Mon Nov 16 2026

Logo

ભાવમાં વધારો છતાં અમદાવાદ-સુરત સહિત અનેક શહેરોમાં ફાફડા-જલેબી માટે સવારથી જ લોકોએ લગાવી લાઈનો

2026-10-20 10:50:00
Author: Mayur Patel
ભાવમાં વધારો છતાં અમદાવાદ-સુરત સહિત અનેક શહેરોમાં ફાફડા-જલેબી માટે સવારથી જ લોકોએ લગાવી લાઈનો

અમદાવાદઃ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. તેમ છતાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફાફડા-જલેબી માટે સવારથી જ લોકોએ લાઈન લગાવી છે. રાજ્યમાં વહેલી સવારની ભીડભાડ અને લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટથી બચવા માટે ઘણા ખરા લોકો અને સોસાયટીઓ દ્વારા અગાઉથી એડવાન્સ ઓર્ડર નોંધાવી દીધા હતા. ફાફડાના ભાવ ભલે  700 થી 1000 રૂપિયા સુધી પહોંચી ગયા હોય, છતાં લોકો દશેરાની આ પરંપરાગત ખાણીપીણીનો આનંદ માણવા માટે ઉત્સાહભેર લાઈનોમાં ઊભા રહીને ખરીદી કરી રહ્યા છે.

મળતી વિગત પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જલેબી અને ફાફડાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બજારના વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ગયા વર્ષે જે ફાફડા અને જલેબી 500 થી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તેનો ભાવ આજે 1000 રૂપિયા આસપાસ થઈ ગયો છે.  આ ભાવવધારાના કારણે મધ્યમ વર્ગના પરિવારોએ પોતાના ઘરના બજેટમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે.

જે લોકો અગાઉ તહેવાર પર આરામથી એક કિલો જલેબી-ફાફડા ખરીદતા હતા, તેઓ હવે અડધો કિલોથી સંતોષ માનશે. મીઠાઈની દુકાનો પર લોકોની ભીડ તો થશે જ, પરંતુ ખરીદીના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો જોવા મળી શકે છે.

શા માટે વધ્યા જલેબી-ફાફડાના ભાવ?

આટલો મોટો ભાવવધારો શા માટે કરવામાં આવ્યો છે તે અંગે મીઠાઈના વેપારીઓનું પોતાનું એક અલગ તર્ક છે. વેપારીઓ જણાવે છે કે જલેબી અને ફાફડા બનાવવા માટે વપરાતી કાચી સામગ્રીના ભાવ સીધા આસમાને પહોંચ્યા છે. ખાદ્ય તેલ અને ચણાના લોટ (બેસન) તેમજ મેંદાના ભાવમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત કારીગરોની મજૂરી અને દુકાનના અન્ય ખર્ચાઓ પણ સતત વધી રહ્યા છે.

કારીગરોની અછત અને તહેવારના સમયે તેમને આપવા પડતા ઊંચા વેતનના કારણે ઉત્પાદન ખર્ચમાં સીધો વધારો થાય છે. આ તમામ પરિબળોની સીધી અસર અંતે તૈયાર વસ્તુના ભાવ પર જ પડતી હોય છે. મોંઘવારી ભલે ગમે તેટલી વધે, પરંતુ ગુજરાતીઓનો તહેવાર પ્રત્યેનો ઉત્સાહ ક્યારેય ઓછો થતો નથી. ભાવવધારો હોવા છતાં, દશેરાના પાવન દિવસે ફાફડા-જલેબીની દુકાનો બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દશેરાની પરંપરા મુજબ આજે રાજ્યભરમાં લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગશે. ખાસ વાત એ છે કે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.  ભાવવધારાને અવગણીને અમદાવાદ-સુરતવાસીઓ મન મૂકીને ફાફડા-જલેબીની ખરીદી કરી રહ્યા છે અને મીઠાઈના સ્વાદ સાથે દશેરાના પર્વની ઉજવણી કરી રહ્યા છે.