Tue Jul 28 2026

Logo

મસ્તરામની મસ્તીઃ ચાલો, `આંદોલન'નો ધંધો કરીએ...!

2026-07-25 15:21:35
Author: Milan Trivedi
Article Image

મિલન ત્રિવેદી

તમે ક્યારેય વિચાર્યું છે કે જો દેશમાં દરેક વસ્તુ ભાડે મળતી હોય. ઘર, ગાડી, કપડાં, વાસણ અને લગ્ન માટે `નકલી સંબંધીઓ' તો પછી આંદોલન કરનારાઓ કેમ ભાડે ન મળે?

જમાનો હવે  ડિજિટલ અને સ્માર્ટ બન્યો છે. હવે મુદ્દાઓ માટે આંદોલન નથી થતા, પણ આંદોલન માટે મુદ્દાઓ શોધવામાં આવે છે! અને આ જ સત્યને પારખીને, આપણા દેશના મહાન બિઝનેસ માઇન્ડેડ યુવાનોએ એક નવો જ ધંધો શરૂ કર્યો છે:

`ઓન-ડિમાન્ડ આંદોલનકારી પ્રાઈવેટ લિમિટેડ.'

હા સાહેબ, હવે તમારે કોઈ વાતે વિરોધ કરવો હોય તો તમારે જાતે ગળાના તાંતણા તોડવાની કે સૂરજની ગરમીમાં શેકાવાની જરૂર નથી. બસ, એક એપ ડાઉનલોડ કરો, પેકેજ સિલેક્ટ કરો અને બે કલાકમાં 100 આંદોલનકારીઓ તમારા દરવાજે હાજર!

ચુનિયાએ તો ધંધો માંડી પણ દીધો...

`આંદોલન સર્વિસ'ના સુપર હિટ પેકેજિસ બહાર પાડ્યા. કંપનીના રેટ કાર્ડ પર એક નજર નાખવા જેવી છે. એણે ગ્રાહકની ગીચતા અને ખિસ્સાના માપ પ્રમાણે અલગ-અલગ `પેકેજ' બનાવ્યા છે, જેમકે ...

1) બેઝિક પેકેજ (રૂપિયા 4999/-)

શું મળશે: 10 જણા સોસાયટીના નાકે ઊભા રહેશે.

કામગીરી: હાથમાં કાગળના બેનર પકડશે અને દર દસ મિનિટે એક વાર ધીમેથી બોલશે: "........બંધ કરો... બંધ કરો!'

કોના માટે ઉત્તમ: પાડોશીની ગટરની વાસ આવતી હોય કે પાડોશીનું કૂતરું કટાઇમે ભસતું હોય તેની સામે નાનો-મોટો વિરોધ કરવા માટે એપ્રેન્ટિસ આંદોલનકારી પણ મળશે.

 2)  પ્રીમિયમ પેકેજ (રૂપિયા 25,999/-)

આપને મળશે: 50 પ્રોફેશનલ આંદોલનકારીઓ + 1 લાઉડસ્પીકર.

કામગીરી: આમાં આંદોલનકારીઓ જે પૂરા જોશમાં રાડો પાડશે. બે-ત્રણ જણા તો ભાવુક થઈને જમીન પર આળોટશે પણ ખરા!

ટીવી ચેનલના રિપોર્ટર આવે એટલે તરત જ કેમેરાની સામે આવીને ચોધાર આંસુએ રડવાની સ્પેશિયલ એક્ટિંગ પણ કરી લેશે.

3) વી.આઈ.પી. મેગા પ્રોટેસ્ટ પેકેજ (રૂપિયા 2,25,999/-)

શું મળશે: 500 જણાની જંગી મેદની + વોટર કેનન (પાણીનો છંટકાવ) સહન કરવાની ક્ષમતાવાળા અનુભવી કલાકારો!

બોનસમાં પોલીસની ગાડી આવે એટલે સામે ચાલીને ગાડીમાં બેસી જવાનું અને ગાડીની બારીમાંથી હાથ હલાવીને `સેલ્ફી' પાડવાની સંપૂર્ણ જવાબદારી કંપની સ્વીકારશે.
મેં ચુનિયાને પૂછ્યું કે `તને આંદોલનકારીઓ મળે છે ક્યાંથી?'

એ મને કહે : `આ કંઈ નાનીના ખેલ નથી. મહેનત કરવી પડે છે અને અનુભવી આંદોલનકારીઓની ભરતી કરવી પડે છે.'
આંદોલનકારીઓની `ઇન્ટરવ્યૂ' પ્રક્રિયા સમજાવતા તેણે કહ્યું કે,`હવે આ ધંધામાં કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. `આંદોલનકારી' તરીકે નોકરી જોઈતી હોય તો ઈન્ટરવ્યૂ આપવો પડે છે!”
એચ.આર. (HR): `તમારી અંદર એવી કઈ ખાસિયત છે કે અમે તમને આંદોલનકારી તરીકે રાખી લઈએ?'

ઉમેદવાર: `સાહેબ, હું સતત 6 કલાક સુધી પાંપણ પટપટાવ્યા વગર ગમે તે નેતા સામે ઘૂરીને જોઈ શકું છું! અને તડકામાં ઊભા રહીને પાણી પીધા વગર `મૂર્દાબાદ'ના પચાસ અલગ-અલગ ટોનમાં નારા લગાવી શકું છું!'

એચ.આર.: `વાહ! પણ જો પોલીસ લાઠીચાર્જ કરે તો?'
ઉમેદવાર: `સાહેબ, એના માટે મારો અલગ ચાર્જ રહેશે. જો હળવો લાઠીચાર્જ હોય તો 1000 રૂપિયા, અને જો તીવ્ર લાઠીચાર્જ હોય તો 5000 રૂપિયા + એક બોટલ, પેઇનકિલર ગોળીઓ!'

એચ.આર.: `કોંગ્રેચ્યુલેશન્સ! તમે સિલેક્ટ થઈ ગયા છો! કાલથી `જનતા સેવક' તરીકે ડ્યૂટી પર આવી જજો!'
દેશ હવે એવા વળાંક પર આવી ગયો છે જ્યાં `વિચારધારા' કરતા `દિહાડી' (દૈનિક ભથ્થું) વધારે મહત્ત્વની બની ગઈ છે.

જો તમારી પાસે કોઈ કામધંધો ન હોય, તો કંટાળવાની જરાય જરૂર નથી. બસ સફેદ કુરતો-પાઈજામો પહેરો, આંખ પર કાળા ચશ્માં ચડાવો અને કોઈપણ સરકારી કચેરીની બહાર ઊભા રહી જાઓ. કોઈ ને કોઈ આવીને તમારા હાથમાં પ્લેકાર્ડ પકડાવી જ દેશે અને સાંજે ચા-ગાંઠિયા સાથે બસો રૂપિયા રોકડા હાથમાં મૂકી જશે!

એટલે જ તો હવે નવું સૂત્ર બન્યું છે:
`હમારી માંગેં પૂરી કરો...
ઐસે તો ઐસે બેકારી કો દૂર કરો..." 

આંદોલન માટે ડિગ્રી કે લેખિત પરીક્ષા નહીં સ્કીલ જોઈએ. પેટનો ખાડો ઊંડો થતો જાય અને આવડત પહાડની જેમ બહાર આવતી જાય. આંદોલનકારીઓને ભૂખ્યા રહેવાની પ્રેક્ટિસ કરવાની તો હવે જરૂર જ નથી. AI ને કહો તેવી રીલ બની જાય.

ઘણી વખત તો આંદોલન કરતાં રીલ વધુ મહત્ત્વની હોય છે. સૂંઠને ગાંગડે ગાંધી બની જતા લોકો જોયા છે. ઉચ્ચકોટિના નીચ નેતાઓ પણ મળે અને સમાજના નીચલા સ્તરમાંથી ઉચ્ચ કોટીના આંદોલનકર્તા પણ મળે.
આ બધી વાતો હું સમજતો હતો અને સાંભળતો હતો ત્યાં ચુનિયાને ફોન આવ્યો. એણે બહુ ટૂંકમાં વાત કરી એટલે હું સમજી ગયો કે આનો પનો ટૂંકો પડ્યો છે. મેં આંખના ઇશારે પૂછ્યું તો તેણે એક જ વાક્ય કહ્યું,`રેન્જ બહારની વાત છે. આંદોલનકારી નથી જોતા પણ મસ્કા મારી સારા વચનો આપી આંદોલન પાછું ખેંચાવે તેવા નેતા જોઈએ છે.'

આપણી પાસે મજબૂર લોકો છે, અવ્વલ કક્ષાના `બીપ-બીપ' લોકો નથી એટલે...'
ચાલો ત્યારે, એક ઓર્ડર મળ્યો છે. 30 મિનિટનું ધરણાં પ્રદર્શન કરવાનું છે. મારો કોન્ટ્રાક્ટ છે તમારે હમણાં પ્રોગ્રામ ન હોય તો...!                                                          

વિચારવાયુ
વિદ્યાર્થી: (નેતાને) સાહેબ, સમજો તમારા છોકરાને પણ `નિટ'નો પ્રશ્ન નડી શકે છે.
નેતા: અમારા છોકરાઓ નીટ ના લે. બરફ અને સોડા વગર ન ચાલે.