Tue Oct 06 2026

Logo

ઓર એ મોસમ હસીંઃ અટેન્શન ઈકોનોમી: હવે દુનિયાને તમે નહીં, તમારું ધ્યાન જોઈએ છે

2026-09-19 07:53:00
Author: Deval Shashtri
ઓર એ મોસમ હસીંઃ અટેન્શન ઈકોનોમી: હવે દુનિયાને તમે નહીં, તમારું ધ્યાન જોઈએ છે

 

દેવલ શાસ્ત્રી

એક સમયે બજારમાં માણસ વસ્તુ ખરીદવા જતો હતો. બજારમાં ગયા પછી એની પાસે ચોઈસ મળતી. એ બીજી વસ્તુઓ પણ ખરીદીને આવતો. મોલ સહિત મોટા સ્ટોરમાં કસ્ટમરની સાયકોલોજી અને તેની ખરીદીના સમયની ગણતરીઓનો અભ્યાસ કરીને વસ્તુઓ ગોઠવવામાં આવતી. આજે વસ્તુ જ માણસ સુધી આવે છે. તમે મોબાઇલ ખોલો અને તરત કોઈ વીડિયો, સમાચાર, જાહેરાત કે નોટિફિકેશન તમારી સામે આવી જાય. તમે કશું શોધવા ગયા ન હો, છતાં તમને શોધી લે છે. 

એક વીડિયો જુઓ, પછી બીજો. એક સમાચાર વાંચો, પછી બીજો. પાંચ મિનિટ માટે ફોન હાથમાં લીધો હોય અને અડધો કલાક ક્યાં પસાર થઇ જાય એની ખબર ન પડે. અહીંથી આજના સમયની એક રસપ્રદ વાત સમજાય છે કે દુનિયામાં માહિતીની અછત નથી, માણસના ધ્યાનની અછત છે.

સવારે આંખ ખોલીએ ત્યાં સુધીમાં મોબાઇલમાં કેટલાય સંદેશા આવી ચૂક્યા હોય છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, સમાચાર, ઈ-મેલ પાસે આપણને કહેવા માટે કંઈક છે. દિવસના કલાકો તો ચોવીસ જ છે, પરંતુ આપણું ધ્યાન માગનારાઓની સંખ્યા હજારો-લાખોમાં પહોંચી ગઈ છે.

આ આખી વ્યવસ્થાને `એટેંશન ઈકોનોમી' કહેવામાં આવે છે અર્થાત્‌‍ ધ્યાનનું અર્થતંત્ર. સરળ ભાષામાં કહીએ તો, જે કંપની તમને લાંબો સમય સ્ક્રીન પર રોકી શકે છે એની પાસે જાહેરાત બતાવવાની અને આવક કમાવાની સંભાવના વધુ છે. ઘણી ડિજિટલ કંપનીઓ માટે કેટલા લોકો વિઝિટ કરે છો એ મહત્ત્વનું નથી; તમે કેટલો સમય તેમની સાથે રહો છો એ મહત્ત્વનું છે. તમે પાંચ મિનિટ એપમાં રહો કે પચાસ મિનિટ, એ વચ્ચેનો તફાવત કંપની માટે વ્યવસાયિક મૂલ્ય ધરાવે છે.

મોબાઇલની ઘણી સુવિધાઓ એવી છે કે જેમાં અટકવાનો કોઈ ચાન્સ જ નથી. પહેલાં અખબારનું પાનું પૂં થાય એટલે તમે પાનું ફેરવતા. પુસ્તકનો અધ્યાય પૂરો થાય એટલે થોડું થોભતા. ટીવી પર કાર્યક્રમ પૂરો થાય એટલે આગળ શું જોવું એ નક્કી કરવું પડતું. હવે સોશ્યલ મીડિયામાં સ્ક્રોલનો અંત જ નથી. એનો અર્થ એવો નથી કે સોશ્યલ મીડિયા ખરાબ છે. એણે દુનિયાને ઘણી રીતે સરળ બનાવી દીધી છે.

પહેલાં આપણે માહિતી શોધતા હતા; હવે માહિતી આપણને શોધે છે. પહેલાં તમે નક્કી કરતા કે શું વાંચવું. હવે અલ્ગોરિધમ તમારા અગાઉના વર્તન પરથી અનુમાન કરે છે કે તમને આગળ શું ગમશે.

આજના સમયમાં સૌથી મોંઘી વસ્તુ પૈસા નથી. એકાગ્રતા છે. એક કલાક સુધી કોઈ પુસ્તક વાંચી શકવું. કોઈ માણસ સાથે ફોન બાજુએ મૂકીને વાત કરી શકવી. આખું ગીત વચ્ચે બીજું કશું જોયા વગર સાંભળી શકવું. બારીની બહાર વરસાદ પડતો હોય ત્યારે પાંચ મિનિટ સુધી માત્ર વરસાદ જોવો. આ બધું બહુ સામાન્ય લાગે છે, પણ સતત ધ્યાન ખેંચતી દુનિયામાં સામાન્ય રહેવું પણ ધીમે ધીમે મુશ્કેલ બનતું જાય છે. હવે દુનિયાએ સમય સાથે એક બીજી વસ્તુની પણ કિમત જાણી લીધી છે, તમાં ધ્યાન.

ઈકોનોમીનું નવું જ ભવિષ્ય આવી રહ્યું છે. બિઝનેસ માણસને માત્ર ગ્રાહક તરીકે નહીં, પણ લાગણીઓ ધરાવતા ગ્રાહક તરીકે વધુ નજીકથી ઓળખવા લાગશે. ભવિષ્યનો વ્યવસાય કદાચ જરૂરિયાત કરતાં લાગણીની ક્ષણને ઓળખવાનો વ્યવસાય હશે.

બિઝનેસની સફળતા એ નહીં રહે કે તેણે આપણને કંઈક વેચ્યું; સફળતા એ હશે કે તેને આપણી જરૂરિયાત ઊભી થાય એ પહેલાં તેની ક્ષણ ઓળખી લીધી. કદાચ ત્યારે ગ્રાહક બજારમાં વસ્તુ લેવા નહીં જાય- બજાર જ તેની લાગણી સુધી પહોંચી જશે. સૌથી ડરામણી વાત એ નહીં હોય કે બજાર આપણને શું વેચશે -ડરામણી વાત એ હશે કે એક દિવસ આપણને પોતાની જ લાગણી બજારે આપણા પહેલાં ઓળખી લીધી હશે.

ધ એન્ડ
બીજાનાં વાદળોમાં મેઘધનુષ બનો.
(માયા એન્જલો)