કામિની શ્રોફ
ભારતના આવનારાં સહેલાણીઓ માટે કાશ્મીરનો પ્રવાસ અદ્ભુત આનંદ આપે, યુએસ ટૂરમાં ડિઝનીલૅન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડના ફેરામાં ર્હાઈન ફોલ્સ જોયા વિના ચાલે નહીં. એજ પ્રમાણે જો તમે નેધરલેન્ડ્સ ગયા હો અને ધરતી પરના સ્વર્ગના બગીચા (નંદનવન) જેવા કુકેન્હોફ ટ્યૂલિપ ગાર્ડનમાં ફર્યા ન હો તો તમે જાત સાથે અન્યાય કરો છો. યશ ચોપડાની `સિલસિલા' દ્વારા આપણા દેશની જનતાને ટ્યૂલિપ ગાર્ડનનો પ્રથમ પરિચય થયો એવી માન્યતા છે.
જોકે, ફિલ્મના `દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ' ગીતના અમુક જ હિસ્સાનું શૂટિગ નેધરલેન્ડના કુકેન્હોફમાં થયું હતું. માર્ચના છેલ્લા સપ્તાહથી મેના પહેલા અઠવાડિયા સુધીનો સમયગાળો ગાર્ડનની મુલાકાત માટે ઉત્તમ ગણાય છે. અમારો મુકામ પણ એક એપ્રિલથી 23 જૂન સુધીનો હતો એટલે નંદનવનની મુલાકાત લેવા અમે તલપાપડ હતાં.
યુરોપની ટૂર પર આવેલા સહેલાણીઓને મોટે ભાગે સ્કિપોલ એરપોર્ટથી અથવા એમસ્ટડેમ સેન્ટ્રલ સ્ટેશનથી કુકેન્હોફ લઈ જવામાં આવે છે. અમારો મુકામ આલમીરામાં હતો અને ત્યાંથી કારમાં લગભગ પોણો કલાકમાં કુકેન્હોફ પહોંચી ગયા. ટ્યૂલિપ ગાર્ડનમાં દાખલ થયા અને આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ.
ઉદ્યાનનો ઈતિહાસ
અહીં `કુકેન્હોફ કૅસલ' છે જેનો અંગ્રેજીમાં અર્થ કિચન ગાર્ડન કૅસલ થાય છે. પંદરમી સદીમાં અહીં `હર્બફાર્મ' (ઔષધીય વનસ્પતિ ઉગાડવાનું ઉદ્યાન) હતું જેની માલિકી હોલેન્ડની ધનાઢ્ય મહિલાઓ હસ્તગત હતી. અત્યારે જે મનોહર બાગ નજરે પડે છે એ કુકેન્હોફ કૅસલની શોભા વધારવાના ઈરાદા સાથે 19મી સદીના પ્રારંભમાં બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓથી બચવા માટે નેધરલેન્ડ્સનો રાજવી પરિવાર કેનેડામાં આશ્રય લેવા ગયો હતો.
1943માં કેનેડાની રાજધાની ઓટાવામાં ડચ રાજકુમારી માર્ગ્રેટનો જન્મ થયો હતો. કુંવરીનું ડચ નાગરિકત્વ જળવાઈ રહે એ માટે કેનેડિયન સરકારે હોસ્પિટલના રૂમને અસ્થાયી રૂપે `આંતરરાષ્ટ્રીય પ્રદેશ' જાહેર કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં નેધરલેન્ડ્સને મુક્ત કરાવવામાં કેનેડિયન સૈનિકોએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. એના શિરપાવરૂપે 1945માં ડચ રાજવીઓએ એક લાખ ટ્યૂલિપ બલ્બ (ગાંઠ અથવા મૂળ) ભેટમાં મોકલ્યા હતા. ત્યારથી દર વર્ષે 20 હજાર ટ્યૂલિપ બલ્બ (10 હજાર રાજવી પરિવાર તરફથી અને 10 હજાર બલ્બ ડચ બલ્બ ગ્રોઅર્સ અસોસિયેશન તરફથી) કેનેડા મોકલવામાં આવે છે. દર વર્ષે મે મહિનામાં કેનેડાના ઓટાવા અને ઓન્ટેરિયો શહેરમાં કેનેડિયન ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સાડા છ લાખ સહેલાણીઓ એનો આનંદ લે છે.
પ્રથમ આયોજન
કુકેન્હોફમાં સર્વ પ્રથમ ફ્લાવર એક્ઝિબિશનનું આયોજન 1949માં થયું અને 1950માં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દેશ વિદેશમાંથી 14-15 લાખ સહેલાણીઓ અહીં ઉમટે છે. વર્ષના માત્ર આઠ અઠવાડિયાં ખુલ્લું રહેતું આ ઉદ્યાન 79 એકરમાં પથરાયેલું છે અને એમાં અધધધ... કહી શકાય એવા 70 લાખ ફૂલ તમારી આંખો ઠારે છે. 800 વરાયટીના ફૂલ જોવા મળે છે જેમાં ટ્યૂલિપ ઉપરાંત કાર્નેશન્સ, હાયસીન્થ, લિલી, ઓર્કિડ અને રોઝ જોઈને તમે કોઈપણ ઉંમરના હો, મુગ્ધાવસ્થમાં પહોંચી જવાય છે...
શબ્દોને અહીં વિરામ આપીએ, કારણ કે ફૂલોના સૌંદર્યને તો તસવીરોથી જ માણી શકાય છે. આ બધા ફોટોગ્રાફ્સ એકેય કમર્શિયલ કેમેરાના ઉપયોગ વિના જુદા જુદા ફોનથી પાડવામાં આવ્યા છતાં કેવા અદ્ભુત લાગે છે... ! બીજી કેટલીક રોચક વાત અને અન્ય તસવીરો આવતા અઠવાડિયે...