Thu Sep 03 2026

Logo

વડોદરામાં વૃદ્ધ મહિલાને ઠગનાર ઉત્તરાખંડની ગેંગનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

2026-07-27 21:13:11
Author: Devayat Khatana
વડોદરામાં વૃદ્ધ મહિલાને ઠગનાર ઉત્તરાખંડની ગેંગનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા: શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી સોનાના દાગીના પડાવી લેતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વડોદરામાં નંબર પ્લેટ વગરની બાઈક પર ફરતી આ ગેંગ અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. 

આ દરમિયાન આજવા ચોકડી રાત્રી બજાર નજીકથી ભાગવાનો પ્રયાસ કરતા સાદકહસન અલીમુદ્દીન દીનમહંમદ શા (ફકીર) (રહે. ઉત્તરાખંડ) નામના શંકાસ્પદ શખ્સને કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. આરોપીની બેગની તલાશી લેતા તેમાંથી સોનાની બે બંગડીઓ, વીંટી, વિવિધ ગ્રહોના ૧૯ પથ્થરના નંગ, રોકડ અને બાઈક મળીને કુલ રૂ. 3.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, 26 જુલાઈના રોજ રાવપુરાના લાલકોર્ટ નજીક આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે એક વૃદ્ધ મહિલાને તેમણે ટાર્ગેટ કરી હતી. 

આરોપી અને તેના સાગરીતે "તમારા દીકરા પર મોટું સંકટ આવવાનું છે અને હાથમાં પહેરેલું સોનું આપશો તો લક્ષ્મીના દર્શન થશે" તેમ કહીને મહિલા પાસેથી બે સોનાની બંગડીઓ તથા વીંટી ઉતરાવી લીધી હતી. બાદમાં મહિલાને 51 ડગલાં ચાલવાનું કહી બંને બાઈક પર ફરાર થઈ ગયા હતા. 

પકડાયેલો આરોપી અને તેનો સાગરીત ઉત્તરાખંડથી મુંબઈ અને સુરત થઈને વડોદરા આવ્યા હતા. મુંબઈ અને સુરતમાં વરસાદ હોવાના કારણે તેઓ વડોદરામાં ઠગાઈ આચરવાના ઈરાદે આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ લાવી દીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે  આ ઠગ ટોળકી ખાસ કરીને એકલા મળતા વરિષ્ઠ નાગરિકોને અંધશ્રદ્ધાની વાતોમાં ફોસલાવીને સોનું પડાવી લેતી હતી. 
પકડાયેલા આરોપી અને તેના હાલ ફરાર સાગરીત ઇલ્યાસમહમંદ નઝરુદ્દીન હકીમી સામે અનેક ગુનાનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.