Thu Nov 19 2026

Logo

'ડાયલ 112' પર પોલીસ હવે માત્ર 3 મિનિટમાં પહોંચશે, હવે ફિલ્મો જેવું મોડું કામ નહીં થાયઃ ફડણવીસ...

2026-11-04 22:31:30
Author: Mumbai Samachar Team
'ડાયલ 112' પર પોલીસ હવે માત્ર 3 મિનિટમાં પહોંચશે, હવે ફિલ્મો જેવું મોડું કામ નહીં થાયઃ ફડણવીસ...

પુણેઃ મહારાષ્ટ્રમાં ઈમરજન્સી સેવા 'ડાયલ 112' હેઠળ પોલીસનો સરેરાશ ઈમરજન્સી પ્રતિસાદ સમય (રિસ્પોન્સ ટાઈમ) ઘટીને માત્ર ત્રણ મિનિટ થઈ ગયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે 'ડાયલ ૧૧૨' સેવા હેઠળ મહારાષ્ટ્ર પોલીસનો સરેરાશ ઈમરજન્સી પ્રતિસાદ સમય ઘટીને ત્રણ મિનિટ કરવામાં આવ્યો છે. 

તેમણે ભારપૂર્વક કહ્યું કે, હવે પોલીસ દળ "હિન્દી ફિલ્મોના પોલીસકર્મીઓ" જેવું નથી રહ્યું, જેઓ ઘટનાસ્થળે મોડા પહોંચતા હોય છે. મુખ્ય પ્રધાને આ સુધારાનું શ્રેય આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ્સના ઉપયોગને આપ્યું હતું.

પુણે જિલ્લામાં પિંપરી ચિંચવડ પોલીસ કમિશનરેટ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. ગૃહ વિભાગ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે, પોલીસ પ્રતિસાદ સમય (પોલીસ રિસ્પોન્સ ટાઈમ)ની બાબતમાં મહારાષ્ટ્ર દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. અહીં કટોકટીના કોલ મળ્યા બાદ પોલીસ સરેરાશ ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે. 

"જયારે કોઈ પોલિસને ફોન કરે તો હવે આપણા પોલીસકર્મીઓ હિન્દી ફિલ્મોમાં બતાવવામાં આવતી પોલીસ જેવા નથી કે જેઓ બધું બની ગયા પછી જ ઘટનાસ્થળે પહોંચે. "આજે, આપણી પોલીસ કોઈ ઘટના બને તે પહેલાં અથવા તે બની રહી હોય ત્યારે દરમિયાનગીરી કરે છે," તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ' ૧૧૨' પર આવતા દરેક કોલનું રેકોર્ડિંગ કરવામાં આવે છે, અને સિસ્ટમ દ્વારા કોલ પ્રાપ્ત થયો તે સમય તેમ જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તે સમયની ડિજિટલ નોંધ રાખવામાં આવે છે. કોઈ ખોટા દાવા કરી શકતું નથી. તેમણે ઉમેર્યું કે, કોલનું રેકોર્ડિંગ સત્તાવાળાઓને પ્રતિભાવનું મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થાય છે, જેમાં પોલીસ દ્વારા કોલ કરનાર વ્યક્તિ સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો હતો કે કેમ, તેનો પણ સમાવેશ થાય છે.