મોહાલીઃ અહીં ગઈ કાલે ભારતે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં સાઉથ કોરિયાને 8-1થી કચડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શિલાનંદ લાકરા અને દિલપ્રીત સિંહે બે-બે ગોલ કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત સિંહ તેમ જ સુખજીત સિંહ, અંગદ બીર સિંહ તેમ જ વિવેક સાગર પ્રસાદે એક-એક ગોલ કરીને ભારતની જીતનો માર્જિન વધારી આપ્યો હતો. ભારતે લીગ રાઉન્ડમાં કોરિયાને 8-0થી પછાડ્યું હતું. આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. જાપાને સેમિમાં મલયેશિયાને શૂટઆઉટમાં પરાજિત કર્યું હતું.
જાપાન અને મલયેશિયાની મુખ્ય સેમિ ફાઇનલ 0-0ની બરાબરીમાં રહી હતી. ત્યાર બાદ પરિણામ લાવવા માટે શૂટઆઉટ રાખવામાં આવ્યું હતું જેમાં જાપાનનો વિજય થયો હતો.
ભારત આ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલ સુધી અપરાજિત રહ્યું છે. છ ટીમની રાઉન્ડ રૉબિન લીગમાં ભારતે પાંચેય મૅચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.