Wed Sep 02 2026

Logo

ભારતમાં ફિફા વર્લ્ડ કપની મૅચો જોવા મળશે કે નહીં? આ ગુડ ન્યૂઝથી આશા જાગી છે

2026-05-27 17:13:02
Author: Ajay Motiwala
ભારતમાં ફિફા વર્લ્ડ કપની મૅચો જોવા મળશે કે નહીં? આ ગુડ ન્યૂઝથી આશા જાગી છે

નવી દિલ્હીઃ દર ચાર વર્ષે યોજાતા ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપને માંડ 15 દિવસ બાકી છે ત્યારે ભારતના અસંખ્ય સૉકરપ્રેમીઓમાં એવી ચિંતા છે કે આ મેગા ટૂર્નામેન્ટની મૅચો ટીવી પર જોવા મળશે કે નહીં? ભારતમાં હજી સુધી ફિફા પાસેથી બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ મેળવવામાં ન આવ્યા હોવાથી લોકોમાં આ ચિંતા જેમ જેમ વિશ્વ કપ નજીક આવતો જાય છે એમ એમ વધી રહી છે.

જોકે એક આનંદના સમાચાર એ છે કે ઝી (Zee) એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીઝના અધિકારીઓ ભારતમાં પ્રસારણ માટેના બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ મેળવવા ફિફાના સત્તાવાળાઓ સાથે મંત્રણા કરી રહ્યા છે. જો આ મંત્રણા સફળ થશે તો ભારતમાં ફિફા વર્લ્ડ કપની મૅચો પ્રસારિત કરવા સંબંધમાં મૂંઝવણો દૂર થઈ જશે.

11મી જૂને શરૂ થનારો ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે. આ વખતે પહેલી જ વખત 48 દેશ ભાગ લેશે. દૂરદર્શન આ વિશ્વ કપની નૉકઆઉટ સહિતની મુખ્ય મૅચોના પ્રસારણના હકો મેળવી લેશે એવી સંભાવના વચ્ચે એવા સમાચાર પણ મળ્યા છે કે ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા `યુનાઇટ-8 સ્પોર્ટ્સ' નામની નવી સ્પોર્ટ્સ ચૅનલ શરૂ કરવામાં આવી રહી છે અને એના પર ફિફા વર્લ્ડ કપની મૅચો પ્રસારિત કરવાની કંપનીની યોજના હોવાનું જાણવા મળ્યું છે.

રૉઇટર્સ સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર ફિફાએ અંદાજે 100 મિલિયન ડૉલર (આશરે 958 કરોડ રૂપિયા)માં અગાઉ ભારતમાં મીડિયા રાઇટ્સ મેળવવાની આશા રાખી હતી. એમાં ફિફા 2026ના તેમ જ 2030ના ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચો બતાવવા માગતી હતી.

જોકે કોઈ કંપની આગળ ન આવતાં ફિફાએ એ ડીલ માટેનો આંકડો ઘટાડીને 60 મિલિયન ડૉલર (575 કરોડ રૂપિયા) કર્યો હતો. કહેવાય છે કે રિલાયન્સ-ડિઝની વૅન્ચરે 20 મિલિયન ડૉલર (192 કરોડ રૂપિયા)ની ઑફર કરી હતી. જોકે ઝી એન્ટરટેઇનમેન્ટના બિડ રિલાયન્સની કથિત ઑફરથી ઘણા ઊંચા હોવાનું મનાય છે. અગાઉ જાપાનના સોની ગ્રૂપ કોર્પોરેશને પણ ભારતમાં પ્રસારણ માટે ડીલ કરવાનો વિચાર કર્યો હતો.