પાંજરાપોર પમ્પિંગ સ્ટેશનમાં કન્ટ્રોલ પૅનલ્સ બદલવાનું કામ 20 કલાક ચાલશે: અમુક વિસ્તારોમાં 15 ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોર પમ્પિંગ સ્ટેશનમાં એચટી કન્ટ્રોલ પૅનલ્સ બદલવાનું કામ હાથ ધરાવાનું હોવાથી બે દિવસ સુધી મુંબઈનો પાણીપુરવઠો ખોરવાશે. આ કામ મંગળવારની સવારથી બુધવારના મળસકે સુધી ચાલવાનું હોવાથી શહેર, પશ્ર્ચિમી ઉપનગરો અને પૂર્વ ઉપનગરોમાં પાણીનાં ધાંધિયાં થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં તો 15 ટકા પાણીકાપ રહેશે, એવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
બીએમસીના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારની સવારે નવ વાગ્યાથી પાંજરાપોર પમ્પિંગ સ્ટેશનમાં હાઈ ટેન્શન કન્ટ્રોલ પૅનલ્સ બદલવાનું કામ હાથ ધરાશે. અત્યારની જૂની 10 કન્ટ્રોલ પૅનલ્સને સ્થાને અત્યાધુનિક અને કાર્યક્ષમ એવી 10 કન્ટ્રોલ પૅનલ્સ બેસાડવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં 10માંથી ચાર કન્ટ્રોલ પૅનલ્સ બદલવામાં આવશે. આ કામ મંગળવારની સવારથી બુધવારના મળસકે પાંચ વાગ્યા સુધી ચાલે એવી શક્યતા છે. સુરક્ષિત અને નિયોજનબદ્ધ પદ્ધતિથી કામગીરી પૂર્ણ કરવા માટે આ પમ્પિંગ સ્ટેશન 20 કલાક બંધ રાખવું જરૂરી છે.
કન્ટ્રોલ પૅનલ્સ બદલવાની કામગીરી ચાલે ત્યાં સુધી લગભગ 20 કલાક પાંજરાપોર પમ્પિંગ સ્ટેશનથી ભાંડુપના વૉટર પ્લાન્ટને કરવામાં આવનારો પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે. પરિણામે બે દિવસ સુધી મુંબઈના શહેરી ભાગોમાં, પશ્ર્ચિમી ઉનગર અને પૂર્વ ઉપનગરોમાં પાણીપુરવઠો ખોરવાશે. અમુક વિસ્તારોમાં તો 15 ટકા પાણીકાપ રહેવાની શક્યતાએ પાલિકા દ્વારા વ્યક્ત કરાઈ હતી.