Sat May 30 2026

Logo

ટ્રક ચાલકની ગુંડાગીરી! કારને મારી ટક્કર, કેટલાય મીટર સુધી ઘસડી- VIDEO

2026-05-30 10:58:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુવનેશ્વરઃ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થતાં-થતાં રહી ગયો. શહેરના પાલાસુની પુલ (Palasuni Bridge) પર એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારીને થોડે દૂર સુધી ઘસડી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને શહેરની માર્ગ સલામતી વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

અકસ્માતનો વીડિયો જોઈને દંગ રહી જશો

પ્રાપ્ત માહિતી મુજબ, એક પિતા પોતાની પુત્રી સાથે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલાસુની પુલ પર પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે કાર ટ્રકની આગળ ફસાઈ ગઈ અને થોડે દૂર સુધી રોડ પર ઘસાતી રહી. આ દરમિયાન કારમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને રોડ પર હાજર અન્ય વાહનચાલકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.
 

ઘટના સમયે કારમાં બેઠેલા પિતા અને પુત્રી ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ રહી કે આ ખતરનાક અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો ટ્રક ચાલકે સમયસર વાહન પર કાબૂ મેળવ્યો ન હોત અથવા કાર અન્ય કોઈ વાહન સાથે અથડાઈ હોત, તો આ અકસ્માત વધારે ગંભીર બન્યો હોત.

 

ટ્રક ડ્રાઈવરની ધરપકડ 

ઘટના બાદ પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાક્રમની સાચી વિગત મેળવવા અને અકસ્માતના કારણો શોધવા માટે અધિકારીઓએ વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની પણ તપાસ કરી હતી.