Tue Jul 28 2026

Logo

બેંગલુરુના કેબ ડ્રાઈવરની અદભુત ઈમાનદારી, ચાર દિવસ પછી મુસાફરને જે સરપ્રાઈઝ મળી...

2026-07-27 21:37:00
Author: Darshana Visaria
Article Image

બેંગલુરુ: આજના સમયમાં જ્યાં અવિશ્વાસ અને છેતરપિંડીના કિસ્સાઓ વારંવાર સાંભળવા મળે છે, ત્યાં માનવતા અને પ્રામાણિકતા ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના કર્ણાટકની રાજધાની બેંગલુરુથી સામે આવી છે. અહીં એક કૅબ ડ્રાઈવરે પોતાની ઈમાનદારીથી સોશિયલ મીડિયા પર હજારો લોકોના દિલ જીતી લીધા છે.  ચાલો જાણીએ શું છે આ આખી ઘટના... 

રાઈડ દરમિયાન કૅબમાં ભૂલાઈ ગયેલું રોકડ રકમ અને મહત્વના કાગળોથી ભરેલું પાકીટ ડ્રાઈવરે ૪ દિવસ પછી પણ સુરક્ષિત રીતે તેના માલિકને પરત કર્યું હતું. આ આખી ઘટના પીડિત પેસેન્જરે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર શેર કરી છે, જે હાલ ભારે વાઈરલ થઈ રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

રેડિટ યુઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યા મુજબ, તેણે બેંગલુરુમાં મુસાફરી કરવા માટે એક કૅબ બુક કરી હતી. મુસાફરી પૂરી થયા બાદ ઉતાવળમાં તેનું પાકીટ કૅબની પાછલી સીટ પર જ રહી ગયું હતું. પાકીટમાં રોકડ રકમ ઉપરાંત ક્રેડિટ કાર્ડ્સ, આઈડી પ્રૂફ અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા. પેસેન્જરને જ્યારે પાકીટ ખોવાયાની જાણ થઈ ત્યારે તેણે પાકીટ પાછું મળવાની આશા છોડી દીધી હતી.

ચાર દિવસ પછી આવ્યો કોલ

પાકીટ ખોવાયાના ચાર દિવસ પછી કૅબ ડ્રાઈવરે સામેથી પેસેન્જરનો સંપર્ક કર્યો હતો. ડ્રાઈવરે જણાવ્યું કે તેને પોતાની ગાડીની સફાઈ કરતી વખતે આ પાકીટ મળ્યું હતું. જેવું તેને પાકીટ મળ્યું, તેણે તુરંત જ રાઈડ હિસ્ટ્રી અને એપ મારફતે પેસેન્જરનો સંપર્ક સાધ્યો અને તેનું પાકીટ પૂરેપૂરી સલામતી સાથે તેને સુપ્રત કર્યું. પાકીટમાંથી એક પણ રૂપિયો કે કાગળ ગાયબ નહોતો.

સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા ભરપેટ વખાણ

રેડિટ પર આ સ્ટોરી વાયરલ થતાં જ નેટીઝન્સ કૅબ ડ્રાઈવરની પ્રામાણિકતાના ભારે વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા લોકોના કારણે જ આજે પણ સમાજમાં માનવતા ટકેલી છે. યુઝરે પણ ડ્રાઈવરની આ ઈમાનદારી બદલ તેનો આભાર માન્યો હતો અને તેને યોગ્ય ઈનામ પણ આપ્યું હતું.