નવી દિલ્હીઃ સ્થાનિક સ્તરે ખાંડની પુરવઠાસ્થિતિમાં સુધારો થાય અને ભાવ અંકુશમાં રહે તે માટે સરકારે ઘણાં પગલાંઓ લીધાં હોવા છતાં છેલ્લા એક મહિનામાં રિટેલ તેમ જ જથ્થાબંધ ધોરણે ખાંડના ભાવમાં કિલોદીઠ રૂ. ચારથી વધુ માત્રામાં વધારો જોવા મળ્યો છે. ગ્રાહક મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર હાલ દેશમાં રિટેલ અને જથ્થાબંધ ધોરણે ખાંડના સરેરાશ ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 59.50 અને રૂ. 55.40 આસપાસ પ્રવર્તી રહ્યા છે. તેમ જ વર્ષાનુવર્ષ ધોરણે ભાવમાં કિલોદીઠ રૂ. 12થી 13 વધી આવ્યા છે. ગત સાલના સમાનગાળામાં રિટેલ સ્તરે ખાંડના ભાવ કિલોદીઠ રૂ. 46.50 અને જથ્થાબંધ ધોરણે કિલોદીઠ રૂ. 43.23 આસપાસની સપાટીએ રહ્યા હતા.
પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ કોલકાતા ખાતે ગત ત્રીજી નવેમ્બરના રોજ ખાંડના રિટેલ ભાવ સૌથી વધુ કિલોદીઠ રૂ. 65ના મથાળે રહ્યા હતા, જે એક વર્ષ અગાઉ કિલોદીઠ રૂ. 50 હતા. ત્યાર બાદ દિલ્હી ખાતે ભાવ કિલોદીઠ રૂ. 64 (રૂ. 46)ના મથાળે અને મુંબઈ ખાતે ભાવ કિલોદીઠ રૂ. 61 (રૂ. 45)ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત ખાંડ મોસમ 2025-26માં દેશમાં ખાંડનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતાં ઓછું રહ્યું હોવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે.
વધુમાં તહેવારોની માગ, પાકને નુકસાન, તંગ વૈશ્વિક પુરવઠો અને સંગ્રહખોરીને કારણે ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, સરકારે સ્ટોક મર્યાદા લાદવાની સાથે આયાતને મંજૂરી આપી છે અને ખાંડ મિલોને વહેલાસર શેરડીનું પિલાણ શરૂ કરવાના પણ આદેશ આપ્યા છે. નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝે ગત સોમવારે જણાવ્યું હતું કે વર્તમાન વર્ષ 2026-27ની ખાંડ મોસમના પહેલા ઑક્ટોબર મહિનામાં 8.45 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. તેમ જ ફેડરેશને જણાવ્યું હતું કે મિલોએ ગત આઠમી ઑક્ટોબરથી પિલાણની શરૂઆત કરી છે અને ગત 30મી ઑક્ટોબર સુધી દેશમાં 152 ખાંડ મિલો કાર્યરત રહીને સ્થાનિકમાં પુરવઠો વધારી રહી છે.