નવી દિલ્હીઃ 2027ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં હાર્દિક પંડ્યા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વતી રમતો જોવા મળશે કે શું? મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી આ ઑલરાઉન્ડરને મેળવવા માટે સીએસકેનું ફ્રૅન્ચાઇઝી 20 કરોડ રૂપિયા સુધીની તોતિંગ રકમ પણ ખર્ચી નાખવા તૈયાર હોવાનું જણાય છે.
અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું કે મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક (Hardik)ના બદલામાં સીએસકે પાસેથી આયુષ મ્હાત્રે અને અમુક રકમની અપેક્ષા રાખી હતી. જોકે સીએસકેના માલિકો હાર્દિકના બદલામાં ડેવાલ્ડ બે્રવિસ તથા શિવમ દુબે તેમ જ 10 લાખ રૂપિયા આપવા માગતા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
આનું કારણ એ છે કે સીએસકેને આયુષ મ્હાત્રે કોઈને નથી આપવો. સીએસકે મુખ્ય યુવા ખેલાડીને જાળવી રાખવા માગે છે, જ્યારે મુંબઈ યુવાન ખેલાડીઓની ફોજ વધુ મજબૂત કરવામાં માને છે.
હાર્દિકના સુકાનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 2022ના ડેબ્યૂ યરમાં ટાઇટલ જીતી હતી અને 2023માં જરાક માટે ટ્રોફી ચૂકી ગયું હતું અને સીએસકેની ટીમ એ વર્ષમાં ચૅમ્પિયન બની હતી. જોકે હાર્દિકે કૅપ્ટન તરીકે મુંબઈની ટીમમાં કમબૅક કર્યું ત્યારે રોહિત શર્માના અનેક ચાહકો નારાજ થયા હતા.