Tue Jul 28 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યમાં ઉઘડતી નવી ક્ષિતિજ

2026-07-25 15:18:07
Author: Hemant Wala
Article Image

હેમંત વાળા

કોઈપણ પરિસ્થિતિ જેમની તેમ નથી રહી શકતી. સારી ગણાતી પરિસ્થિતિમાં પણ બદલાવ આવતો હોય છે. બદલાવ પ્રાયોજિત હોય કે આકસ્મિક હોય, યોગ્ય દિશા તરફનો હોય કે વ્યર્થતા તરફનો હોય, નાના કાર્યથી શરૂ થયેલો હોય કે એક વિશાળ ઘટના સમાન હોય, ટેકનોલોજી આધારિત હોય કે વિચારધારાના અનુસંધાનમાં હોય, આધુનિકતા તરફનો હોય કે પરંપરા સાથે વધુ જોડતો હોય, આશાવાદી હોય કે યથાર્થતાવાદી હોય, વ્યક્તિ પ્રેરિત હોય કે સિદ્ધાંત આધારિત હોય - દરેક પ્રકારના બદલાવ થકી નવી ક્ષિતિજો ઉઘડતી હોય છે. સમાજમાં તથા સમાજથી જોડાયેલા પ્રત્યેક ક્ષેત્રમાં બદલાવ એક સ્વાભાવિક ક્રિયા છે.

આમ પણ પરિવર્તન અર્થાત બદલાવ એ જગતનો નિયમ છે. કળાના ક્ષેત્રમાં બદલાવ આવતો રહે છે અને તકનીકી ક્ષેત્રમાં પણ સંભવિત બદલાવના પાયા સમાન પણ નિતનવાં સંશોધન થતાં રહે છે. સામાજિક તેમ જ રાજકીય વ્યવસ્થા બદલાય છે, જે તે પ્રદેશની આર્થિક સ્થિતિ બદલાય છે, નીતિમત્તાનાં ધોરણો બદલાય છે, પ્રવર્તમાન શિક્ષણનું માળખું બદલાય છે, માનવીની ક્ષમતા અને સપનામાં પણ બદલાવ આવે છે. એવું એક પણ ક્ષેત્ર નથી જેમાં બદલાવની-પરિવર્તનની સંભાવના ન હોય. સ્થાપત્ય આમાં અપવાદ ન હોઈ શકે. વાસ્તવિકતા તો એ છે કે સ્થાપત્યને અસર કરતાં પરિબળો વધારે હોવાથી આ ક્ષેત્રમાં બદલાવની સંભાવના સામાન્ય રીતે વધુ રહે.

અર્વાચીન સ્થાપત્યના તબક્કા પછી નવી નવી સ્થાપત્ય શૈલી પ્રાયોગિક ધોરણે પણ અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં પણ પ્રયોજાતી રહી છે. જૂની વિચારધારાનું ખંડન કરી નવી શૈલી તથા ભાષા સ્થાપિત કરવાના પ્રયત્નો થાય છે. દરેક વખતે એમ કહેવાનો પ્રયત્ન થાય છે કે જે જૂનું છે તેમાં પ્રશ્નો છે અને તેથી નવો અભિગમ જરૂરી છે. 

વાત અંશત: સાચી પણ હોઈ શકે. સ્થાપત્યની કોઈપણ રચના સંપૂર્ણતામાં જવાબ આપી શકવાં સમર્થ નથી, તેવી જ રીતે સ્થાપત્યની કોઈપણ શૈલી બધાં જ પ્રશ્નોના નિરાકરણ માટે સક્ષમ નથી. દરેક વખતે પ્રશ્નો નિર્ધારિત કરીને તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. આ પ્રક્રિયામાંથી જ નવી શૈલી વિકસે, જેને નામ આપી દેવાય, પછી તેના પ્રશ્નો શોધવાની પ્રક્રિયા ચાલુ થાય, પછી તેના ઉત્તરો ગોતાય અને વધુ નવી શૈલી પ્રસ્થાપિત થાય. આમ જ સ્થાપત્યની ક્ષિતિજો વિકસે.

બજારમાં નવી સામગ્રી પણ આવતી રહે છે. આ સામગ્રીના ઉપયોગ માટેનું એક ખેંચાણ પણ જોવાં મળે છે. સામગ્રીની નવીનતા ઊભરી આવે તે માટે આ સામગ્રીના ઉપયોગમાં પણ નવીનતા લાવવાનો પ્રયત્ન થાય છે. સામગ્રી સાથે તકનીકમાં પણ નિતનવો વિકાસ થતો રહે છે. એક સામગ્રી આજે જે રીતના ઉપયોગમાં આવે તે જ પ્રમાણે કાલે તે ઉપયોગમાં લેવાશે જ તેમ માની ન શકાય. કારીગરની ક્ષમતા અને સંવેદનશીલતામાં પણ બદલાવ આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સમય પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સમયે બાંધકામ માટે જે સમય માન્ય હતો તેમાં આજે ઘણી કપાત થઈ છે. આ બધાને પરિણામે પણ સ્થાપત્યની ક્ષિતિજો વિકાસ પામે તે સ્વાભાવિક છે.

ખાસ સ્થાપત્ય ક્ષેત્ર માટેના નવા નવા સોફ્ટવેર આવવાથી પણ ક્ષિતિજો વિકસી છે. જે પ્રકારનો વિચાર પહેલાં મુશ્કેલ જણાતો તે હવે સરળતાથી રિઝોલ્વ કરી શકાય છે. હવે ગણતરી વધુ ચોક્કસ બની શકે છે, ભારવહન માળખું વધારે અસરકારક બનાવી શકાય છે, આકારોની પરિકલ્પનામાં હવે મર્યાદા નથી, સામગ્રીનો વધુ અસરકારક ઉપયોગ પણ હવે શક્ય બને છે, અને આ બધું ઝડપી અને ચોકસાઈ પૂર્ણ બની શકે છે. 

આ સાથે સ્થાપત્ય રચનાની વિવિધ સંભાવના વચ્ચેની પસંદગી માટે જરૂરી ગણાતું સાંદર્ભિક મૂલ્યાંકન સરળ બની રહ્યું છે, જેને કારણે યોગ્ય વિકલ્પનું ચયન સરળતાથી શક્ય બને છે. સોફ્ટવેર નવાં નવાં શોધાયાં જ કરતાં હોવાથી સ્થાપત્યની ક્ષિતિજ વિસ્તરતી જ જાય છે. આ આખી પ્રક્રિયામાં હવે તો `એઆઈ' પણ મદદરૂપ થાય છે.

વિશ્વમાં સંસાધનો ઓછા થતાં જાય છે જેની અસર સ્થાપત્ય પર પણ પડે છે. આ સંજોગોમાં ઓછી સામગ્રીનો ઉપયોગ કરી મકાનની કાર્યક્ષમતા વધારવાના પ્રયત્નો થાય એ સ્વાભાવિક છે. સામગ્રીનો લઘુતમ ઉપયોગ કરી મહત્તમ પરિણામ મેળવવા માટે નિતનવા પ્રયોગો થતાં રહે છે. પર્યાવરણ તેમજ વાતાવરણ માટેની સંવેદનશીલતા પણ, વધુ સ્પષ્ટતાથી, સ્થાપત્યમાં પ્રતિબિંબિત થાય છે. ઊર્જાના વપરાશમાં સંયમ આવે તે માટેના પ્રયત્નો પણ થયાં કરે છે. કુદરત સાથે તાલમેળ મેળવવાના પ્રયત્નોમાં વિવિધ સિદ્ધાંતનું અમલીકરણ જોવા મળે છે. બદલાવની આ સારી નિશાની છે.

આ સાથે મકાન માટેની જરૂરિયાતના નિર્ધારણમાં વધુ સ્પષ્ટતા આવી છે. મકાન પાસેથી કઈ અપેક્ષા છે, તે અપેક્ષા કેટલી માત્રામાં છે, તે બાબતે હવે વધુ ચોકસાઈ રખાય છે. વ્યર્થ કોઈને પસંદ નથી, બગાડ કોઈને માન્ય નથી, દેખાવ માટેનો દંભ અમુક હદ સુધી જ સ્વીકાર્ય રહે છે. સમગ્ર સમાજ સંવેદનશીલ થતો જાય છે. સમાજનો સ્થાપત્ય લક્ષી અગ્રતાક્રમ પણ યોગ્ય દિશામાં બદલાતી હોય તેમ જણાય છે. જો આ પ્રક્રિયા ચાલુ રહી તો સ્થાપત્યની સંદર્ભિક સ્વીકૃતિનો વ્યાપ વધતો જશે.

સ્થાપત્યના ક્ષેત્રમાં અન્ય એક અગત્યનો બદલાવ પણ દેખાય છે. સ્થપતિનો અભિગમ હવે વધુ વ્યવસાયિક રહે છે. વ્યવસાયમાં અનૌપચારિકતા ઓછી થતી જાય છે અને દરેક બાબતને ઔપચારિક રીતે લેવાનો પ્રયત્ન થાય છે. વ્યવસાયની દ્રષ્ટિએ આ એક સારી નિશાની છે. આને કારણે વ્યવસાયિક ઉત્તરદાયિત્વ વધુ સ્પષ્ટ બને છે અને સમાજ એ વ્યવસ્થિત રીતે જાણી શકે છે કે આ ક્ષેત્ર પાસે કઈ કઈ અને કેવાં કેવાં પ્રકારની અપેક્ષા રાખી શકાય.

આ બધાં પ્રકારના બદલાવથી સ્થાપત્યના ક્ષેત્રમાં નવી ચેતના જાગ્રત થઈ છે. હવે દરેક બાબતને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે. સ્થાપત્યમાં વ્યવસાયિક, સામાજિક, વ્યક્તિગત તેમજ સાંસ્કૃતિક ઉત્તરદાયિત્વનો આ તબક્કો છે. સ્થાપત્યની ક્ષિતિજો વિકસી રહી છે.