મુંબઈ: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 36 દિવસ લાંબા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યા બાદ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વચ્ચે અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભાનાં સાંસદ કંગના રનૌતે ફરી એકવાર આંદોલન પર આકરા પ્રહાર કર્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને CJPના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બનાવવામાં આવેલી અને વાયરલ થયેલી રીલ્સની ટીકા કરી હતી. તેમણે રીલ્સમાં વપરાયેલી ભાષા, પ્રદર્શનકારીઓની બોલવાની રીત અને તેમના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, તેમની સમગ્ર જિંદગીમાં તેમણે એક જ જગ્યાએ આટલી બધી ‘ખરાબ’ વસ્તુઓ ક્યારેય જોઈ નથી. તેમણે Gen Zના વિરોધ પ્રદર્શનની વાયરલ થઈ રહેલી રીલ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ રીલ્સ જોઈને ‘ઉલટી આવી જાય’ તેવી સ્થિતિ સર્જાઈ છે.
કંગનાએ આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ જે રીતે વાત કરે છે અને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે તે અત્યંત ખરાબ છે. તેમના મતે, દરેક ફ્રેમમાં આટલી ભદ્દી અને અશોભનીય સામગ્રી એકસાથે જોવા મળી નથી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ શું કહ્યું અભિજીત દીપકેએ ?
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકેની મોટી પ્રતિક્રિયા!
NEET અને NTA વિવાદ મુદ્દે છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોની આખરે જીત થઈ છે. જંતર-મંતર પર ચાલેલા… pic.twitter.com/waCEZR8O2n
પોતાની પોસ્ટમાં કંગનાએ CJPના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓની પરવરિશ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, ‘આખરે આ લોકોને જન્મ કોણ આપે છે અને તેમની ઉછેર કોણ કરે છે?’ કંગનાએ ભારતને વિવિધતા, સૌંદર્ય અને સાંસ્કૃતિક સમજ ધરાવતા લોકોનો દેશ ગણાવતા કહ્યું હતું કે દેશની સંસ્કૃતિ અને શાલીનતાને જાળવી રાખવી જરૂરી છે. તેમણે પ્રદર્શનકારીઓ દ્વારા પોતાને ‘કોકરોચ’ તરીકે ઓળખાવવાના મુદ્દે પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે, તેઓ પોતાને જે નામથી ઓળખાવે છે, તેમના વર્તનમાં પણ તે જ જોવા મળે છે.
કંગનાએ વધુમાં આક્ષેપ કર્યો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ રીલ્સ જાણે લોકો સામે ‘ગંદકી, કચરો અને કુરૂપતા’ રજૂ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર કોન્ટેન્ટની તેના પર ઊંડી અસર થઈ છે અને હવે આ પ્રકારની રીલ્સથી દૂર રહેવા માટે તેને ડિજિટલ ડિટોક્સની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કંગનાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર CJPના આંદોલન અને તેમાં ભાગ લેનારા યુવાનોને લઈને ચર્ચા શરૂ થઈ છે.
કંગના આ પહેલાં પણ CJPના વિરોધ પ્રદર્શનને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. 20 જુલાઈના તેણે વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું હતું કે, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને કોઈ ચોક્કસ વ્યક્તિને કોઈ પદ પર રાખવા અથવા હટાવવા માટે આ પ્રકારના આંદોલનના દબાણ હેઠળ ઝૂકાવી શકાય નહીં. તેમણે દલીલ કરી હતી કે, દેશની જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે શાસન કેવી રીતે ચલાવવું અને કોને કયા પદ પર રાખવા તે નક્કી કરવાનો અધિકાર છે.

કંગનાએ તે સમયે વિરોધ પક્ષોને પડકાર આપતાં કહ્યું હતું કે, જો તેમને સરકાર ચલાવવાની એટલી જ ઈચ્છા હોય તો તેમણે ચૂંટણી લડીને સત્તામાં આવવું જોઈએ. હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPનું આંદોલન સમાપ્ત થયું છે અને તેના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, કંગનાની તાજેતરની ટિપ્પણીઓએ આંદોલનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની ચર્ચાને વધુ વેગ આપ્યો છે.