Tue Jul 28 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 17

2026-07-25 09:28:00
Author: Mavji Maheshwari
Article Image

 

માવજી મહેશ્વરી


પુરુષ ત્યાં સુધી બધી રીતે સારો હોય છે જ્યાં સુધી તે સ્ત્રીનો માલિક બની ન જાય. એકવાર સ્ત્રી એની થઈ ગઈ, બસ પછી તો...! 

તમને એવું લાગશે કે હું સ્ત્રીઓની તરફદારી કરી રહી છું. પણ એક વાત સત્ય છે કે પુરુષો પત્નીઓને છેતરવામાં પાવરધા હોય છે. જ્યારે પત્ની હકની વાત કરે ત્યારે કાં તો ધણીપણું બતાવે છે અથવા તો ઈમોશનલ બ્લેક મેઈલીંગ પર ઊતરી આવે છે. 

`શાબાશ, હજુ તો તમે લગ્ન કર્યા નથી અને પતિઓ વિશે ભયાનક છાપ લઈને બેઠા છો. તમને પરણનાર તો મર્યો જ સમજો સનતે કાંકરીચાળો કર્યો.'

`જોયું ને, આ તમારો પ્રતિભાવ જ બતાવે છે કે તમે સાચી વાત સ્વીકારવામાં કેટલા ઈમાનદાર છો.' 
`મેડમ, હું એમ કહું કે હું તમને હંમેશાં વફાદાર રહીશ તો તમે મારી સાથે લગ્ન કરશો?' 

`મહેરબાન, શરૂઆત અહીંથી થાય છે. પુરુષ ત્યાં સુધી બધી રીતે સારો હોય છે જ્યાં સુધી તે સ્ત્રીનો માલિક બની ન જાય. એકવાર સ્ત્રી એની થઈ ગઈ, બસ પછી તો બધા જ વાયદા ફોક. તમે મને અત્યારે જે વાયદા પર પ્રપોઝ કરી રહ્યા છો એજ સ્ત્રીને છેતરવાની શરૂઆત છે.' 

`હું લખીને આપું તો?' 

`ઓહ, યાર પ્લીઝ ડોન્ટ ટર્ન મી ટુ અનઅધર સાઈડ. તમે શરૂઆતમાં એવી જ વાતો કરો જે વ્યવહારમાં શક્ય હોતી નથી. સ્ત્રીનું મગજ જ હેક કરી લો.' 

એનો અર્થ એવો પણ કરી શકાય કે, સ્ત્રી પાસે વિચાર શક્તિ ઓછી હોય છે. 

`ભૂલો છો મિસ્ટર! વિચારશક્તિ તો હોય છે પણ એ માટેના રસ્તાઓ એના માટે બંધ હોય છે. બધી વ્યવસ્થાઓ પુષને જ અનુકૂળ રહે તેવી બનાવવામાં આવી છે. જ્યારે મારા જેવી કોઈ સ્ત્રી પોતાની રીતે વિચારે છે કે જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને ડેડ મશીન કહીને એના અસ્તિત્વનો જ સ્વીકાર કરવામાં આવતો નથી.' 

`ઓહ મેમ! સોરી. મારો શબ્દ હું પાછો ખેંચું છું. મારે એવું કહેવું જોઈતું નહોતું. લાગે છે તમને બહુ ખરાબ લાગ્યું છે.' 

`બસ બસ હવે, બહુ સારા દેખાઈએ તો શંકા પડે. છતાં એક સત્ય તો છે જ કે પુરુષ જન્મજાત કુશળ અદાકાર હોય છે. જ્યારે જરૂર પડે પોતાની અદાકારીનો બખૂબી ઉપયોગ કરે છે. મારા પપ્પાએ પણ એજ કર્યું. જેવું મારી મમ્મીએ કહ્યું કે `તમે કોલકાતા નહોતા ગયા અહીં જ હતા અને તેય કોઈ સ્ત્રી સાથે. ખરેખર તો તે સાંભળીને મારા પપ્પાના મોં પરથી લોહી ઊડી જવું જોઈતું હતું કે પછી તેમને ગુસ્સો આવવો જોઈતો હતો. તેને બદલે પપ્પાએ જુદું કર્યું. એમણે મારી મમ્મીને બાથમાં લઈને ભીંસી નાખતા કહ્યું, `કલ તો નહીં થા પર અભી એક ખૂબસુરત ઓરત કે સાથ હું. ચલ ગંગા મુઝે ખુશ કર દે.'

`સાલ્લું મને નવાઈ લાગે છે કે આ તો એમની ખાનગી વાતો કહેવાય. તમે બધું એવી રીતે કહો છો જાણે તમે એમનું મૂવી જોયું હોય.' 

`એમ જ સમજો સનત. આ વાત થોડીવાર પહેલા પણ તમે જૂદી રીતે પૂછી ચૂક્યા છો. મને આ બધું કઈ રીતે જાણવા મળ્યું એનો ખુલાસો કરીશ. આમ તો પપ્પા મમ્મીની અંગત વાતો મારાથી કોઈને કહેવાય નહીં કે ચર્ચાય નહીં. બટ નાઉ આઈ એમ એ નેરેટર ઓફ ધ સ્ટોરી. અંડરસ્ટેન્ડ? સો લીસન એન્ડ થીન્ક વ્હાય આઈ ડેડ મશીન? માય બ્રેઈનઝ સીડી ઈઝ ટોટલી કરપ્ટ, બટ હાર્ટ ઈઝ નીટ એન્ડ ક્લીન.' સોનલ થોડી સેક્નડ ચૂપ થઈ ગઈ. સનતે નાટકીય રીતે સોનલ સામે હાથ જોડતાં કહ્યું.

`ક્ષમા કરો માવડી. આ નાદાન બાળકની ભૂલ માફ કરો.' 
સોનલ હસી પડી. તેણે સનતનો હાથ પકડીને જરા ઝંઝેડતા કહ્યું, `મેં આ પહેલા તમને કહ્યું છે કે તમે ખરેખર સારા અને સ્વસ્થ પુરુષ છો. તમે કારણ વગર વાતને અવળે પાટે લઈ જાઓ છો.' 

`સોરી બાબા, પ્લીઝ આગળનું કહો. જોકે મારી દષ્ટિએ આગળનું દૃશ્ય રોમેન્ટિક તો નહીં જ હોય.' 
`તમે સાચા છો. છેતરાયેલી સ્ત્રી અને ઘવાયેલી વાઘણ બેઉ ખતરનાક હોય છે. મારી મમ્મીને પહેલીવાર મારા પપ્પા પરનો અડીખમ વિશ્વાસ તૂટ્યો હતો. તેને ભયંકર દુ:ખ પહોંચ્યું હતું. મમ્મીએ પપ્પાને દૂર હડસેલતા કહ્યું, `નહીં, મારાથી દૂર હટો.”

`પપ્પાને અચાનક લાઈટ થઈ કે મમ્મી ખરેખર નારાજ છે. તેમ છતાં તેમણે પોતાનો અભિનય ચાલુ રાખ્યો. તેમણે મમ્મીનો હાથ પકડી બેડ પર બેસાડી દેતાં જરા ગંભીર થઈને કહ્યું, `મને કહીશ કે તું મારાથી શા માટે નારાજ છો? ગંગા મને તારી વાતથી આઘાત લાગ્યો છે.' પપ્પાની આ વાતથી તે જરા ઉશ્કેરાઈ ગઈ.'

`પહેલા મને કહો કે એ સ્ત્રી સાથે તમારે કેટલા સમયથી સંબંધ છે જે તમારી સાથે હતી?' 
`પપ્પા સમજી ગયા હતા કે કોઈ પણ રીતે ગંગાને ખબર પડી ગઈ છે. છતાં પપ્પા અંધારામાં તીર ચલાવવા માગતા નહોતા. તે જાણવા માગતા હતા કે ગંગાને ખબર પડી કઈ રીતે? તે હજુ ઈમોશનલ દાવ ખેલવા માગતા હતા. તેમણે મમ્મીની આંખોમાં જોતાં કહ્યું, `હું તને પ્રેમ કરતો ન હોત તો અત્યારે એક જ થપ્પડમાં દાંત પાડી દીધા હોત. મારી કોલકાતાની ટિકિટ તેં જ બેગમાં મૂકી હતી. હવે રહી મારી ત્યાં હોવાની વાત. તો હું એ હોટેલનો નંબર આપું છું જ્યાં હું ઊતર્યો હતો. તું ફોન કરીને ખાતરી કરી લે. તારા મનમાં આવો વિચાર નાખ્યો કોણે?'

મમ્મીએ ફરી એજ કહ્યું, `તમે માત્ર મને એટલું કહો કે તમને એ સ્ત્રી સાથે કેટલા વખતથી સંબંધ છે જેની સાથે તમે રાત ગાળી આવ્યા છો?' 
આખરે પપ્પાએ એજ કર્યું જે હારેલો પતિ કરતો હોય છે. તેઓ તાડુક્યા, `સાલ્લી આવી ગઈને અસલિયત પર? હું તને કચરામાંથી ઉપાડીને અહીં લઈ આવ્યો એનો આ બદલો આપી રહી છો? તારા માટે મેં બધું છોડ્યું. મારા પરિવારની નજરમાં ઊતરી ગયો, મારા છોકરા મારાથી દૂર થઈ ગયા. આ બધું તારા સુખ માટે કર્યું અને તું એમ કહી રહી છો કે હું કોઈ સ્ત્રી સાથે સૂઈ આવ્યો છું?'  

`પપ્પાની ડ્રામાબાજીથી જરાય વિચલિત થયા વગર મારી મમ્મીએ પપ્પાને ઉશ્કેર્યો, મને માત્ર એટલું કહો કે એ સ્ત્રી સાથે તમને કેટલા સમયથી સંબંધ છે?' 

મમ્મીની અડગતાથી ડરી ગયેલા મારા પપ્પાએ મમ્મીને થપ્પડ મારી લીધી. મારી મમ્મીની આંખો ફાટી રહી. જેના વિશ્વાસે તે અજાણ્યા શહેરમાં આવી ગઈ હતી. એ નફ્ફટ થઈને ઊભો રહી ગયો હતો. પપ્પાને તરત પોતાની ભૂલ સમજાઈ. તેમણે વિચાર્યું કે પોતે ખોટો તો છે જ. પણ ગંગાને ખબર કેવી રીતે પડી તે જાણવું પડશે. પપ્પાએ મમ્મીનો હાથ પકડ્યો તે સાથે જ મમ્મી ઝાટકાથી હાથ છોડાવી લેતા ગર્જી. 

`આખરે તમે બતાવી દીધું કે મારું સ્થાન આ ઘરમાં શું છે. મારા ઉપર તમારા અનેક ઉપકાર છે. તમે મારા જેવી ગરીબ સ્ત્રીને પત્ની બનાવી પૈસાદારોની દુનિયામાં લાવ્યા. મારી હેસિયત જ શું છે કે હું તમારા પર હક જતાવું. મારે મારું સ્થાન સમજવું જોઈતું હતું. ભૂલ મારી છે. શરૂઆતથી જ મેં ભૂલો કરી છે. નહીંતર કોઈ કુંવારી છોકરી એ ન કરે, જે મેં કર્યું. તમારો કોઈ જ વાંક નથી. બધું મારી ભૂલોનું જ પરિણામ છે. મારાં મા બાપે મારા પર કેટલુંય દબાણ કરેલું કે તારા પેટમાં રહેલું પાપ પાડી દે. પણ હું એને પાપ નહીં, મારા પ્રેમનું પરિણામ સમજતી હતી. મારો બાપ મને મારી નાખવા તૈયાર થઈ ગયો હતો. તોય અડગ રહી મેં તમારી દીકરીને જન્મ આપ્યો અને આજે એક સ્ત્રી માટે થઈને મને મારી લીધી?' 

પપ્પાએ પેંતરો બદલ્યો. તેમણે કહ્યું, `મારી ભૂલ થઈ ગઈ. મને એ તો કહે કે તું કઈ સ્ત્રીની વાત કરી રહી છો?'
મમ્મીએ ગુસ્સાથી કહી દીધું, `એ સ્ત્રી જેની સાથે ગઈ કાલે તમે હેંગીંગ ગાર્ડનમાં ખોવાઈ ગયા હતા. મારી કિસ્મત જ ફૂટેલી છે. નહીંતર હું ત્યાં શા માટે આવું?'

પપ્પાના મોં પરથી લોહી ઊડી ગયું. તેમ છતાં તે પતિ હતા. મારી મમ્મી અનેક ઉપકારો તળે દબાયેલી પત્ની હતી. પપ્પાએ કહ્યું, `ગંગા પ્લીઝ મારી પાસે બેસ. આપણી સોનુ ખાતર પણ મને માફ કરીને મારી વાત સાંભળ. એ સ્ત્રી કોણ હતી, મારે શા માટે એની સાથે બેસવું પડ્યું, શા માટે મારે પ્રેમનું નાટક કરવું પડ્યું એ બધું જ તને કહું છું.' એ ખેલાડી માણસનું મગજ સક્રિય થઈ ગયું હતું. એ વાટ જોઈ રહ્યા હતા કે ગંગા જરા કૂણી પડે. પણ કેટલાક માણસો એટલું સાચું જીવતા હોય છે કે કોઈની જરા સરખી ખોટી વાતનો તેમને તરત અણસાર આવી જતો હોય છે. 

મમ્મીને ગંધ આવી ગઈ કે પપ્પા તેને છેતરવા માગે છે. મમ્મીએ પીગળ્યા વગર કહી દીધું, `જુઓ તમે ગમે તેવા બહાના બનાવશો તોય મને છેતરી નહીં શકો. સ્ત્રીની આંખો ધોખો ન ખાય. મેં કાલે જે જોયું તે એકદમ નાગુ સત્ય છે અને તમે એની સાથે એ બધું કરી લીધું છે જે મારી સાથે કર્યું છે.'

મારા પપ્પા નીચું જોઈને બેસી ગયા. મમ્મીએ આત્મબળથી પપ્પાને હરાવ્યા હતા. પપ્પાએ કોઈ જવાબ ન આપ્યો એટલે મમ્મીએ ફરી કહ્યું, `એ સ્ત્રી તમારાથી ઘણી નાની લાગતી હતી. મને એ તો કહો કે એને મારી જેમ કોઈ સપનાં તો નથી દેખાડ્યાં ને? તમે એને પત્ની બનાવી ઘરમાં લાવવાના હો તો કહી દ્યો. હું જાતે તમારો રસ્તો ખુલો કરી દઈશ. તમે ખરેખર મને પ્રેમ કર્યો હોય તો મને કહી દો  કે એ સ્ત્રી કોણ છે અને કેટલા સમયથી તમારા સંબંધ છે. હું આ છેલ્લીવાર પૂછું છું.'

પપ્પાની આંખોમાં આંસુ હતા. કોઈ જુદો સમય હોત તો પપ્પાના આંસુની જગ્યાએ મમ્મીએ પોતાનું લોહી વહાવી દીધું હોત. એ નિર્મળ મનની સ્ત્રીને સમજાઈ ગયું હતું કે પોતાના પતિની આંખોમાંથી વહેતા આંસુ પસ્તાવાના નથી. મમ્મીએ ન તો પપ્પાના આંસુ લૂછ્યાં કે ન એની નોંધ લીધી. પપ્પાએ જાતે જ આંસુ લૂછી નાખતા ધીમેથી કહ્યું, `ગંગા તું સાચી છો. મને એ છોકરી સાથે સંબંધ છે.' 

મમ્મીને હવે આઘાત પામવાનું કોઈ કારણ નહોતું. તે સમજી જ ચૂકી હતી કે કોલકાતાનું બહાનું કરીને પોતાનો પતિ પેલી સ્ત્રીને એ બધું આપી આવ્યો છે જેના પર ફક્ત પોતાનો જ અધિકાર છે. મમ્મીનું દિલ તૂટી ચૂક્યું હતું, જેનો પપ્પાને હજુ અણસાર પણ નહોતો. મમ્મીએ સાવ ભાવહીન સ્વરે પુછ્યું, `એનું નામ શું છે?'

`મીનાક્ષી' પપ્પાએ એકાક્ષરી જવાબ આપ્યો. 
`એની સાથે લગ્નનો વાયદો કર્યો છે કે ફક્ત એને દેહને ભોગવીને એની કિમત ચૂકવી દેવાનો ઈરાદો છે?' 

પપ્પાએ માથું ઊંચું કર્યું. એમની આંખોમાં પસ્તાવો નહોતો. એક બેવફા પુરુષની નીંભરતા હતી. મમ્મીએ પપ્પાના જવાબની આશા રાખ્યા વગર કહી નાખ્યું, જુઓ મારા માટે તમારા સિવાય આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ હવે તમે ભૂલી જજો કે હું તમારી પત્ની છું. મને રહેવા દેશો ત્યાં સુધી હું અહીં જ રહીશ. પણ તમે હવે મને અડતા નહીં. તમારે એ સ્ત્રી સાથે જે કરવું હોય તેની તમને છૂટ છે. એક વાતનું ધ્યાન રાખજો સોનુને આ વાતની જાણ ન થાય તો સારું. તમારી દીકરીને એવું ન લાગવું જોઈએ કે તમને મારા સિવાય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે. એની નજરમાં તમે એક સારા પતિ અને બાપ છો.'  
પપ્પાને એકલા મૂકી મમ્મી રૂમમાંથી બહાર જતી રહી.  (ક્રમશ:)