નવી દિલ્હી: દિવાળીના તહેવારો દરમિયાન ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર અને ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે બેંકો અને ફિનટેક કંપનીઓને નિશાન બનાવીને સાયબર એટેકની ચેતવણી આપી છે. આ એજન્સીઓએ નાણાંકીય સંસ્થાઓને તેમની સાયબર સિક્યુરિટીને વધુ મજબૂત કરવા માટે અપીલ કરી છે. તેમજ હેકર્સ દ્વારા એઆઇનો ઉપયોગ કરીને મશીનની સ્પીડથી હુમલા કરવામાં આવી રહ્યા છે.
ઓનલાઈન ઈન્ટરફેસ પણ હેકર્સના નિશાના પર
આ ઉપરાંત સરકારી એજન્સીઓએ જણાવ્યું છે કે, આ હુમલાઓમાં કરોડો રૂપિયા અનધિકૃત રીતે ઉપાડવાના મામલા સામે આવ્યા છે. સાયબર ગુનેગારો આઉટડેટેડ અને અપડેટેડ ન હોય તેવા સોફ્ટવેર અને ઈન્ટરનેટ સાથે જોડાયેલા સર્વર્સ અને આઈટી સિસ્ટમને નિશાન બનાવી રહ્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર ઓનલાઈન ઈન્ટરફેસ પણ હેકર્સના નિશાના પર છે. સિસ્ટમમાં એન્ટર થયા બાદ હેકર્સ ઓટોમેટેડ ફંડ ડિસ્બર્સમેન્ટ સિસ્ટમ્સ અને પેમેન્ટ ટ્રાન્સફરથી સંબંધિત એપીઆઇને લક્ષ્ય બનાવે છે.
એજન્ટિક એઆઇ ફ્રેમવર્કની મદદથી ખૂબ જ ઝડપથી એટેક
આ એજન્સીઓના જણાવ્યા મુજબ સાયબર ગુનેગારો એજન્ટિક એઆઇ ફ્રેમવર્કની મદદથી ખૂબ જ ઝડપથી એટેક કરે છે. જેમાં પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા કરોડો રૂપિયાનો અનધિકૃત ઉપાડ કરવામાં આવે છે. આ ઉપાડેલી રકમ વિવિધ બેંકોના મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેની બાદ રકમ ઝડપથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થાય છે અથવા આઇએમપીએસ અને એનઇએફટી દ્વારા ઉપાડી લેવામાં આવે છે. સાયબર ગુનેગારો તપાસ ટાળવા માટે ડિજિટલ રેકોર્ડ અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરે છે.
નિર્ધારિત સાયબર સુરક્ષા નિયમોનું પાલન કરવા તાકીદ
જેના પગલે બેંકો અને તમામ નાણાકીય સંસ્થાઓએ નિર્ધારિત સાયબર સુરક્ષા નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ આ અંગે કોઇ પણ માહિતી પ્રાપ્ત થયાના છ કલાકની અંદર નિયમનકારી સંસ્થાને કોઈપણ સાયબર હુમલાની જાણ કરવી ફરજિયાત છે.