કામિની શ્રોફ
`રેનેસાં' (Renaissance).... ફ્રેન્ચ ભાષાના આ શબ્દનો અર્થ પુનર્જન્મ-પુનર્જાગૃતિ અથવા નવજાગૃતિ થાય છે. પુનર્જાગૃતિના આંદોલનને મધ્ય યુગનો અંત લાવનાર અને અર્વાચીન યુગની ઉષા પ્રગટાવનાર આંદોલન પણ કહેવાય છે. ઈટલીમાં શરૂ થયેલું આ આંદોલન પછી યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાયું. `ડચ સુવર્ણયુગ' તરીકે ઓળખાયેલી 16મી અને 17મી સદી દરમિયાન ઐતિહાસિક ડચ નવજાગૃતિ (Dutch Renaissance) સમયકાળમાં નેધરલેન્ડ્સમાં સ્થાપત્યકળાનો ખૂબ વિકાસ થયો. ગયા સપ્તાહમાં આપણે ડચ સ્થાપત્યની કેટલીક લાક્ષણિકતા માણી હતી. આજે એ મોજનું વિસ્તરણ કરીએ.
નેધરલેન્ડ્સના મુકામ દરમિયાન હરવા ફરવા માટે સમયની અને પૈસાની થોડી છૂટ હોવાથી શક્ય એટલી વિવિધ અને રસપ્રદ જગ્યાઓ જોવાનો અને એને મનભર માણવાનો મક્કમ નિર્ધાર હતો. મુંબઈથી અમાં પ્લેન એમસ્ટડેમ એરપોર્ટ પર ઉતર્યા બાદ ઈમિગ્રેશનની વિધિ પતાવી ત્યારે કાઉન્ટર પરના યંગ એન્ડ સ્માર્ટ ઓફિસરે નેધરલેન્ડ્સ પધારવાનું પ્રયોજન પૂછ્યું અને જવાબમાં જ્યારે `આ દેશ જોવો અને માણવો છે' એમ કહ્યું ત્યારે સ્મિત સાથે પાસપોર્ટ થપ્પો મારતી વખતે એણે અમને કહ્યું કે Roeien met de riemen die je hebt. ડચ ભાષામાં બોલાયેલું આ વાક્ય મારા માટે કાળો અક્ષર ભેંસ બરાબર જેવું હતું.
મારો ચહેરો વાંચી તરત એ વાક્ય ઈંગ્લિશમાં જણાવ્યું કે Literally it meansRowing with the oars you have got (જે મળ્યા એનાથી નાવડીને હલેસા મારવા એ શબ્દાર્થ છે) which meansMaking the best of what you have (ભાવાર્થ પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવો). Enjoy your stay to maximum. 85 દિવસના મુકામની તક ફરી મળે ન મળે એટલે Make the best out of it -પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવા અમે મક્કમ હતા.
દ નિવે કેર્ક (De Nieuwe Kerk-The New Church)
એમસ્ટડેમના વિન્સેન્ટ વેન ગોફ મ્યુઝિયમમાં બપોરના એક વાગ્યાનું બુકિગ હતું. જોકે, ટહેલવા અમે સવારે સાડા દસે એમસ્ટડેમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી ગયા હતા. એક સુવેનિયર શોપમાં જાણવા મળ્યું કે ચાલીને દસેક મિનિટના અંતરે જ એક ઐતિહાસિક ચર્ચ છે. ચર્ચની મુલાકાતનું આકર્ષણ રહ્યું છે, ધાર્મિક કારણોસર નહીં, પણ કલાત્મક દ્રષ્ટિએ.સદીઓ જૂની આ ભવ્ય ઇમારતો માત્ર ધાર્મિક સ્થળો નથી, પરંતુ જે તે સમયના સમાજની પ્રગતિ, કળા અને વિજ્ઞાનને પણ દર્શાવે છે. એની અભિચિ હોવાથી ખ્યાતિ પ્રાપ્ત ચર્ચ જોવાની ઈચ્છા જરૂર થાય.
ડચ ઈમિગ્રેશન ઓફિસરને યાદ કરી ઉપલબ્ધ સમયનો મહત્તમ લાભ લેવાના આશય સાથે `અગિયાર નંબરની બસ' (મુંબઈના લોકો ચાલીને જવા માટે આ પ્રયોગ વાપરવા માટે જાણીતા છે)માં પહોંચી ગયા દ નિવે કેર્ક. એમસ્ટડેમમાં ડેમ સ્ક્વેર પર રોયલ પેલેસની બરાબર બાજુમાં આવેલું 15મી સદીનું આ ઐતિહાસિક ચર્ચ છે. હોલેન્ડના શાહી પરિવારોના રાજ્યાભિષેક અને લગ્ન સમારોહ માટે જાણીતું છે. એક સક્રિય ચર્ચ હોવા ઉપરાંત મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્રની પણ નામના ધરાવે છે. મોટા પાયે પ્રદર્શનો અને ઓર્ગન મ્યુઝિક કોન્સર્ટ યોજાય છે. અહીંના ઓર્ગન પણ વૈવિધ્યપૂર્ણ છે.
કિશોરાવસ્થામાં તો ઓર્ગન એટલે આર. ડી. બર્મન વગાડવામાં ચેમ્પિયન (હૈ અપના દિલ તો આવારા યાદ કરો) હતા એ માઉથ ઓર્ગનની જ જાણ હતી. સમજણ વિસ્તરતી ગઈ, પણ ચર્ચના ઓર્ગન જોઈને વિસ્મય અને હેરત થયા. ચર્ચનું ગોથિક આર્કિટેક્ચર સુધ્ધાં મનભાવન હતું. ચર્ચની મુલાકાતનો વિશેષ આનંદ એટલા માટે થયો કે આજની તારીખમાં આ ચર્ચનું ધાર્મિક મહત્ત્વ ઓછું છે. અહીં પ્રદર્શનો યોજાય છે અને એ સાંસ્કૃતિક સ્થળ તરીકે કાર્ય કરે છે.
ઈંટની બોલબાલા
ડચ સ્થાપત્યકલામાં ઈંટનું ખૂબ મહત્ત્વ છે. સદીઓ જૂની પરંપરાઓ અને આધુનિક પ્રયોગોનો સમન્વય જોવા મળે છે. હિન્દીમાં બહુ જાણીતી કહેવત છે `ઈંટ કા જવાબ પત્થર સે દેના'. જોકે, નેધરલેન્ડ્સમાં `પત્થર કા જવાબ ઈંટ સે' કહેવત બનાવવી પડે એવું છે. નેધરલેન્ડ્સ મોટે ભાગે નીચાણવાળાં મેદાનો અને નદીઓના ડેલ્ટા પ્રદેશમાં છે. અહીં કુદરતી પથ્થરોની ખાણો નહોતી. પથ્થરથી મકાન બનાવવા અન્ય દેશોમાંથી મોંઘા ભાવે પથ્થરો આયાત કરવા પડતા હતા. પથ્થરની અછત હોવાથી નદીઓની માટીમાંથી ઇંટો બનાવવાની કળા વિકસી.
આજની તારીખમાં ડચ સ્થાપત્યમાં 90 ટકાથી વધુ પ્રોજેક્ટ્સમાં ઇંટનો ઉપયોગ થાય છે. અહીં લાલ ઈંટનો વ્યાપક ઉપયોગ થાય છે. ડચ લોકોએ ખાસ પ્રકારની નાની પીળી ઈંટ પણ વિકસાવી હતી. 17મી સદીથી પીળી ઈંટની નિકાસ શરૂ થઈ હતી જે એકવીસમી સદીમાં પણ જારી છે. નેધરલેન્ડ્સમાં માટી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. અહીંની નદીઓના કિનારે અને પટમાં ઉત્તમ ગુણવત્તાવાળી અને ઈંટ બનાવવા યોગ્ય ચીકણી માટી વિપુલ જથ્થામાં સરળતાથી મળી રહેતી હતી.
શરૂઆતમાં ડચ લોકો લાકડાના ઘર બનાવતા હતા. પરંતુ જંગલો ઓછાં થવાથી લાકડાની તંગી ઊભી થતા લાકડાના મજબૂત વિકલ્પ તરીકે તેમણે માટીને ભઠ્ઠીમાં શેકીને ઈંટો બનાવવાની શરૂઆત કરી. મધ્યકાલીન શહેરોમાં મોટાભાગના ઘર લાકડાના અને એકમેકની અત્યંત નિકટ હોવાથી અવારનવાર ભયાનક આગ લાગતી હતી.
આગથી બચવા 15મી સદીની આસપાસ સ્થાનિક વહીવટીતંત્રે ઘરના બહારના ભાગ માટે અગ્નિરોધક ઈંટનો ઉપયોગ ફરજિયાત રાખવાનો કાયદો બનાવ્યો. નદીની માટીમાંથી બનાવેલી ઈંટો ખૂબ જ મજબૂત અને લાંબા સમય સુધી ટકે એવી સાબિત થઈ. ભૌગોલિક મર્યાદાઓને કારણે ડચ લોકોએ આફતને અવસરમાં ફેરવી ઈંટના સ્થાપત્યમાં મહારત મેળવી.