અમદાવાદઃ આઈપીએલ 2026માં ગઈકાલે રમાયેલી ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ રમાશે. ગુજરાતમાં આજથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આવતીકાલે રમાનારી ફાઈનલમાં વરસાદનું વિધ્ન નડવાની શક્યતા નહીંવત છે.
શું છે હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. 31 મે ના રોજ મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે 1 જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે.
આઈપીએલ ફાઈનલ પહેલાં ક્લોઝિંગ સેરેમની
આઈપીએલ ફાઈનલ પહેલાં ક્લોઝિંગ સેરેમની થશે. સમાપન સમારોહ સાંજે 6 કલાકે શરૂ થઈ શકે છે. 7 વાગે ટૉસ થશે અને 7.30થી ફાઈનલ મુકાબલો શરૂ થશે.
આરસીબી પાસે બેક ટૂ બેક ટ્રોફી જીતવાનો મોકો
રજત પાટીદારના નેતૃત્વ હેઠળની આરસીબી પાસે બેક ટૂ બેક ખિતાબ જીતીને ઈતિહાસ રચવાનો મોકો છે. આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (2010, 2011) અને મુંબઈ ઈન્ડિયન્સ (2019, 2020) સતત બે વખત ટ્રોફી જીત્યા હતા. 2008થી આઈપીએલ રમી રહેલી આરસીબીએ 17 વર્ષ બાદ ખિતાબ જીત્યો હતો. ગત વર્ષે આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. આમ આરસીબી પાસે આઈપીએલમાં 2 ટ્રોફી જીતનારી ટીમ બનવાનો મોકો છે.
2022માં આઈપીએલમાં 2 નવી ટીમોની એન્ટ્રી થઈ હતી. આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટ્રોફી જીતી હતી. જે બાદ ફરી એક વખત ગુજરાત પાસે ટ્રોફી જીતવાનો મોકો છે.