Thu Nov 19 2026

Logo

અમેરિકામાં 'અબ્દુલ'ની જીત અંગે ઓવૈસીએ આપ્યું મોટું નિવેદન 'હવે યુપીના અબ્દુલનો વારો'

Michigan   2026-11-04 15:44:00
Author: Mumbai Samachar Team
અમેરિકામાં 'અબ્દુલ'ની જીત અંગે ઓવૈસીએ આપ્યું મોટું નિવેદન 'હવે યુપીના અબ્દુલનો વારો'

મિશિગન: અમેરિકાના ચૂંટણી પરિણામોની અસર હવે ભારતના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના મિશિગનમાં અબ્દુલ અલ સૈયદની જીત બાદ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સૌથી પહેલી આક્રમક પ્રતિક્રિયા આપી છે. આ જીતને ઓવૈસીએ માત્ર અમેરિકાની રાજકીય જીત તરીકે નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે પણ જોડ્યું છે. ઓવૈસીએ સોશિયલ મીડિયા પરની પોસ્ટ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે હવે ઉત્તર પ્રદેશના અબ્દુલને પણ પોતાની રાજકીય ઓળખ મજબૂત બનાવવી પડશે.

ઓવૈસીએ સોશિયલ મીડિયા પર શું લખ્યું?
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અબ્દુલ અલ સૈયદની જીતનો ઉલ્લેખ કર્યો હતો. ઓવૈસીએ લખ્યું હતું કે એક અબ્દુલ મિશિગનમાં જીતી ગયો છે, હવે ઉત્તર પ્રદેશના અબ્દુલે પોતાની ઓળખ મજબૂત કરવાની જરૂર છે. ઓવૈસીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે સંઘીઓએ 'અબ્દુલ' શબ્દને મજાક અને ટોણાનું પ્રતીક બનાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે પણ હવે સમય આવી ગયો છે કે બતાવવામાં આવે કે અબ્દુલ અલ્લાહ સિવાય કોઈની ગુલામી કરતો નથી. 

કોણ છે અબ્દુલ અલ સૈયદ?
અબ્દુલ અલ સૈયદ અમેરિકાના મિશિગનના ડેમોક્રેટિક ઉમેદવાર છે. અબ્દુલ અલ સૈયદ અમેરિકાની મિડટર્મ ઈલેક્શનમાં રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સને હરાવીને જીત મેળવી છે. તેમની જીત બાદ ઓવૈસીએ આ મુદ્દાને ભારતીય રાજકારણ સાથે જોડ્યો છે. અમેરિકાની આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને પણ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણી દરમિયાન ટ્રમ્પે અબ્દુલ અલ સૈયદ અંગે નિવેદન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પરિણામોમાં અબ્દુલની જીત થઈ છે.

યુપીના રાજકારણ સાથે કેમ જોડ્યું?
ઓવૈસીનું નિવેદન ખાસ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તેમણે અબ્દુલ નામને લઈને થતા રાજકીય ટોણાઓનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ મુસ્લિમ સમાજને પોતાની રાજકીય ઓળખ મજબૂત કરવાની અપીલ પણ કરી છે. હવે અમેરિકાના મિશિગનની ચૂંટણીમાં અબ્દુલની જીતને લઈને ઓવૈસીએ આપેલું આ નિવેદન ઉત્તર પ્રદેશના રાજકીય માહોલમાં કેટલી ચર્ચા જગાવે છે અને આગામી ચૂંટણીમાં તેની શું અસર જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે.