ભરત વૈષ્ણવ
`તમે અમારી વિરુધ્ધ `એસીબી'નું છટકું ગોઠવ્યું છે કે શું? એટલે અમને પેકેટ પકડાવ્યા છે, ખરું કે નહીં?'
સૌએ ફફડીને સવાલ પૂછયો. બન્યું એવું કે એક અજાણ્યા માણસે ઓફિસમાં જઇ દરેક ટેબલે એક એક પેકેટ પકડાવ્યું.
`ના, હું `એસીબી' એન્ટીકરપ્શનનો ઓફિસર નથી.' નવાગંતુકે જવાબ આપ્યો.
`તો તમે કોણ છો?' સૌ સ્ટાફરે એક અવાજે સવાલ પૂછયો.
`માં નામ રઘુભાઇ છે. માં હુલામણું નામ રઘલો છે.' રઘલાએ ઓળખ આપી.
`અત્યારે દિવાળી છે? સૌએ પાછો સવાલ પૂછયો.
`ના, અરે હમણા તો અખાત્રીજ ગઇ.' રઘલાએ જવાબ આપ્યો.
`તમને ખબર છે કે ઓફિસમાં લાંચ આપવી ગુનો ગણાય છે?' રિસેપ્શનિસ્ટ રુચિ રૂપાળીએ પૂછયું.
`એ તો હું કે તમે ફરિયાદ કરીએ તો કાયદા મુજબ લાંચનો ગુનો બને.' રઘલાએ સફાઇ પેશ કરી.
`દિવાળીમાં અમે મીઠાઇ, ફટાકડા, સોનાના સિક્કા લઇએ છીએ. કેમ કે, અમે ગિફટ પેકેટ ન લઇએે તો લોકો નારાજ થઇ જાય. બાકી અમે લાંચિયા કે ચાંચિયા નથી.' રુચિએ સિદ્ધાંત સમજાવ્યો.
`એ તો વ્યવહારિક છે.' રઘલાએ સમર્થનનો સિક્કો માર્યો.
`દિવાળી સિવાય ગિફટ પેકેટ? નક્કી કોઇ ગરબડ ગોટાળા લાગે છે.' મેનેજર મનોજ મતલબીએ અનુમાન લગાવ્યું.
`તેનું એક કારણ છે.' રઘલાએ કહ્યું.
`અમને એ કારણ જાણવામાં રસ છે.' મનોજ મતલબીએ આતુરતાથી કહ્યું.
`હું જરૂર કારણ જણાવીશ.' રઘલાએ ટૂંકો જવાબ આપ્યો. એવામાં એક ઉંદરડો ટેબલ પર પડેલ કાગળ લઇને તેના દર તરફ ભાગ્યો.
`ક્યારે?' મનોજે પૂછયું.
`તમારી ઓફિસમાં ચોપગા ઉંદરોનો ત્રાસ તો દેખાય છે. સાથોસાથ બે-પગવાળા પણ શોર મચાવતા હોય તેમ લાગે છે.' રઘલાએ કોમેન્ટ કરી.
`અમે ઉંદર ભગાડવા પેસ્ટિસાઈડ કરાવીએ છીએ, છતાંય આ ઉંદરો...' રુચિએ જવાબ આપ્યો.
`તમે લોકો શું ખાવ છો?' રઘલાએ નવો મોરચો ખોલ્યો.
કોઇ અરજદાર ઓફિસમાં આવીને તેની અરજીનું શું થયું તેમ પૂછે? પરંતુ, સ્ટાફ શું આરોગે છે એમ પૂછે તેનો શો મતલબ કાઢવો?
`કેમ તમારે તેની સાથે શું લેવાદેવા છે? બાકી અમે રોટલી ખાઇએ છીએ.' શેફાલીએ ચાંપલાશ કરી.
`અમે દાળભાત ઓરોગીએ છીએ.' સ્ટેનો સ્ટેલાએ સ્ટેપકટ વાળને ઝાટકો મારીને જવાબ આપ્યો.
`એ પણ વર્થલેસ ડીશ છે. તેનાથી'
`અયયો, અમે ઇડલીસંભાર, મેંદુવડા, રસમ જમીએ છીએ.' ઐય્યરે ટિપિકલ સાઉથ ઇન્ડિયન ઉચ્ચારમાં ઉચ્ચારણ કર્યું.
`ઓહ નો. તેનાથી.' રઘલાએ વાક્ય અધ્યાહાર રાખ્યું.
`અમે પાસ્તા, મેગી, સમોસા જમીએ છીએ.'
`ખલ્લાસ, સત્યાનાશ. તેનાથી' રઘલાએ રાડ પાડી પાડી.
`આ સવાલોનો કોઇ મતલબ ખરો?' મનોજે પૂછયું.
`સાહેબ, સવાલનો મતલબ છે એટલે જ મેં તમને લોકોને પૂછ્યા હતા.' રઘલાએ મંદ મંદ મુસ્કુરાતા કહ્યું.
`કેવી રીતે?' સૌએ આતુરતાથી પૂછયું. `તમારી પાસે જે કાગળો, અરજીઓ આવે છે. તેનો સમયસર નિકાલ કરવાનો હોય તે યાદ હોય છે?' રઘલાએ મહત્ત્વનો સવાલ કર્યો.
`હા, કેમ નહીં?' સૌએ ખોંખારો ખાઇને કહ્યું.'
`કંઇ નહીં, મેં એક કામ માટે તમારી ઓફિસમાં અરજી કરેલી.' રઘલો તપ્યો.
`આ તમારી પહેલી અરજી છે?' રોમાએ કોમ્પ્યુટરમાં સર્ચ કરી પૂછયું.
`ના,મેડમ. મેં નહીં નહીં તો દોઢસો વાર હસ્તલિખિત અરજી કરી છે.' રઘલાએ વ્યથા ઠાલવી.
`તો શું થયું? તમારો હાથ ભાંગી ગયો છે? એકસો એકાવનમી પાર અરજી કરી નાંખો.'
`તમે અરજી કરી હતી તેનો પુરાવો શું?' મનોજે પૂછયું.
`આ લો, ઓફિસકોપી. તેના પર અરજી સ્વીકાર્યાનો સિકકો લગાવેલ છે.' રધલાએ દોઢસો અરજીની નકલ દેખાડી.
`કયા કામ માટે અરજી કરેલી છે?' મનોજે નરમ થઇને પૂછયું.
`મેં એક મકાન ખરીદેલ છે. જેમાં નામ બદલવા બે વરસમાં દોઢસો અરજી કરી છે. મને તેનો જવાબ મળ્યો નથી. તમારે ત્યાં અરજી કચરાટોપલીમાં ધકેલવાની એસઓપી છે? કાં તો વજન મૂકયા સિવાય અરજી દોડતી નથી.' રઘલાએ આક્ષેપ કર્યો.
`એવું નથી. તમારી ગેરસમજ થાય છે.' મનોજે લાળા ચાવ્યા.
`તો કેવું છે? મારી એક પણ અરજી કાચબા ગતિએ ચાલી નથી. મેં સ્ટાફને બદામનું પેકેટ કેમ ગિફટ કર્યું તે તમારે જાણવું છે? રઘલાએ આખરી દાવ ખેલ્યો.
`હા, કેમ નહીં?' સૌ કોરસમાં બોલ્યા.
`તમને કંઇ યાદ રહેતું નથી. તમે અકકલકરો પણ ખાતા નથી. એટલે તમને અરજીની વિસ્મૃતિ થાય છે. નબળી યાદદાસ્ત સુધારવા તમને બદામના પેકેટ ગિફટ કરેલ છે.' રઘલાએ પેકેટ આપવાનું કારણ જણાવ્યું.
કહે છે કે એક ચમત્કાર થઇ ગયો. રઘલાએ પેકેટમાં આપેલ ત્રણ બદામ ખાતાવેંત જ સૌએ રઘલાનું કામ નિપટાવી દીધું.!