Sat Nov 07 2026

Logo

ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટનલ માટે ‘તુલસી’ ટીબીએમ દ્વારા ૧૮૩ મીટર ખોદકામ પૂર્ણ તો ‘વિહાર’નું સાઈટ પર પરીક્ષણ પૂર્ણ

2026-10-20 10:18:00
Author: Sapna Desai
ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટનલ માટે ‘તુલસી’ ટીબીએમ દ્વારા ૧૮૩ મીટર ખોદકામ પૂર્ણ તો ‘વિહાર’નું સાઈટ પર પરીક્ષણ પૂર્ણ

મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટમાં થર્ડ ફેઝ(બી) અંતર્ગત નેશનલ પાર્ક નીચે બની રહેલી બે ટ્વીન ટનલ માટે તહેનાત કરવામાં આવેલા પહેલા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) ‘તુલસી’એ  અત્યાર સુધી ૧૮૩ મીટર લંબાઈનું ખોદકામ પૂર્ણ કર્યું છે, તો બીજા  ટીબીએમ  ‘વિહાર’એ  પણ સફળતાપૂર્વક  સાઈટ એક્સેપ્ટન્સ ટેસ્ટ(સેટ) પૂર્ણ કરી લીધો છે અને બહુ જલદી ખોદકામ શરૂ કરવામાં આવવાનું છે.

ગોરેગામ (પૂર્વ)માં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી(ફિલ્મસીટી)થી મુલુંડ (પશ્ર્ચિમ)માં અમર નગર દરમ્યાન સંજય ગાંધી નેશનલ પાર્ક નીચેથી ત્રણ-ત્રણ લેનની લગભગ ૫.૩૦ કિલોમીટર લંબાઈની બે ટ્વિન ટનલ બાંધવામાં આવી રહી છે. પહેલી ટનલનું ખોદકામ ‘તુલસી’ ટીબીએમથી અત્યાર સુધી ૧૮૩ મીટર પૂર્ણ થયું છે. ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬થી ખોદકામ શરૂ કર્યા બાદ  હાલ પ્રતિદિન સરેરાશ ૫.૫ મીટરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્રીજા તબક્કાની આ ટનલ ગોરેગામ પૂર્વ સ્થિત ફિલ્મસિટીને મુલુંડના ખિંડીપાડા સાથે જોડશે. ટનલના માળખામાં મહત્ત્વના ઘટક ગણાતા ૮૭ રિંગ આકારના સેગમેન્ટ બેસાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત છ કામચલાઉ રિંગ આકારના સેગમેન્ટ પણ બેસાડવામાં આવ્યા છે. 


પાલિકા કમિશનર અશ્ર્વિની ભિડેએ સોમવારે પ્રોેજેક્ટની સાઈટ પર ઈન્સ્પેકશન કરીને ટનલ ખોદકામની કાર્યપદ્ધતિ, કામની હાલ સ્થિતિ, પ્રોજેક્ટની પ્રગતિ, મશીનની કાર્યક્ષમતા, બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાની ઉપાયયોજના બાબતે અહેવાલ લઈને નિર્ધારીત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો  નિર્દેશ આપ્યો હતો. પ્રોજેક્ટ બાબતે કમિશનરે કહ્યું હતું કે જીએમએલઆર માટે ટવિન ટનલનું ખોદકામ ઝડપથી પૂર્ણ કરીને સમય પર પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ટૅક્લિનકલી ટનલ ખોદવાનું કામ અત્યંત જટિલ હોવાથી તમામ નિયમો અને સુરક્ષાનું પાલન કરવા પર ભાર આપવાનો રહેશે. બીજી ટનલનું ખોદકામ ‘વિહાર’ ટીબીએમ મારફત કરવામાં આવવાનું છે, તે માટે સાઈટ એક્સપેટન્સ ટેસ્ટ(સેટ) થઈ ગઈ છે. નિર્ધારીત માપદંડો મુજબ ટૅક્નિકલ પરીક્ષણ પૂર્ણ થયા પછી બહુ જલદી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને બીજી ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવવાનું છે.

એકવાર જીએમએલઆર કાર્યરત થઈ ગયા પછી, ૧૨.૨૦ કિમી લાંબો આ લિંક રોડ પૂર્વ-પશ્ર્ચિમ ઉપનગરના જોડાણમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે, મુંબઈના મુખ્ય માર્ગો પરની ભીડ ઘટાડશે અને પશ્ર્ચિમ ઉપનગરથી મુલુંડ, થાણે અને નવી મુંબઈ સુધીનો ઝડપી પ્રવાસ શક્ય બનશેે. મુસાફરીનો સમય આશરે ૯૦ મિનિટથી ઘટીને માત્ર ૨૦ મિનિટ થઈ જવાની ધારણા છે, જેનાથી સમય અને ઈંધણ બંનેની નોંધપાત્ર બચત થશે.

જીએમએલઆર અંતર્ગત ફ્લાયઓવરનું કામ પૂર્ણ
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ફેઝ થ્રી અંતર્ગત ગોરેગામથી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી સુધી જનારા ૧.૨૬ કિલોમીટર લંબાઈના ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું છે.  થ્રી બાય થ્રી લેનનો ફ્લાયઓવર દિંડોશી કોર્ટથી શરૂ થશે અન દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં ઉતરે છે. આ પુલનું બાંધકામ સિંગલ  કોલમ પ્રીકાસ્ટ રિઈન્ફોર્સ્ડ કૉંક્રીટ સેગમેન્ટલ બોક્સ ગર્ડર ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

વધુ જુઓ...