Tue Jul 28 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ રોમ્સડાલ-કાલ્પનિક લાગતી ખીણમાં ખરી મજા...

2026-07-25 09:26:00
Author: Pratiksha Thanki
Article Image

પ્રતીક્ષા થાનકી

નોર્વેની ટીમને આ વર્ષે ફૂટબોલ વર્લ્ડકપમાં ઘણી લોકપ્રિયતા મળી છે. ખાસ તો બધા પ્લેયર્સનું વાઇકિગ ફોટોશૂટ અને હાલાન્ડનું કદ અને સ્વભાવ જાણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયાં. જોકે સ્કેન્ડિનેવિયાના છોકરાઓ જાયન્ટ લાગે એમાં નવાઈ પણ શું હોઈ શકે. ત્યાંનાં માયથોલોજિકલ પાત્રો તો ખરેખર પહાડ જેવડાં જ હોવાની વાત છે. જ્યારે અમે ટ્રોલસ્ટિગન ચઢવા નીકળેલાં, ત્યારે ગાડી 11 હેરપિન બેન્ડ્સ વટાવીને ઉપર વ્યુઇંગ પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ પછી પણ ટ્રોલની વાર્તાઓ અને સાથે સંકળાયેલા વ્યૂમાં જરાય ઘટાડો થયો નહીં. ઊલટાનું તે રોમ્સડાલ વેલીની રક્ષા કરવા માટે ટ્રોલ્સે કઈ રીતે પોતાના જીવ ત્યાગ કરવાનું પણ બાકી નથી રાખ્યું એવી વાર્તાઓથી તો આખું ટેકરી પરનું મ્યુઝિયમ ધમધમતું હતું. 

ઉપર વ્યુઇંગ પ્લેટફોર્મની સાથે પેનોરમા વ્યૂ માટે નાનકડી હાઇક કરવી પડે તેવું હતું. ત્યાં કેડી સાંકડી હતી અને રસ્તામાં લોકેોએ લાઇન એવી લગાવી હતી કે ધીમી ગતિએ વાત આગળ વધી રહી હતી. ત્યાંથી `ટ્રોલ્સવેગેન' એટલે કે `ધ ટ્રોલ વોલ' તરીકે ઓળખાતી એક એવી પર્વતમાળા પણ જોવા મળી, જ્યાં એક ટ્રોલની વેડિગ પાર્ટી આખી થીજીને પર્વતોમાં પલટાઈ ગઈ હોવાની વાત છે. 

એક ટ્રોલની ટોળકી કોઈનાં લગ્નની પાર્ટી મનાવી રહી હતી, અને એ બધાં આખી રાત પાર્ટી કરવામાં એવાં ભાન ભૂલી ગયાં કે સવારે તડકાનાં કિરણો તેમના પર પડતાં જ તેઓ પથ્થરમાં પલટાઈ જશે તે વાતનાં પણ કોઈને હોશ ન રહૃાા. આખીને આખી ટોળી પર્વત બની ગઈ. હવે દરેક પર્વતમાં ટ્રોલનાં અને માણસોનાં ફીચર્સ શોધવામાં અમારી ટોળકી થોડી વાર તો ગૂંચવાઈ ગઈ હતી. કોઈને લાગ્યું કે પર્વતો માત્ર ટ્રોલના ફેસ હતા, અને કોઈને લાગ્યું કે આખો ને આખો પર્વત જ એક ટ્રોલ છે. એ મહત્ત્વની ચર્ચાઓમાં ટ્રોલ્સ અને પર્વતો બંને અમારી સામે જાણે જીવંત થઈ ગયાં હતાં. 

વ્યુઇંગ પ્લેટફોર્મથી પાછાં ફરતી વખતે અલગ અલગ સીડીઓ લઈને મ્યુઝિયમ સુધી જવાતું હતું. તેમાં વચ્ચે પાણીના પુલ્સ બનાવેલા જ હતા. તેમાં ઘણાં તો જરા હૂંફાળું વેધર જોઈને સીધી પાણીમાં ડૂબકી લગાવવા પડી ચૂક્યાં હતાં. આખીય રોમ્સડાલ વેલી 60 કિલોમીટરમાં ફેલાયેલી છે. અહીં જે લેન્ડસ્કેપ જોવા મળી રહૃાો હતો તેમાં યોર્ડનું વર્ચસ્વ ન હતું, હા ટ્રોલ્સની હાઇલાઇટ્સ જરૂર હતી. અહીં બે મજેદાર વોટરફોલ્સ પાસે પણ થોડા ફોટા પડાવવાનું થયું. 

જોકે અહીં કોઈ એક સ્થળને ફોટો સ્પોટ કહેવું જરા અનફેર લાગતું હતું. જે પણ તરફ કેમેરો ફેરવો અને ભૂલથી પણ ક્લિક કરી દો, બધે જ કોઈ પ્રકારનું કુદરતી સૌંદર્ય તો ઝડપાઈ જ જતું હતું. અહીં એક નાનકડી ટે્રન લાઈન પણ દેખાઈ. આ `રાઉમાબાનનેન' સ્વિસ ટે્રનો કરતાં પણ અનોખો અનુભવ કરાવતી હોવાની વાત છે. સ્વિસ ટે્રનોને માર્કેટ કરવામાં આવી છે, બાકી સ્કેન્ડિનેવિયન નોર્થમાં પહાડો, ખીણો અને યોર્ડને જોડતી ટે્રનોમાં દૃશ્યો યાદગાર બની રહેશે તેવું ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર પડે. અમે કારમાં આવેલાં એટલે ટે્રન તો લઈ શકીએ તેમ ન હતાં, પણ ટે્રન ટે્રક્સને પેરેલલ રસ્તા પર રાઉન્ડ મારીને તે રૂટની થોડી મજા તો લઈ જ લીધી.

આ ટે્રન રૂટ પર ખાસ બિજોર્લી પાસેના બ્રિજ પાસે `હેરી પોટર એન્ડ હાફ બ્લડ પ્રિન્સ'નું શૂટિગ થયું હતું. અને જરા આગળ `મિશન ઇમ્પોસિબલ' માટે ટોમ ક્રુઝે બાઇક ચલાવી છે. એ બધાં કાલ્પનિક એડવેન્ચર વચ્ચે તમે માત્ર સાધારણ વોક કરવા કે ડ્રાઇવ પર નીકળો તે પણ અસાધારણ જ ફીલ થતું હતું. ત્યાં કિયલિંગ બ્રિજને તો ટોમ ક્રુઝ ફિલ્મમાં ધમાકા સાથે ઉડાડી પણ દે છે. આખી વેલીને જરા ઉપરથી જોવા માટે ગોન્ડોલા લઈને પણ જવાનું શક્ય છે. 

જોકે અમે ફરી એ પ્રકારના અનુભવ માટે તૈયાર ન હતાં. આ પહેલાં જોઈ ચૂકેલાં કે ગોન્ડોલાની રાહ જોવામાં અડધો દિવસ પણ નીકળી જાય. વળી અમે અહીંથી નીકળીને આગળ ટ્રોન્ડહાઇમ તરફ જઈ રહૃાાં હતાં. આ રોમ્સડાલની ડીટૂર અમને આખો દિવસ પાસે રાખી લેશે એવું અમે નહોતું વિચારેલું. ઇનફેક્ટ રોમ્સડાલે અમને એવાં જકડી રાખેલાં કે ફરી જ્યારે પણ નોર્વે તરફ આવવાનું થાય તો આ વેલીમાં જ કેબિન લઈને બે-ત્રણ દિવસ પડ્યાં રહેવાનું પાક્કું થઈ રહ્યું હતું અને નોર્વેમાં પડ્યાં રહેવાના ભાગ રૂપે હાઇક પણ કરવી પડે. આ દેશના આરામ કરવાનાં પ્લાનમાં પણ હાઇક કરવાનું આવતું જ હતું.

રોમ્સડાલ વિષે વધુ જાણવા મળ્યું પછી ત્યાં રહી ન શકવાનો અફસોસ પણ દૂર થઈ ગયો. અમે થોડા દિવસથી જે આલેસુન્ડમાં આંટા મારી રહૃાાં હતાં તે પણ રોમ્સડાલનો જ હિસ્સો ગણાય છે. જોકે તેનો વેલી એરિયા અલગ જ ફેનબેઝ ધરાવે છે. અમે તો ત્યાં કોઈ હોલીડે કેોટેજીઝ ખાલી દેખાઈ હોત તો થોડી વાર માટે તો રોકાઈ જવા માટે લલચાઈ પણ ગયેલાં. ખાસ તો હવે આ ટ્રિપનો છેલ્લો ફેઝ ચાલુ થઈ રહૃાો હતો તે કારણે પણ બધાં જરા સેન્ટિમેન્ટલ થઈ રહૃાાં હતાં. 

હવે ટ્રોન્ડહાઇમ પાસે એક્સપ્લોર કરીને અમે ઓસ્લો તરફ પાછાં જવાનાં હતાં. જોકે હજી ઓસ્લોમાં નાટક જોવાથી માંડીને એડવર્ડ મન્ક મ્યુઝિયમ અને ભવ્ય સિટી ટૂર જેવું ઘણું બાકી હતું. નોર્વેમાં માડં બે અઠવાડિયાં થયાં હતાં, પણ અહીં શિફ્ટ થઈ જવા માટે પણ મન બની જતું હતું. હવે તો દરેક જગ્યાએ મજા આવી છે કે નહીં તેનું માપદંડ જ એ બની ગયું હતું, અહીં વસી જવાની ઇચ્છા થાય તો સમજવું કે ખરી મજા આવી છે. 

જો અહીં કોઈ કારણસર વસી ગયાં તો બહારની દુનિયા સાથે કટઓફ થઈ જવાની તૈયારી પણ રાખવી એ પણ સમજી જ લેવું. ખરેખર આ ટ્રોલ્સની કાલ્પનિક દુનિયામાં લોકો એન્જિનિયરિગ અને આઇટીની જોબ્સ માટે ત્યાં ખરેખર વસી ગયાં છે. અમે એ મિત્રોને પણ મળી આવેલાં. એ લોકો પણ વીકેન્ડ પર હાઇકિગ કરીને ઇન્ડિયન સ્ટોર પર દેસી શાકભાજી લેવા પહોંચી જ જાય છે. ભારતની બહાર ભલે માણસ ગમે તે દેશમાં હોય, એક વાર સ્થાયી થયા પછીનું ટેમ્પલેટ હવે બધે એક સરખું જ છે. ફરવા બાબતે એવું કહી શકાય નહીં. હવે ટ્રોન્ડહાઇમ જવાનું હતું.