Mon Jul 27 2026

Logo

અમદાવાદ ગ્રામ્યમાં 'મેઘતાંડવ': મંત્રીઓએ લીધી મુલાકાત, વણિતળાવ બન્યું બેટ

2026-07-27 18:14:46
Author: Devayat Khatana
Article Image

ટાપુમાં ફેરવાયેલા વણિતળાવ અને ધીંગડા ગામમાં પોલીસ-એનડીઆરએફનું મેગા રેસ્ક્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી તરફ, બાવળા તાલુકાના ધીંગડા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાતા બગોદરા પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા 62 જેટલા નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય પ્રધાન સંજયસિંહ મહીડા સહિતના અધિકારીઓએ સાણંદ અને બાવળા તાલુકાના વિવિધ પાણીગ્રસ્ત વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. 

વણિતળાવ ગામ આસપાસના વિસ્તારોથી સંપર્કવિહોણું

ભોગાવો નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ હતી. નદી બે કાંઠે વહેવા લાગતા વણિતળાવ ગામ આસપાસના વિસ્તારોથી સંપર્કવિહોણું બનીને સંપૂર્ણપણે ટાપુમાં ફેરવાયું હતું. આ વિકટ પરિસ્થિતિને પગલે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ધોલેરા પોલીસ, જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં ફસાયેલા લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

 

ફેદરા ઓપી વિસ્તારની કંપનીમાં પાણી ભરાયા

આ ઉપરાંત,  ધોલેરા તાલુકાના પીપળી ગામમાં ભારે વરસાદના કારણે ફસાયેલા કુલ 58 લોકોનો એનડીઆરએફની ટીમે બચાવ કર્યો હતો. અતિભારે વરસાદ દરમિયાન ધંધુકા તાલુકાના ફેદરા ઓપી વિસ્તારમાં આવેલી ગ્રીનટેક રેસિડન્સી કંપની ખાતે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. 
ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસ અને ફેદરા ઓપીના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે સતર્કતા દાખવીને ત્યાં ફસાયેલા મહેમાનો તથા મજૂરોને સહીસલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. આ સમગ્ર બચાવ કામગીરીમાં કોઈ જાનહાનિ થઈ નથી અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ભોગાવો નદીના પાણી રસ્તા પર ફરી વળ્યાં

પૂરની સ્થિતિને પગલે ભોગાવો નદીના ધસમસતા પાણી રસ્તાઓ પર ફરી વળતાં આનંદપુર અને બુરાનપુર ગામ તરફ જતો એપ્રોચ રોડ સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઈ નાગરિક જોખમજનક રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરે, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનો પ્રયાસ ટાળે અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખી વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે.