Sat May 30 2026

Logo

‘સૂર્યવંશી...15 વર્ષનો તેજસ્વી સૂર્ય...' અમિતાભ બચ્ચને રાજસ્થાનના ‘રોયલ'ને ખૂબ બિરદાવ્યો

2026-05-30 12:22:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: શુક્રવારે ન્યૂ ચંડીગઢમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની આઈપીએલ 2026ની સેમિ ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સાત વિકેટે પરાજય થયો ત્યાર બાદ એના મુખ્ય બૅટ્સમૅન અને લેફ્ટ હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી માટે પોતાના ‘એક્સ' અકાઉન્ટ પર ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો.

બિગ-બી ડાઈ-હાર્ડ ક્રિકેટલવર છે અને તેમણે વૈભવ (Vaibhav)ની અકલ્પનીય સિદ્ધિઓ બદલ ભાવુક થઈને શુક્રવારે મૅચ બાદ મોડી રાત્રે જ મૅસેજ પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે લખ્યું, ‘સૂર્યવંશી...15 વર્ષની ઉંમરે તેજ ફેલાવી રહેલો સૂર્ય...અમે આટલી નાની ઉંમરે ગોટી અને ગલી ક્રિકેટ પણ બરાબર નહોતા રમી શકતા.'

ગજબની જવાબદારીપૂર્વકની ઇનિંગ્સ રમ્યો

વર્તમાન ક્રિકેટ જગતના ભલભલા દિગ્ગજ બોલરની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરવાના સાહસ, નીડરતા, હિંમત અને સમજબૂઝ ધરાવતા વૈભવ સૂર્યવંશીએ શુક્રવારે ગુજરાત સામે 47 બૉલમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા. તે સતત બીજી મૅચમાં જરાક માટે સેન્ચુરી ચૂકી ગયો. જોકે 18મી ઓવર સુધી તે પોતાની નજર સામે સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ સહિત પાંચ વિકેટ પડવા છતાં આટલી નાની ઉંમરે જે જવાબદારીપૂર્વકની ઇનિંગ્સ રમ્યો એ બદલ સમગ્ર ક્રિકેટ જગતમાં તેની વાહ-વાહ થઈ રહી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહ, મિચલ સ્ટાર્ક, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, રાશીદ ખાન જેવા દિગ્ગજ બોલર્સને પણ નહોતા બક્ષ્યા.

440 બૉલમાં 1000 રનનો રેકૉર્ડ

વૈભવ આ વખતની આઈપીએલમાં સતતપણે વિસ્ફોટક ઇનિંગ્સ રમ્યો જે ક્રિકેટ જગતમાં અગાઉ કદી નહોતું જોવા મળ્યું. આઈપીએલમાં વૈભવ 35 બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી છે. તેના ખાતે આ વખતની સીઝનમાં 72 છગ્ગા છે અને તેણે ક્રિસ ગેઇલનો 59 સિક્સરનો રેકૉર્ડ ત્રણ દિવસ પહેલાં જ તોડ્યો હતો. શુક્રવારે તેણે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપે 440 બૉલમાં 1,000 રનનો વિક્રમ કર્યો હતો. તેણે બીજા મહારથી આન્દ્રે રસેલનો (545 બૉલનો) રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

વૈભવના 776 રન હાઈએસ્ટ

આ વખતની આઈપીએલમાં વૈભવ 776 રન સાથે મોખરે છે અને ઑરેન્જ કૅપ તેની પાસે છે. તેણે આ 776 રન 16 મૅચમાં 237.30ના સ્ટ્રાઇક-રેટથી અને 72 છગ્ગા તથા 63 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા.

યુનિવર્સલ બૅબી બૉસ

વૈભવને અત્યારથી જ ‘યુનિવર્સલ બૅબી બૉસ' અને ‘ન્યૂ સિક્સ મશીન' જેવા હુલામણા નામ મળ્યા છે.

જે આઈપીએલમાં રિષભ પંત, સૂર્યકુમાર, અને હાર્દિક પંડ્યા જેવા અનુભવી ખેલાડીઓ અસરદાર રમવામાં નિષ્ફ્ળ ગયા છે ત્યારે વૈભવે રાજસ્થાન માટે ઑલમોસ્ટ વન-મૅન આર્મી જેવું પર્ફોર્મ કર્યું હતું.