ગાંધીનગરઃ રાજ્યમાં ધીમા પગલે મેઘરાજાના આગમન સાથે ધીમે ધીમે સર્વત્ર પહોંચ્યો છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે, જેનાથી જનજીવન પર પણ ગંભીર અસર પડી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 54.28 ટકા વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ કચ્છમાં 19.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 41.25 ટકા, પૂર્વ મધ્યમાં 45.528 ટકા, સૌરાષ્ટ્રમાં 43.75 અને દક્ષિણ ગુજરાતમાં 77.92 ટકા વરસાદ વરરસ્યો છે.
અમરેલી જિલ્લામાં 62 ટકાથી વધુ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સૌરાષ્ટ્રના માત્ર અમરેલી જિલ્લામાં જ સિઝનના સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં 62.4 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય એક પણ તાલુકામાં સિઝનના સરેરાશથી વધુ વરસાદ નથી નોંધાયો.
આંકડ પર નજર કરવામાં આવે તો જૂનાગઢમાં 51.74 ટકા, ગીર સોમનાથમાં 43.92 ટકા, ભાવનગરમાં 52.73 ટકા, બોટાદમાં 51.43 ટકા, સુરેન્દ્રનગરમાં 54.19 ટકા, રાજકોટમાં 36.92 ટકા, મોરબીમાં 45.6 ટકા, જામનગરમાં 21.19 ટકા, પોરબંદરમાં 15.88 ટકા, કચ્છમાં 19.05 ટકા અને દેવભૂમિ દ્વારકામાં માત્ર 4.19 ટકા જ સિઝનનો વરસાદ નોંધાયો છે.
21 ડેમ હાઈ એલર્ટ, 5 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંગ્રહ ક્ષમતાના 69.27 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 45.56 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 21 ડેમ હાઈ એલર્ટ, 5 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યમાં કુલ 13 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 26 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 29 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, અને 54 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 85 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
વઢવાણનો ધોળીધજા ડેમ 92થી 99 ટકા વચ્ચે ભરાયેલા
રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી, મહુવાનો રોજકી, પાલિતાણાનો શેત્રુંજી, રાપરનો ફતેહગઢ, મોરબીનો મચ્છુ-2, ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે ઉમરાળાનો રંઘોળા, ધારીનો ખોડીયાર, ખાંભાનો રાયડી, બરવાળાનો ખાંભડા, મોરબીનો ઘોડાધ્રોઈ, રાજુલાનો ધાતરવાડી-2 અને વઢવાણનો ધોળીધજા ડેમ 92થી 99 ટકા વચ્ચે ભરાયેલા છે.
મહુવાના માલણ, સાવરકુંડલાના શેલ-દેદુલમ, ઉપલેટાના વેણુ-2, તળાજાના પિંગળી, માણાવદરના બાંટવા-ખારો, કુતિયાણાનો સારણ, રાજકોટનો આજી-2, પાલિતાણાનો હણોલ ડેમ, ગઢડાનો કાળુભાર, બોટાદનો કણિયાદ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.