Thu Nov 19 2026

Logo

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતે વધારી ટ્રમ્પની મુશ્કેલી, માથે તોળાયા 5 મોટા જોખમ

Washington   2026-11-04 11:52:00
Author: Mayur Patel
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતે વધારી ટ્રમ્પની મુશ્કેલી, માથે તોળાયા 5 મોટા જોખમ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે, ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. પોતાના હાર થતી હોવાનું દેખાઈ જતા ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, જો હું ચૂંટણીના મેદાનમાં હોત તો અમારી જીત પાક્કી હતી. અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતથી ટ્રમ્પની મુશ્કેલી વધી છે. ઉપરાંત તેમના માથે 5 મોટા ખતરા પણ ઉભા થયા છે.

ટ્રમ્પ પર 5 મોટા ખતરા

1. મહાભિયોગઃ મિડ ટર્મ ચૂંટણી પરિણામ બાદ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગનો ખતરો ઉભો થયો છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન બે વખત મહાભિયોગ ચલાવવામાં આવી ચુક્યો છે. ડેમોક્રેટ્સની હાઉસ ઑફ રિપ્રેઝેંટેટિવ્સમાં બહુમત આવતા ત્રીજી વખત મહાભિયોગ લાવવાની સ્થિતિ બની શકે છે. આમ થશે તો ટ્રમ્પ માટે મોટો ઝટકો હશે.

2. ટ્રમ્પના નિર્ણયની તપાસઃ હાઉસ ઓફ રિપ્રેઝેટેંટિવ્સમાં બહુમત મળ્યા બાદ ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયની તપાસ કરી શકે છે. ટ્રમ્પ પરિવાર પર નાણાકીય ગોટાળાનો વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે. બહુમત મળ્યા બાદ તપાસનો માર્ગ મોકળો બનશે.

3. ટ્રમ્પનો કાયદાકીય એજન્ડાઃ ડોનાલ્ડ ટ્રમ્પે તેના કાયદાકીય એજન્ડાને આગળ વધારવામાં ઘણો રસ દાખવ્યો છે. ડેમોક્રેટ્સને બહુમત મળતાં ટ્રમ્પ માટે તેમના કાયદાકીય એજન્ડાને આગળ વધારવો સરળ નહીં બને.

4. મહત્વના પદો પર નિમણૂકઃ ડેમોક્રેટ્સને બહુમત મળ્યા બાદ ટ્રમ્પને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. મહત્વના પદો પર તેમના માનીતાઓની નિમણૂક કરવી મુશ્કેલ બની જશે. તમામ નિમણૂક માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે અને ડેમોક્રેટ તેમાં દખલગીરી કરી શકે છે.

5. ટ્રમ્પ વિરુદ્ધ રાજકીય સંદેશ: મિડ ટર્મ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીની હાર એક રીતે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ પર જનમત સંગ્રહ સમાન છે. આનાથી તેમની લોકપ્રિયતા ઘટી રહી હોવાનો સંદેશ જાય છે. આ બાબત રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પના વિરોધીઓનો ઉત્સાહ વધારશે. જેથી ટ્રમ્પે માત્ર ગૃહમાં જ નહીં, પરંતુ પોતાની પાર્ટીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.