરનું જીવન સરળ બને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિનું મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ તેમ પણ શિંદેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં વિદેશી રોકાણ અને રોજગારની તકોને મુંબઈ પૂરતી મર્યાદિત ન રાખીને વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુંબઈને વૈશ્વિક ફિનટેક રાજધાની, વિશ્વના અગ્રણી 10 નાણાકીય કેન્દ્રોમાં સ્થાન અને મહારાષ્ટ્રને રોકાણ માટે વધુ આકર્ષક બનાવવાના લક્ષ્યો સાથે આ વિકાસને ‘વિકસિત ભારત 2047’ સાથે જોડવામાં આવ્યો છે.
શિંદેએ જણાવ્યું હતું કે આજના પ્રોજેક્ટ્સનું આયોજન આગામી 20થી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ, કારણ કે વિકાસ માત્ર વર્તમાન પેઢી માટે નહીં પરંતુ ભાવિ પેઢી માટે પણ હોવો જોઈએ.