હેમંત વાળા
નાનકડી, માત્ર સાત ચોરસ મીટરના વિસ્તારની સન 2023માં સ્થપતિની સંસ્થા ડીઆરએએ દ્વારા રચિત આ કૅબિન સ્થાપત્યના એક ઘરેણાં સમાન છે. ફ્રાન્સના લાથુઇલની આ એકદમ હલકીફૂલકી રચના એ રીતે બનાવાય છે કે એક સમયે એમ લાગે કે તેનું બાંધકામ નથી થયું પરંતુ ઘડતર કરાયું છે. સ્થાપત્યમાં સુંદર ઘડામણનો આ નમૂનો છે.
કેટલાક લોકો આને મકાન માનવા જ તૈયાર નથી, તેમની દૃષ્ટિએ તો આ એક પૅવેલિયન માત્ર છે, છાપરું માત્ર છે, તે પણ અલાયદું ઊભેલું. મકાન સાથે સામાન્ય રીતે સંકળાયેલી હોય તે પ્રકારની અહીં કોઈ સ્પષ્ટ નિર્ધારિત ઉપયોગીતા નથી. તેમની દૃષ્ટિએ મકાન સાથે જે પ્રકારની સંલગ્નતા હોવી જોઈએ તેમાંથી અહીં કશું જ નથી. વાત સાચી પણ છે. આ માત્ર એવું સ્થાન છે કે જ્યાંથી કુદરતને જોઈ શકાય, કુદરતને માણી શકાય, કુદરત સાથેનું સામીપ્ય અનુભવી શકાય. સ્થાપત્યની આ રચના માટે કુદરત ઉત્સવનું કારણ બની રહે છે.
આ કૅબિનની આ જ ઉપયોગીતા છે, પણ તે ઉપયોગીતા જરૂરી છે. સાંપ્રત સમયમાં, ખાસ કરીને સ્થાપત્યના ક્ષેત્રમાં, કુદરત સાથે જે દૂર્વ્યવહાર જોવા મળે છે તેનાથી આ વિપરીત ઘટના છે. સાંપ્રત સમયમાં જબરજસ્તીથી જે રીતે કુદરતને મકાનની અંદર બેસાડી દેવાય છે તેનાથી વિપરીત અહીં કુદરત સુધી પહોંચવાનો પ્રયાસ છે.
વર્તમાન સમયમાં જે રીતે કુદરતને માત્ર સુશોભનની બાબત તરીકે લેવામાં આવે છે તેની અપેક્ષાએ અહીં કુદરતને જાણે ખાસ મહત્ત્વ મળે છે, વિશેષ સ્થાન મળે છે. ભલે આ પ્રયત્ન નાના પ્રમાણમાં છે, પરંતુ આ પ્રકારના પ્રયત્નને પ્રોત્સાહન મળે તે વ્યાજબી પણ છે અને જરૂરી પણ છે.
સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રયાસમાં ન્યૂનતમતા જળવાઈ રહેવી જોઈએ, એક પ્રકારની સૌમ્યતા અને સાદગી પ્રતીત થવી જોઈએ, ઘોંઘાટની બાદબાકી થવી જોઈએ, સામગ્રીની પસંદગી કુદરતને અનુકૂળ રહે તે મુજબની રહેવી જોઈએ, બિનજરૂરી બાબતોને અહીં સ્થાન ન મળવું જોઈએ, વ્યક્તિ કુદરત સુધી શારીરિક માનસિક તેમજ ભાવાત્મક રીતે પહોંચી શકે તેની સંભાવના ઊભી થવી જોઈએ, કુદરત સાથે વ્યક્તિ આત્મીયતા અનુભવે તેવા સંજોગો સ્થાપિત થવા જોઈએ, સમગ્ર રચનામાં એક પ્રકારની સમરસતા તેમજ સુસંગતતા હોવી જોઈએ, આંતરિક કે બાહ્ય, કોઈપણ પ્રકારનાં, કોઈપણ સ્વરૂપના કલેશની અહીં સંભાવના ન હોવી જોઈએ, સમગ્રતામાં પરિસ્થિતિ સુંદર જણાવવી જોઈએ- આ બધું જ અહીં જાણે આકાર લઈ રહ્યું છે.
મકાનમાં જે પ્રકારની સવલતો હોય તે અહીં નથી. મકાનમાં જોવાં મળતાં બારી-બારણાં, તે પ્રકારની ફરસ, કેટલીક સંરચનાકીય જરૂરિયાતો, રાચરચીલાની ગોઠવણ- અહીં કશું જ નથી. માળખાગત બંધારણ હોવાં છતાં અહીં બંધિયારપણું નથી. છાંયડાવાળી જગ્યામાં ઊભા રહીને કે બેસીને નજીકના સુંદર તળાવનું દૃશ્ય શાંતિથી માણી શકાય તે માટેની આ રચના છે. આ રચનાનો એકમાત્ર હેતુ કુદરત સાથે બેસીને આનંદ માણવાનો છે. આમ તો આ રચના એક સમયે એક વ્યક્તિના સમાવેશ માટે જ છે, પરંતુ આ રચના પ્રત્યેનું આકર્ષણ વધુ હોવાથી અહીં ક્યારેક બે-ચાર મિત્રો પણ કુદરતના સાનિધ્યનો આનંદ માણી સાથે શકે છે.
ફરસ અર્થાત્ ફ્લોરિગ અને ઊભા ક્લેડિંગ માટે સ્થાનિક દેવદારના લાકડાની પટ્ટીઓ તથા છત માટે વપરાયેલ ખાસ પ્રકારનું વિનાઇલ ફેબ્રિક અર્થાત્ કાપડ, બસ આમાં આટલી સામગ્રીનો ઉપયોગ થયો છે. હા, આ કાપડ બાંધવા માટે જે રસ્સી વપરાઈ છે તેનો પણ સૂચિમાં સમાવેશ થઈ શકે. એક મંતવ્ય પ્રમાણે આ રચના મધ્યકાલીન યુરોપમાં પ્રવાસી વસાહતીઓ દ્વારા બનાવાતી કામચલાઉ કૅબિન જેવી છે. અહીંના સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ રચના એક સ્પર્ધા માટે અસ્તિત્વમાં આવી હતી. લાકડાના પૅવેલિયનની શ્રેણીમાં આ રચના વિજેતા તરીકે ઘોષિત થઈ હતી.
કુદરતી દેખાવ માટે પૉલિશ કરાયેલ લાકડાની પટ્ટીઓની લયબદ્ધ ગોઠવણ થકી અહીં માળખાકીય બાંધકામ ઊભું કરાયું છે. આ પટ્ટીની ગોઠવણ લયબદ્ધ રીતે તથા અનુકૂળતા જળવાય તે પ્રકારની છે જેમાં ત્રિકોણની અચલતાનો સિદ્ધાંત પ્રયોજાયો છે. અહીં વચ્ચે લાકડાની પટ્ટીઓને જ ગોઠવી દેવાયેલી સમતલ ફરસ બનાવી તેના પર લાલ વિનાઇલ કાપડ બાંધીને ઢળતી છત બનાવાઈ છે. આ છતમાં વચ્ચે વચ્ચે રહી ગયેલો અવકાશ, બહારથી બટે્રસ જેવા ટેકા દ્વારા મળતી નાટકીયતા, ઉત્કૃષ્ટ સુથારીકામનું રસપ્રદ પ્રયોજન, તથા લાકડાની પટ્ટીઓની ગોઠવણથી એક પ્રકારની મૃદુતાનો ભાવ સ્થાપિત થાય છે. એકંદરે એમ કહી શકાય કે કુદરતને જોવા માટે બનાવાયેલ આ સ્થળ સ્વયં જોવાલાયક બની રહે છે.
આ કૅબિનની રચના જોતાં એમ જણાય છે કે અહીં વિશાળતા સામે ન્યૂનતાનો, ઘોંઘાટ સામે શાંતિનો, દંભ સામે નિર્દોષતાનો, જટિલતા સામે સાદગીનો, આધુનિકતા સામે પરંપરાનો, માનવ નિર્મિત સામે કુદરતનો, આડેધડવાદ સામે નિયમબદ્ધતાનો, વ્યય સામે સંયમનો, બનાવટી સુંદરતા સામે અંતર્ગત સૌંદર્યનો, આક્રમકતા સામે સૌમ્યતાનો અને બુદ્ધિમત્તા સામે ભાવાત્મકતાનો વિજય છે.
સાંપ્રત સમયમાં આ પ્રકારનો વિજય ખૂબ જરૂરી છે. આ પ્રકારની રચના મોટા પ્રમાણમાપમાં થઈ શકે કે કેમ એ પ્રશ્ન પૂછી શકાય, પરંતુ જો સ્થપતિમાં સંવેદનશીલતા સાથે સર્જનાત્મકતા હોય તો કોઈ પણ સંભાવના વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરી શકે.
સમાજે સ્થપતિમાં અને સ્થપતિએ પોતાની જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ.