મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને શહેરમાં ગંભીર પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી જોખમોને રોકવા માટે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા માટે સમયમર્યાદા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોને લાગુ કરવા બાબતે વિચારણા કરવા જણાવ્યું હતું.
ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠે સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૯ ઓક્ટોબરે જારી કરાયેલા નિર્દેશોનો ઉલ્લેખ કર્યો હતો. આ નિર્દેશો તહેવારો દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પ્રવર્તતા ભારે પ્રદૂષણના સંદર્ભમાં આપવામાં આવ્યા હતા.
બુધવારે ઉપલબ્ધ થયેલા હાઈ કોર્ટના આદેશમાં જણાવાયું છે કે કોર્ટનું માનવું છે કે રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, બીએમસી તથા પોલીસ વિભાગ સહિતના અન્ય સત્તાવાળાઓએ પણ ખાસ કરીને ફટાકડા ફોડવાના સમયના સંદર્ભમાં આ નિર્દેશો પર વિચાર કરવો જોઈએ .
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિવાળી એ વિવિધ સમુદાયો દ્વારા ઉજવવામાં આવતો એક રાષ્ટ્રીય તહેવાર હોવા છતાં, ફટાકડાનું અનિયંત્રિત ફોડવું ગંભીર પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા કરે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આનાથી 'એર ક્વોલિટી ઇન્ડેક્સ'માં તીવ્ર ઉછાળો આવી શકે છે અને સૂક્ષ્મ કણો દિવસો સુધી વાતાવરણમાં રહે છે. એનસીઆરમાં દિવાળી દરમિયાન માન્ય 'ગ્રીન ક્રેકર્સ' (પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતા ફટાકડા) ફોડવા માટે સવારે ૬ થી ૭ વાગ્યા સુધી અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધીનો સમય નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
"અમારા મતે, મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ પણ પ્રવર્તમાન સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉક્ત નિર્દેશોને લાગુ કરવા અને તેના અમલીકરણ અંગે વિચારણા કરે," તેમ અદાલતે જણાવ્યું હતું. દિયા મિર્ઝાના વીડિયોને લઈને રાજકીય વિવાદ સર્જાયા બાદ હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા.