Thu May 28 2026

Logo

ખરીફ મોસમ સામે અલ નિનોની સંભવિત કટોકટીનો સામનો કરવા સરકાર સજ્જ

2026-05-28 19:55:36
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન ખરીફ પાક સામે અલ નિનો હવામાનની કોઈપણ પ્રતિકૂળ અસરને ખાળવા માટે કેન્દ્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવવાની સાથે તેમણે કઠોળ અને તેલીબિયાંમાં સંકલિત ખેતી કરવા અને આત્મનિર્ભરતા હાંસલ કરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. 

અલ નિનોની ચિંતા કરવાને બદલે અસરગ્રસ્ત જિલ્લાઓ માટે કટોકટીની યોજના ઘડવી જોઈએ અને જરૂર પડે તે મુજબ પાકમાં બદલાવ લાવવો જોઈએ, એમ અત્રે યોજાયેલી બે દિવસીય નેશનલ ખરીફ કોન્ફરન્સ પશ્ચાત્‌‍ તેમણે જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે મંત્રાલય વૈકલ્પિક પાક માટેના જિલ્લાઓ ઓળખવાની પ્રક્રિય કરી રહ્યું છે અને અલ નિનોની અસર થતાં બિયાંરણની પર્યાપ્ત ઉપલબ્ધિ થાય તે માટે તકેદારી રાખી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટે ગત 13મી એપ્રિલના રોજ પહેલા તબક્કાના અંદાજમાં વર્ષ 2026માં નૈર્ઋત્યનું ચોમાસું લાંબાગાળાની સરેરાશ કરતાં 92 ટકા રહેવાનો અંદાજ મુક્યો હતો.

તેમ જ વર્લ્ડ મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને મેથી જુલાઈની શરૂઆતમાં અલ નિનોની સ્થિતિ પરત આવવાની શક્યતા દર્શાવી છે, જ્યારે અમેરિકા સ્થિત નેશનલ ઓસેનિક ઍન્ડ એટમોસ્ફોરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ)એ તેના 11મી મેના અપડેટમાં જણાવ્યું હતું કે અલ નિનોની સ્થિતિ મે-જૂન દરમિયાન ઊભરી આવે તેવી શક્યતા છે, જે વર્ષના અંત સુધી રહી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પૂર્વ પેસિફિક સમુદ્રની સપાટી પર અસામાન્ય ગરમીની સ્થિતિ હોય ત્યારે અલ નિનોની અસર હેઠળ ભારતમાં સૂકા હવામાન અને ગરમીની સ્થિતિ સર્જાતી હોય છે. દેશના અમુક વિસ્તારોમાં ખરીફ વાવેતરનો હમણા આરંભ થયો છે, પરંતુ તે પણ આગોતરી સ્થિતિમાં છે. જે વિસ્તારોમાં ચોમાસા પૂર્વેનો વરસાદ થયો છે ત્યાં ખેડૂતો કઠોળ, જાડા ધાન્ય અને કપાસ જેવાં ટૂંકા સમયગાળાના પાક માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે. 

સામાન્યપણે દેશમાં નૈર્ઋત્યના ચોમાના આગમન સાથે ખરીફ વાવેતરનો આરંભ જૂનમાં થતો હોય છે અને તેમાં વેગ જૂન-જુલાઈ દરમિયાન પકડાતો હોય છે. ગત પાક વર્ષ 2025-26 (જુલાઈ-જૂન)માં પડકારોની સ્થિતિ હોવા છતાં દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન આગલા વર્ષની સરખામણીમાં 1.88 કરોડ ટન વધીને 37.656 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું ચૌહાણે જણાવ્યું હતું. 

વધુમાં આઈસીએઆરના ડિરેક્ટર જનરલ એમ એલ જાટે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીના વર્ષ માટે ચોખાના પાકનો લક્ષ્યાંક હાંસલ થઈ ગયો છે, જે પાક વૈવિધ્યકરણ તરફ નિર્દેશ કરે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અમને ચોખાના વાવેતર વિસ્તાર માટે પાંચ કરોડ જમીનની આવશ્યતા નથી માત્ર 3.5 કરોડ હેક્ટરની આવશ્યતા છે. જો આપણને 1.50 કરોડ વાવેતર વિસ્તારની વહેંચણી કરવી હોય તો તેને કઠોળ અને તેલીબિયાં તરફ વાળવામાં આવે તો આત્મનિર્ભર બની શકશું, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે 100થી વધુ જિલ્લાઓ વૈજ્ઞાનિક રીતે ભલામણ કરેલા સ્તરોથી વધુ માત્રામાં ખાતરોનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પોષક, કાર્યક્ષમ પાક સંવર્ધન, કાર્બોનિક અને જૈવિક ઈનપૂટ્સનો વધુ ઉપયોગ અને સુધારેલ જમીન સ્વાસ્થ્ય વ્યવસ્થાપન સહિત બહુ આયામી વ્યૂહ રચનાની હાકલ કરવામાં આવી છે. 

વધુમાં બિયારણની ગુણવત્તા અને ડેટા ઈકોસિસ્ટમને પ્રાથમિકતાના ક્ષેત્ર તરીકે ગણાવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પહોંચાડવાથી જ ઉત્પાદકતામાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે, એમ જાટે જણાવતાં ઉમેર્યું હતું કે રાજ્યનાં ખેતરો, કૃષિ વિદ્યાપીઠો અને સંસ્થાઓ સહિત તમામ હિસ્સેધારકોને ગુણવત્તાયુક્ત બીજનાં ઉત્પાદનને પ્રાથમિકતા આપવા અરજ કરવામાં આવી છે.