(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકવાની સાથે વૈશ્વિક સ્તરે વેપાર અંગેના તણાવ હળવા થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 57 પૈસા ઊંચકાઈને 96ની સપાટીની અંદર ઊતરીને 95.99ના મથાળે બંધ રહ્ય હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 96.53ના બંધ સામે સુધારાના અન્ડરટોને 96.18ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.27 અને ઉપરમાં 95.78 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 54 પૈસાના બાઉન્સબૅક સાથે 95.99ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં 20 પૈસાનો સુધારો આવ્યો હતો, જ્યારે ગત 20મી મેના રોજ ડૉલર સામે રૂપિયો 96.86ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકા અને ઈરાને સતત બે સપ્તાહ સુધી એકબીજા પર હુમલાઓ કર્યા બાદ હવે હુમલાઓ અટકાવ્યા હોવાના અહેવાલો સાથે રૂપિયો ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાને કારણે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયાને ટેકો મળ્યો હતો. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 95.50થી 96.20 આસપાસની રેન્જમાં રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.20 ટકા ઘટીને 101.09 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 8.95 ટકા ઘટીને બેરલદીઠ 88.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 776.01 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 228.50 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3892.77 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયામાં સુધારો અમુક અંશે મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.