વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતો આગ્રાનો તાજમહેલ પોતાની બેજોડ વાસ્તુશિલ્પ કળા અને દૂધિયા સફેદ સંગેમમર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશના લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ કે કુતુબમિનાર જેવા મોટાભાગના ઐતિહાસિક સ્મારકો પર સૂર્યાસ્ત પછી રંગબેરંગી લાઈટ્સ, લેસર શો અને રોશનીનો ઝગમગાટ જોવા મળે છે. પરંતુ તાજમહેલના કિસ્સામાં નિયમ સાવ અલગ છે. ચાલો આ સ્ટોરીમાં આખરે જાણીએ કે કેમ તાજમહેલ પર રાતના સમયે લાઈટિંગ કરવામાં નથી આવતી
સૂરજ ઢળતાં જ આ અદભુત ઈમારત ઘોર અંધકારમાં ડૂબી જાય છે. તાજમહેલ પર રાત્રે કૃત્રિમ લાઈટ્સ ન લગાવવા પાછળ કોઈ બેદરકારી નથી, પરંતુ આ અનમોલ ધરોહરના અસ્તિત્વને બચાવવા માટેના અત્યંત મજબૂત વૈજ્ઞાનિક, પર્યાવરણીય અને વ્યૂહાત્મક સુરક્ષા કારણો રહેલા છે.
યમુનાના જીવજંતુઓથી સફેદ આરસપહાણનું રક્ષણ
તાજમહેલ યમુના નદીના કિનારે આવેલો છે. નદીના પાણી અને ભેજવાળા વાતાવરણને લીધે ત્યાં કરોડોની સંખ્યામાં ઝીણા જીવજંતુઓ પેદા થાય છે. સફેદ આરસપહાણ પ્રકાશને ખૂબ ઝડપથી પરાવર્તિત કરે છે. જો રાતે તાજમહેલ પર હાઈ-વોલ્ટેજ લાઈટો લગાવવામાં આવે, તો કરોડો જીવડાં આકર્ષાઈને સીધા સફેદ દિવાલો પર ચોંટી જાય. આ જીવજંતુઓ તેમના મળમૂત્રથી સફેદ પથ્થર પર લીલા, કાળા અને પીળા ડાઘ છોડી જાય છે, જે પથ્થરની અંદર ઊતરીને તેની કુદરતી ચમકને કાયમ માટે બગાડી નાખે છે.

1997ની એ ઐતિહાસિક ભૂલ જેણે આંખો ખોલી નાખી
બહુ ઓછા લોકો જાણે છે કે ભૂતકાળમાં એક વખત તાજમહેલને રાત્રે રોશન કરવામાં આવ્યો હતો. વર્ષ 1997માં વિશ્વવિખ્યાત સંગીતકાર યાન્ની (Yanni)ના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન તાજમહેલ પર હજારો કૃત્રિમ લાઈટ્સ સળગાવવામાં આવી હતી. કોન્સર્ટ પછીની સવારે જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તાજ મહેલની દીવાલો પર લાખો જીવજંતુઓ ચોંટેલા હતા અને સુંદર આરસપહાણ પર ડાઘ પડી ગયા હતા. તેને સાફ કરવામાં પુરાતત્વ વિભાગને મહિનાઓ લાગ્યા હતા. આ ઘટના બાદ નિષ્ણાતોની સલાહથી કાયમ માટે રાતે લાઈટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો.
યુદ્ધ અને હવાઈ હુમલાઓથી નેશનલ સિક્યોરિટી
સુરક્ષા નિષ્ણાતોના મતે, જો તાજમહેલ પર રાતે તેજ લાઈટો કરવામાં આવે તો આકાશમાંથી મીલો દૂરથી ઉડતા દુશ્મન દેશોના વિમાનો કે ડ્રોન માટે તે સરળ ટાર્ગેટ બની જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાએ હવાઈ બોમ્બમારાથી બચાવવા માટે તાજમહેલના ભવ્ય ગુંબજને વિશાળ કાળા કપડાંથી ઢાંકી દીધો હતો, જેથી રાતે દુશ્મન પાયલોટ તેને ન જોઈ શકે.
ચાંદની રાતની કુદરતી રોશની અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન
તાજમહેલની સુંદરતા એવી કુદરતી છે કે તેને કોઈ આર્ટિફિશિયલ લાઈટ્સની જરૂર જ નથી. શરદ પૂનમ કે પૂર્ણિમાની ચાંદની રાતે સફેદ આરસપહાણ જાતે જ દૂધિયા પ્રકાશમાં ચમકી ઊઠે છે, જે જોવા માટે ખાસ ‘નાઈટ વ્યૂઈંગ’ ની મંજૂરી અપાય છે. સુપ્રીમ કોર્ટની તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) ગાઈડલાઈન્સ મુજબ પ્રદૂષણ અને ગરમી રોકવા માટે આ આદેશોનું કડકાઈથી પાલન કરવામાં આવે છે, જેથી આરસપહાણની કુદરતી ઠંડક અને સૌંદર્ય સદીઓ સુધી અકબંધ રહે.