Fri Oct 02 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને રંગ

2026-09-19 08:20:00
Author: Hemant Wala
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને રંગ

 

હેમંત વાળા

સામાન્ય રીતે સ્થાપત્યમાં આકાર, પ્રમાણમાપ, ગોઠવણ, ઉપયોગિતા મુજબનું સ્થાન નિર્ધારણ, જગ્યાઓનું પરસ્પરનું સંકલન, પ્રકાશ-છાયા, સ્થાનિક પરિસ્થિતિ પ્રત્યેનો પ્રતિભાવ તેમ જ પ્રવર્તમાન પ્રવાહનું પ્રાધાન્ય વર્તાતું હોય છે. કાર્યક્ષમતા માટે જરૂરી આ બાબતોની સરખામણી માં સ્થાપત્યમાં રંગ અને બરછટતાનો પ્રભાવ ઓછો ગણાય, છતાં પણ જ્યારે દૃશ્ય અનુભૂતિ અને ભાવનાત્મક જોડાણની વાત થાય ત્યારે તેની ભૂમિકાને નજરઅંદાજ ન કરી શકાય. 

રંગ દીવાલો, છત કે મકાનના અન્ય અંગોને વ્યૂહાત્મક રીતે સુશોભિત કરવા ઉપરાંત માનવીય ભાવનાઓ, તેનાંથી નિર્ધારિત થતાં ચોક્કસ પ્રકારનાં પ્રતિભાવ તથા એક પ્રકારની જીવંતતા સ્થાપિત કરવાનું માધ્યમ બની રહે. આ રંગ મકાનને વિશેષ પ્રકારની ઓળખ આપી શકે. રંગ એટલે એવી દૃશ્યાત્મક શક્તિ કે જે સ્થાન, પ્રકાશ, બરછટતા, આકાર અને પ્રમાણમાપ લક્ષી માનસિક અનુભૂતિને પ્રભાવિત કરે. સ્થાપત્યમાં રંગ સજાવટ માત્ર નથી પરંતુ અસરકારક રીતે ભાવાત્મક જોડાણ સાધતું માધ્યમ છે.

રંગ દ્વારા સ્થાપત્યમાં જે તે સ્થાનના માપની અનુભૂતિ બદલાઈ શકે; હળવા રંગોના ઉપયોગથી સ્થાન વધુ વિસ્તૃત જણાય જ્યારે ગાઢ રંગો દ્વારા સીમિતતા વધુ દૃઢ જણાય. રંગની અનુભૂતિ માટે પ્રકાશ આવશ્યક છે, જે રંગ થકી પરાવર્તિત થતાં, પ્રકાશની ગુણવત્તા તથા માત્રાને પણ અસર કરે. તેજસ્વી રંગ પ્રકાશને વધુ પરાવર્તિત કરે જ્યારે ગાઢ રંગ તેને શોષી લે. આની અસર જે તે સ્થાનના તાપમાનની અનુભૂતિ પર પણ પડે. 

રંગ થકી સ્થાપત્યને સાંસ્કૃતિક, પરંપરાગત, શૈલીગત, પ્રતીકાત્મક તેમ જ ભાવનાત્મક ઓળખ આપી શકાય. સ્થાપત્ય રચનામાં રહેલી નાની મોટી માળખાકીય કે બાંધકામ આધારિત ત્રુટીઓ છુપાવવા માટે પણ રંગનો ઉપયોગ થતો હોય છે. રંગના ઉપયોગથી જે તે સ્થાનેથી ધ્યાન દૂર કરી અન્ય સ્થાને નિર્દેશિત કરી શકાય.

સર્વેક્ષણ મુજબ એમ ધ્યાનમાં આવ્યું છે કે વાદળી રંગ શાંતિ અને સ્થિરતા માટે, લીલો સંતુલન અને કુદરતી પરિસ્થિતિ માટે, લાલ ઉત્સાહ અને ચેતવણી માટે, કેસરી ઊર્જા અને સાત્ત્વિકતા માટે, પીળો આનંદ અને સક્રિયતા માટે, સફેદ શુદ્ધતા અને પવિત્રતા માટે તથા કાળો ગંભીરતા અને ગૂઢતા માટે ઉપયોગી રહે. આ થઈ સ્થાપત્યમાં રંગની માનસિક ભૂમિકા. 

કાર્યાત્મકતાની દૃષ્ટિએ, રંગ થકી, આવનજાવનનો માર્ગ નિર્ધારિત કરી માર્ગદર્શન આપી શકાય, વિભાગીકરણ માટે સ્પષ્ટતા લાવી શકાય, જરૂરી સંકેતો સરળતાથી દૃશ્યમાન કરી શકાય, ઉપયોગિતા માટે જરૂરી માહોલ ઊભો કરી શકાય તેમ જ એક પ્રકારની પ્રારંભિક સંલગ્નતા સ્થાપી શકાય. રંગ થકી સુંદરતા તો વધી જ શકે; 

સૌંદર્યની દૃષ્ટિએ રંગ થકી રસ જાગ્રત કરી શકાય, લય ઊભો કરી શકાય, દૃષ્ટિને આકર્ષિત કરી શકાય, ચોક્કસ પ્રકારનો સંદર્ભ ઊભો કરી શકાય, સંતુલન કે વિસંગતતા સ્થાપી શકાય, સ્વીકૃતિની માત્રા વધારી શકાય અને આકર્ષક સુંદરતામાં વધારો તો થઈ શકે.

સ્થાપત્યમાં રંગ શાંતિ આપી શકે અને ઘોંઘાટ પણ ઊભો કરી શકે, પરિસ્થિતિ સાથે સંલગ્ન હોઈ શકે અને વિરોધાભાસી પણ હોઈ શકે, શાંત હોઈ શકે અને આક્રમક પણ હોઈ શકે, વ્યવહારું હોઈ શકે અને પ્રતીકાત્મક પણ હોઈ શકે, સાત્ત્વિકતાને મદદરૂપ થઈ શકે અને મલીનતા પણ વધારી શકે, માનસિક આરામ આપી શકે અને મનને થકવી પણ શકે, ઉત્સાહ ભરી શકે અને અનુત્સાહિત પણ કરી શકે, ગૂંચવાડો ઊભો કરી શકે અને સ્પષ્ટતા પણ કરી શકે, ગરમીની અનુભૂતિ વધારી શકે અને ઘટાડી પણ શકે-સ્થાપત્ય માટે રંગ એ એક સપાટી માત્ર નથી, તે તો મનોવિજ્ઞાનનો પ્રસાર છે. 

માનસિક જરૂરિયાત અનુસાર, જુદાં જુદાં પ્રકારનાં મકાન માટે જુદાં જુદાં રંગ વધુ ઇચ્છનીય ગણાય છે. ધાર્મિક સ્થાપત્યમાં પવિત્રતા અને આધ્યાત્મિકતાના પ્રતીક સમાન કેસરી, સોનેરી કે સફેદ રંગનો ઉપયોગ વધુ જોવાં મળે છે. જ્યાં શાંતિ અને સ્વચ્છતાની અનુભૂતિ જરૂરી હોય છે તે હોસ્પિટલમાં સફેદ અને હળવા વાદળી રંગની પસંદગી કરાતી હોય છે. એકાગ્રતા અને વિચારશીલતા માટે શૈક્ષણિક સ્થાપત્યમાં પીળો, નારંગી, સફેદ કે વાદળી રંગ વધુ ઉપયોગમાં લેવાતાં હોય છે. 

ગંભીરતા અને વિશ્વસનીયતા વ્યક્ત કરવા વ્યવસાયિક મકાનોમાં રાખોડી, ભૂરો તથા સફેદની પસંદગી કરાતી હોય છે. આંતરિક શાંતિ માટે યોગ અને ધ્યાન માટેનાં મકાનોમાં સફેદ, હળવો વાદળી તેમ જ ધરતીના રંગોનો ઉપયોગ થતો રહ્યો છે. આ તો એક સામાન્ય પ્રવાહની વાત થઈ. સાંપ્રત સમયમાં તો દરેક પ્રકારના મકાનમાં દરેક રંગના પ્રયોગ જોવા મળે છે; જે સ્વીકાર્ય પણ છે.

મકાન માટે રંગની પસંદગી વખતે સ્થાનિક આબોહવા, કુદરતી પ્રકાશની દિશા અને માત્રા, મકાનની ઉપયોગિતા, મકાનનો ઉપયોગ કરનાર વ્યક્તિ કે વ્યક્તિ સમૂહની ઉંમર અને માનસિકતા, પરંપરા અને સંસ્કૃતિ માટેનો લગાવ, રખરખાવની વ્યવસ્થા, બાંધકામની અન્ય સામગ્રી સાથેની સુસંગતતા, વ્યક્તિગત પસંદગી તેમ જ જે તે માત્રામાં અલગ દેખાવવાની ખેવના જેવી બાબતો મહત્ત્વની ભૂમિકા ભજવે.

સ્થાપત્યમાં રંગ ઉપયોગિતા માટે ઓછું અને ભાવાત્મક અનુભૂતિ માટે વધુ જરૂરી છે. રંગ ગમે તે હોય, ઉપયોગિતામાં વધારે ફેર નથી પડતો, પરંતુ રંગ બદલાતાં ભાવનાત્મક જોડાણનો પ્રકાર બદલાઈ શકે. માનવી આમ પણ ભાવનાત્મક પ્રાણી હોવાથી રંગ સાથેનો તેનો લગાવ સ્વાભાવિક છે. રંગની સૂક્ષ્મ અસરની, તે જાણતા-અજાણતામાં નોંધ લઈ શકે છે. રંગ થતી તે એક પ્રકારની જીવંતતા અને અર્થપૂર્ણતા અનુભવતો હોય છે. 

આ રંગની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે વિશેષ પ્રકારની સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને વિચારશીલતાની આવશ્યકતા રહે. મજાની વાત એ છે કે મકાનને રંગ કરવામાં ન આવે તો પણ તેનો રંગ હોય છે, જે બાંધકામની સામગ્રી થકી નિર્ધારિત થાય - સૃષ્ટિમાં એવી એક પણ રચના નથી જેને રંગ ન હોય.