Thu Mar 12 2026

Logo

પ્રજામત ભાષાની ભાંજગડ

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 


ભારતમાં શિક્ષણ માતૃભાષામાં કે અંગ્રેજીમાં? કદાચ દશકાઓથી ચર્ચાતા આ સવાલનો જવાબ જડ્યો નથી. હવે તો મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ નામશેષ થઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓનું આકર્ષણ વધી ગયું છે. આ બધાંની વચ્ચે `બાળકનો યોગ્ય વિકાસ' વિસરાઈ  જાય છે. આજથી પચાસ વર્ષ પહેલાં માતા-પિતાને પોતાનાં બાળકોને ભણાવવાની કે તેમના ભવિષ્યની એટલી બધી ચિંતા નહોતી થતી, જેટલી ચિંતા આજના મોડર્ન દંપતીઓને થાય છે. સાથે જ પહેલાની સરખામણીએ અત્યારે શિક્ષણ પણ ખૂબ મોંઘું થઈ ગયું છે. 

વિચારવા જેવી બાબત એ છે કે જે લોકોએ ગુજરાતીમાં શિક્ષણ મેળવ્યું તેઓ શું હાલમાં દુ:ખી છે અને જેમણે ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ લીધું તેમણે શું ઉકાળ્યું?

અહીં વાત અંગ્રેજીના વિરોધની નથી, પરંતુ એ તો જ્ઞાનનાં મહાસાગર સમાન છે. એનાથી આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું. માતૃભાષામાં શિક્ષણ લઈને જીવનમાં અગ્રેસર હોય એવાં અનેક ઉદાહરણો છે. માતૃભાષામાં ભણેલું બાળક કુટુંબ અને વતન સાથે વધુ જોડાયેલું રહે છે. ચાલો આપણે નક્કી કરીએ કે ઉત્તમ અંગ્રેજી શીખીશું, પરંતુ ગુજરાતી પ્રત્યે ઓરમાયું વર્તન નહીં રાખીએ.
પ્રવીણકુમાર પુરુષોત્તમદાસ પાઠક (સાયન-ઇસ્ટ)

ઘડપણ
દોડતા-દોડતા થાકી ગયા...
જીવન સફરમાં કાંઈક અટકી ગયા...
બાળપણમાંથી જુવાનીનો તરખાટ મચાવ્યો તે...
આસમાનમાંથી તારા તોડી લાવી ખુશ થઈ શક્યો તું...
ક્યાંક અટકી ગયો...થાકી ગયો...
આનું જ નામ...ઘડપણ...
તું ચપેટમાં તેની આવી ગયો...
જીવનની ડોર પણ ક્યાં કોઈની ઈજારાશાહી છે?
આજે મારી તો તમારી કાલે પછી તો 
બધાયની વારી છે.
ભુલી ગયો તું આ...જીવનમાં હવે 
શ્વાસોશ્વાસ ખૂટી જશે...
રણમેદાનમાં કંઈકના શબ ઢાળી દેનાર સોલ્જર આજે...
ખાટલા પર સૂતો ઉપાડી શકતો નથી 
પ્યાલો પાણીનો બાજુમાં પડેલ...
`ઘડપણ' સ્વીકારે જ છૂટકો છે...તારે...મારે...
શાનથી જીવીશું...શાનથી સહન કરીશું...
ઘડપણ વધુ મજેદાર હશે, પ્રેરણાદાયક હશે...
ઘડપણ તું ભલે પધારે...તારું સ્વાગત છે...
હર્ષદ દડિયા (ઘાટકોપર -ઇસ્ટ)

નાનાં ઉદ્યોગોની સમસ્યાનો થાય નિકાલ
ઉદ્યોગો લોકોને કામ આપે છે. સરકારને રેવેન્યુ પણ આપે છે. એક નાના ઉદ્યોગકારને વેપાર ચલાવવામાં કેટલી તકલીફ પડે છે એ તે જ જાણે છે. એથી સરકારે આ તરફ ધ્યાન આપીને તેમને એમાંથી મુક્ત કરવા જોઈએ. તેમને ચોપડા ચીતરવાના, એસેસ્મેન્ટ કરવામાં સમય બરબાદ થાય છે. એથી સરકારે આ દિશામાં વિચારવું જોઈએ.
ફખરૂદીન ખાનભાઈ ચીતલવાલા