વોશિંગ્ટન/નવી દિલ્હીઃ મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. પોતાની મનમાની નીતિઓના નિયમન વચ્ચે ચૂંટણીના પરિણામોએ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી દીધી છે, જેની વૈશ્વિક સ્તરે અસર થવાની સાથે એશિયામાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો પર પણ અસર પડી શકે છે. હાલમાં ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર યુદ્ધ કરી રહ્યું છે, જેને કારણે હાર થઈ હોવાનું ટ્રમ્પનું માનવું છે. પણ પ્રાથમિક તબક્કે તો ઈરાન સામે સખતને બદલે વલણ બદલાય તો નવાઈ નહીં.
ટ્રમ્પની પોલિસીમાં સૌથી પહેલા H1-B વિઝા માટે સખત નિયમો, ભારતીય સામાન પરના ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા વગેરે મુદ્દા અંગે ટ્રમ્પ પ્રશાસનને હવે જવાબ આપવો પડી શકે છે. એવું પણ કહેવાય છે કે ડેમોક્રેટ્સની જીતથી ટ્રમ્પની નીતિઓમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે પણ એને પડકારી શકે છે.
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીને સૌથી મોટો ફટકો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સ અમેરિકન સંસદના બંને ગૃહોમાં બહુમત હાંસલ કર્યો છે પણ એની અસર ફક્ત અમેરિકાના રાજકારણ સુધી મર્યાદિત રહેશે નહીં. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને વેપાર, એચવનબી વિઝા, સંરક્ષણ સહયોગ અને રશિયા પાસેથી તેલ ખરીદવા સહિત અન્ય મુદ્દે પણ અસર પડી શકે છે. સંસદમાં ડેમોક્રેટ્સ સાંસદો પણ સરકારના નિર્ણયોને પડકારી શકે છે. તપાસ અને સુનાવણી મારફત દબાણ લાવી શકે છે.
એચવનબી વિઝા પર સૌની નજર
અમેરિકામાં કામ કરનારા એચવન વિઝાધારકો માટેની પોલિસી મહત્ત્વનો મુદ્દો છે. ટ્રમ્પ પ્રશાસન અત્યારે વિઝાના નિયમોને લઈ સખત ધારાધોરણો રાખ્યા છે, તેમાંય વળી નવી એચવનબી અરજી પર એક લાખ ડોલરની ફીના નિર્ણયે ભારતીય ટેક્નોલોજી કંપનીઓ અને પ્રોફેશનલ આઈટી એન્જિનિયર ચિંતામાં આવી ગયા છે. હવે સંસદમાં ડેમોક્રેટ્સની તાકાત વધવાને કારણે એના નિયમો પર સવાલો ઊભા થઈ શકે છે. ભારતીયોને પણ જૂના નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો રાહતની અપેક્ષા છે.
ભારત માટે સૌથી મોટી રાહતની વાત કઈ
ટ્રમ્પ જાન્યુઆરી 2029 સુધી રાષ્ટ્રપતિ બની રહેશે, તેથી ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ તાત્કાલિક ખતમ થશે નહીં, પરંતુ પહેલાની તુલનામાં હવે સંસદમાં સૌથી વધુ વિરોધનો સામનો કરવો પડી શકે છે. ભારત માટે રાહતની વાત એ છે કે વાતચીત યા મંત્રણાના રસ્તા ખૂલી શકે છે એની અમેરિકાના નિર્ણયો મુદ્દે પણ અનિશ્ચિતતા રહી શકે છે.
વેપાર, ઊર્જા અને સંરક્ષણ બાબતોમાં ભારતએ પોતાના હિતોનું ધ્યાન રાખીને આગળ વધવું પડશે એ જ સૌથી મોટો મેસેજ છે. ઉપરાંત, અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારત માટે વાતચીતનો વિકલ્પ મળી શકે, પરંતુ પડકારો રહેશે એ પણ નક્કી છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.