જામનગર: જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનના ઉપયોગના ચકચારી પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી અલગ-અલગ ત્રણ ફરિયાદોની તપાસ સાયબર ક્રાઈમ સેલને સોંપવામાં આવી હતી. ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં વધુ બે આરોપીઓની સંડોવણી સામે આવતાં પોલીસે બંનેને કાયદેસર કબજામાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે આ પ્રકરણમાં અનિલ ઉમેશભાઈ બાંભણિયા (રહે. આરંભડા ગામ, દેવભૂમિ દ્વારકા) તેમજ આરિફ મહંમદભાઈ પુંજાણી (રહે. મહારાજા સોસાયટી, જામનગર)ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ અગાઉથી અન્ય ગુનાઓમાં જિલ્લા જેલમાં બંધ હોવાથી અદાલતી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમનો કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન જેલમાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા, તેનો ઉપયોગ કોના સંપર્ક માટે કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ ટીમ સમગ્ર કેસમાં ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.
સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોનના ઉપયોગના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ હજુ પણ ચાલુ છે, અને આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.