જ્યવંત પંડ્યા
આપણે ત્યાં ભારતમાં અટકો વિશે પૂછવું એટલે સીધો કુળ, ધર્મ કે વંશનો ઇતિહાસ બહાર આવી જાય. કોઈ `પટેલ' હોય તો ખેતી સાથે નાતો હોય, કોઈ `શાહ' હોય તો વણિક કે વેપારી હોય અને `જોષી' હોય તો જ્યોતિષ સાથે સંબંધ નીકળે, પણ પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં અટકોનો ઇતિહાસ જોઈએ તો માથું ખંજવાળતાં વાળ ખરવા લાગે કે હસી હસીને લોટપોટ થઈ જવાય!
અમેરિકાની અટકો મૂળ તો યુરોપથી આવેલા લોકો સાથે ત્યાં આવી, પણ ત્યાંના વડવાઓએ જે અટકો અપનાવી કે પાડી એ જોઈને થાય કે ભલા માણસો, નામ રાખવા માટે કોઈ બીજું ધારા-ધોરણ નહોતું?! ખેર, ચાલો, આજે આ અટકોના રમૂજી પ્રવાસની થોડી મજા લઈએ.
જૂના જમાનામાં યુરોપમાં સરકારી બાબુઓ કે વહીવટી કર્તાઓ પાસે કોઈ આધુનિક સૉફ્ટવેર કે આધાર કાર્ડ તો હતા નહીં. ગામમાં પાંચ `જોન' કે પાંચ `ડેવિડ' ભેગા થાય એટલે અલગ તારવવા મુશ્કેલ બની જાય એટલે તેમણે ભારતીયોની જેમ (એમણે ઘણું બધું ભારતીયોનું કૉપી કર્યું છે) ધંધા-રોજગાર પ્રમાણે અટક પાડવાનું શરૂ કર્યું, જેમકે
જે લુહારનું કામ કરે એનું નામ `સ્મિથ'. જાણે આપણી `સુથાર' કે `લુહાર'. પણ હદ તો ત્યારે થઈ જ્યારે કોઈનું કામ તીર બનાવવાનું હોય તો અટક પડી `ફ્લેચર' (Fletcher) અને જો કોઈ ધોબી હોય તો અટક પડી `વૉશર' અથવા `લવેન્ડર'. જરા વિચારો, કોઈનું નામ મિસ્ટર `બેકર' (રોટલી બનાવનાર) હોય અને એ વજનમાં પોતે જ રંધાઈ ગયેલા જેવો પાતળો હોય તો. એમ તો ટેનિસ સ્ટાર બોરિસ પણ બેકર જ અટક ધરાવે છે. આપણે જેમ ઘણા લોકોએ અટક જેના પરથી આવી છે તે પરંપરાગત વ્યવસાયો છોડી બોરિસ ટેનિસના રમવાના ધંધામાં લાગી ગયો.
અમેરિકન અટકોના ઇતિહાસમાં સૌથી વધુ મજા તો ત્યારે આવે છે જ્યારે લોકોના શારીરિક દેખાવ કે લક્ષણો પરથી અટકો સ્થાયી થઈ ગઈ હોય, જેમકે... કોઈ થોડો લાંબો હોય તો અટક પડી `લોંગ' અને સાવ ઠિગણો હોય તો `શૉર્ટ'. કોઈના વાળ કે ચહેરો લાલ હોય તો રેડ કે કોપરફિલ્ડ...
હવે જરા કલ્પના કરો કે જે બિચારાના વડવાઓ બહુ ઝઘડાખોર કે વાંકી નજરવાળા હશે તો તેમની અટક સમય સાથે બદલાઈને કેવી ફની બની ગઈ હશે! આજે પણ અમેરિકામાં `ડ્રંકર્ડ' (અર્થાત શરાબી) અથવા `ગ્રમ્પી' (Grumpy અર્થાત્ ચીડચિડિયા) જેવી અટક ધરાવતા લોકો હસતા-રમતા જોવા મળે છે. પોતાના જ પૂર્વજની કુંડળી આખી દુનિયા સામે અટક તરીકે લઈને ફરવું એને જ કહેવાય અસલી સિલસિલો!
આપણે ત્યાં શહેર પરથી અટકો પડી છે, ઉદાહરણ તરીકે પાલનપુરી, જયપુરી, લખનવી, શિહોરા, બાંટવા, મંગેશકર, અગરકર, બલસારા તેમ અમેરિકામાં પણ લોકો પોતાના ઘર કે આસપાસની ભૌગોલિક સ્થિતિ પરથી અટક રાખી લેતા.
કોઈ ઝાડની આસપાસ રહેતું હોય તો એની અટક બુશ (Bush) બની ગઈ. કોઈ પર્વતની નીચે રહેતું હોય તો `અંડરવુડ' કે `હલ' (Hill) અટક પડી, પણ પેલા બિચારા લોકોનું શું, જેઓ કોઈ કાદવ-કિચડવાળી જગ્યાએ કે ખાડા ટેકરામાં રહેતા હોય? તેમની અટક અંગ્રેજીમાં `બોટમ' (Bottom) કે `ડિચ' (Ditch) જેવી પડી ગઈ! હવે વિચારો કોઈ ગંભીર મીટિગમાં બૉસ બોલાવે:
`મિસ્ટર બૉટમ, પ્લીઝ કમ ઇન' ત્યારે રૂમમાં બેઠેલા લોકોએ હસવું રોકવા માટે કેટલી કસરત કરવી પડતી હશે! કેટલીક અટક તો એવી છે જે અહીં લખીએ તો આજના સંદર્ભમાં દ્વિઅર્થી થઈ જાય.
અમેરિકન અટકોની આ મસ્તી મજાક અહીં જ પૂરી નથી થતી. પશ્ચિમની દુનિયામાં નામકરણની એક બીજી અજબ પ્રથા પણ ભારે રસપ્રદ રહી છે જેને `પેટ્રોનિમિક્સ' કહેવાય છે.
આ પ્રથા મુજબ પિતાના નામ પરથી સંતાનની અટક નક્કી થતી જેમ કે જો કોઈના પિતાનું નામ જોન હોય તો દીકરો જોનસન એટલે કે જોનનો દીકરો કહેવાયો.
મેકડોનાલ્ડ એટલે શું ખબર છે? ડોનાલ્ડનો દીકરો. ગાએલિક એટલે કે સ્કોટિશ, આયરિશ ભાષામાં મેક એટલે `નો દીકરો'. મેકડોનાલ્ડ એટલે ડોનાલ્ડનો દીકરો. આપણે ત્યાં જેમ રામાયણમાં શ્રીકૃષ્ણને નંદલાલ કહે છે તેવું થયું.
હવે કલ્પના કરો કે કોઈના પદ કે વંશ પરથી અટક પડી હોય જેમ કે `કિગ' (King-રાજા). આ અટક ધરાવનાર વ્યક્તિ કદાચ સામાન્ય કૅફેમાં પાર્ટ-ટાઇમ જૉબ કરતો હોય. આનાથી ઊલટું, કોઈની અટક `ફૂલ' (Fool) કે `ડોર્ક' હોય અને એ ભાઈ બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હોઈ શકે!
બીજું કે અમેરિકામાં જ્યારે ઇમિગ્રન્ટ્સ (વિદેશી સ્થળાંતરિતો) લાખોની સંખ્યામાં ઊતર્યા ત્યારે ઇમિગ્રેશન ઑફિસરોની ઉતાવળના લીધે પણ નામોનું અજબ અર્થઘટન થઈ ગયું. કોઈ જર્મન કે ઇટાલિયન નાગરિક લાંબી અટક લઈને સ્ટેશન પર ઊતરે અને પેલા થાકેલા અંગ્રેજ અધિકારીને સ્પેલિંગ ન સમજાય તો એણે પોતાના હિસાબે ટૂંકી કે રમૂજી અટક ચોંટાડી દીધી!
અમેરિકન અટકોનો આ રમૂજી ઇતિહાસ સાબિત કરે છે કે અટક ભલે ગમે તેટલી અટપટી કે ફની હોય, સમય જતાં એ ઓળખ બની જાય છે. પેલા જૂના લુહારના વ્યવસાયવાળા સ્મિથે કદાચ સપનામાંય નહીં વિચાર્યું હોય કે એની પેઢીઓ સ્માર્ટફોન વાપરતી થઈ જશે અને અટક આજે પણ એ જ લુહારના વ્યવસાયવાળી જ રહેશે, સિવાય કે તે બદલી નાખે!