Thu Nov 19 2026

Logo

આ દેશમાં 19 માળની રહેણાંક બિલ્ડિંગની અંદરથી દોડે છે ટ્રેન! 6ઠ્ઠા માળે સ્ટેશન અને 8મા માળે પ્લેટફોર્મ; જુઓ અદભુત એન્જિનિયરિંગ...

Bijig   2026-11-04 20:25:41
Author: Darshana Visaria
આ દેશમાં 19 માળની રહેણાંક બિલ્ડિંગની અંદરથી દોડે છે ટ્રેન! 6ઠ્ઠા માળે સ્ટેશન અને 8મા માળે પ્લેટફોર્મ; જુઓ અદભુત એન્જિનિયરિંગ...

વિશ્વભરમાં અવનવા સ્થાપત્યો અને અદભુત એન્જિનિયરિંગ અવારનવાર લોકોને આશ્ચર્યચકિત કરે છે. સામાન્ય રીતે ટ્રેન પાટા પર, ભૂગર્ભમાં કે ઓવરબ્રિજ પરથી દોડતી જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે જે કોઈ 19 માળની રહેણાંક ઈમારતની આરપાર નીકળતી હોય? વાંચીને ભલે વિચિત્ર લાગે પણ હકીકત છે. ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...  

ચીનના પહાડી શહેર ચોંગકિંગમાં આવેલું લિઝીબા મોનોરેલ સ્ટેશન દુનિયાભરમાં પોતાની અનોખી ડિઝાઇન અને કમાલના એન્જિનિયરિંગ માટે પ્રખ્યાત છે. અહીં ટ્રેન સીધી બિલ્ડિંગની છાતી ચીરીને અંદરથી સડસડાટ પસાર થતી દેખાય છે, જે નજારો જોવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે.

19 માળની બિલ્ડિંગ: ૬ઠ્ઠા માળે સ્ટેશન અને ૮મા માળે પ્લેટફોર્મ

લિઝીબા સ્ટેશન 19 માળની એક મોટી રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગના ૬ઠ્ઠા માળે સ્ટેશન હોલ અને ટિકિટિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે 8મા માળે ટ્રેન રોકાવા માટેના પ્લેટફોર્મ છે. બાકીના ઉપર અને નીચેના માળ પર સામાન્ય લોકો પોતાના પરિવારો સાથે રહે છે. આ સ્ટેશન ચોંગકિંગ રેલ ટ્રાન્ઝિટના લાઈન-૨ નો એક મહત્વનો હિસ્સો છે.

બિલ્ડિંગમાં રહેતા લોકોને અવાજ કે કંપન કેમ નથી થતું?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે જો ઘરની વચ્ચોવચથી ટ્રેન પસાર થાય, તો ઘરમાં રહેતા પરિવારો ઘોંઘાટ અને વાઇબ્રેશનથી કંટાળી ન જાય? પરંતુ એન્જિનિયરોએ આ સમસ્યાનો અદભુત ઉકેલ શોધ્યો છે-
રબરના ટાયર: આ મોનોરેલમાં લોખંડના વ્હીલ્સને બદલે ખાસ રબરના ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાયલન્ટ ટેક્નોલોજી: રબર ટાયર અને અદ્યતન શોક-એબ્સોર્બર સિસ્ટમને કારણે ટ્રેનનો અવાજ માત્ર વોશિંગ મશીન કે ડીશવોશર ચાલતું હોય તેટલો (આશરે 60 ડેસિબલ) જ રહે છે. અલગ સ્ટ્રક્ચર: ટ્રેક માટેના પિલર્સ બિલ્ડિંગના પાયા સાથે નહીં પરંતુ જમીન સાથે સ્વતંત્ર રીતે જોડાયેલા છે, જેથી ટ્રેનના વજન અને મુવમેન્ટનું કંપન એપાર્ટમેન્ટ્સ સુધી પહોંચતું નથી.

જગ્યાની તંગી અને જબરદસ્ત સ્પેસ મેનેજમેન્ટ

ચોંગકિંગ એ પર્વતીય વિસ્તારમાં વસેલું અત્યંત ગીચ વસ્તી ધરાવતું શહેર છે. રેલવે ટ્રેક નાખવા માટે આખી 19 માળની ઈમારત તોડી પાડવી પડે તેમ હતી. તેથી શહેરના પ્લાનર્સ અને આર્કિટેક્ટ્સે ઈમારત અને રેલવે સ્ટેશન બંનેનું નિર્માણ એકસાથે સંકલિત કરીને કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો.આજે આ સ્થળ માત્ર જાહેર પરિવહનનું માધ્યમ જ નહીં, પરંતુ ચીનનું સૌથી હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. લોકો બિલ્ડિંગની સામે ઊભા રહીને ટ્રેનને ઈમારતમાં ગાયબ થતી જોવા અને વીડિયો શૂટ કરવા પહોંચે છે.