Thu May 28 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે હુમલાઓને કારણે ફુગાવો વધવાની ભીતિ

London   2026-05-28 19:55:26
Author: Ramesh Gohil
Article Image

વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે, ચાંદી 1.7 ટકા તૂટી 

લંડનઃ
અમેરિકા અને ઈરાન બન્ને દેશોએ એકબીજા પર હુમલાઓ કર્યાના અહેવાલો સાથે ક્રૂડતેલના ભાવ વધી આવતા વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 1.5 ટકાનો અને 1.7 ટકાનો ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ બે મહિનાની નીચી સપાટી સુધી ગબડ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં બકરી ઈદની જાહેર રજા હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન તરફથી સત્તાવાર ધોરણે ભાવની જાહેરાત નહોતી કરવામાં આવી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.5 ટકા ઘટીને ગત 26મી માર્ચ પછીની નીચી આૈંસદીઠ 4389.99 ડૉલર આસપાસની સપાટીએ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.5 ટકા ઘટીને 4387.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.7 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 73.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને એક સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં આજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે જણાવ્યું હતું કે અમેરિકાએ બંદર અબ્બાસ પર કરેલા હુમલાના જવાબમાં અમે અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હોવાનું જણાવતા આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ એક તરફ ડૉલરમાં મજબૂતી અને બીજી તરફ ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવો વધવાની સાથે સાથે કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોઝ ઝેબોરસે એક નોટ્સમાં જણાવ્યું હતું. 

વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બનતાં વર્ષ 2026માં સોનામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં નવી નીચી સપાટી જોવા મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન ગઈકાલે ફેડરલ રિઝર્વના ગવર્નર લીઝા કૂકે જણાવ્યું હતું કે મારા મતે આગામી ટૂંકા સમયગાળા સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખશે, પરંતુ ટૅરિફ, ઈરાન યુદ્ધ અને એઆઈ (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ)ને લગતાં રોકાણમાં વધારો થતાં ભાવ વધી આવતાં જરૂર પડ્યે વ્યાજદર વધારવા માટે પણ સજ્જ રહેશે. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ગત મે મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.