Mon Aug 31 2026

Logo

બ્રાન્ડેડ સમજીને જે પાણી પીઓ છો તે અસલી છે કે નકલી? પાટણમાંથી 50,000 બોટલનો જથ્થો ઝડપાયો!

2026-05-30 13:10:00
Author: Mayur Patel
બ્રાન્ડેડ સમજીને જે પાણી પીઓ છો તે અસલી છે કે નકલી? પાટણમાંથી 50,000 બોટલનો જથ્થો ઝડપાયો!

અમદાવાદ: ઉનાળામાં પાણીની બોટલની માંગ વધી જાય છે, જેનો કેટલાક લોકો દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), અમદાવાદની ટીમ દ્વારા પાટણમાં સિદ્ધપુર રોડ પર આવેલા મેસર્સ બનાસ બેવરેજીસના પરિસરમાં ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

 આ યુનિટ કાયદેસરનું BIS લાયસન્સ ધરાવતું ન હોવા છતાં, કથિત રીતે ISI માર્કવાળું પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (પીવાનું પાણી) બનાવીને વેચતું હોવાની માહિતી મળી હતી. આ ઓપરેશન દરમિયાન, BIS ના અધિકારીઓએ અંદાજે 3100 કાર્ટન જપ્ત કર્યા હતા, જેમાં 500 મિલી અને 1 લીટરની સાઇઝની આશરે 50,000 પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની બોટલો મળી આવી હતી. અધિકારીઓએ પરિસરમાંથી ISI માર્કવાળા સ્ટીકરો અને લેબલો પણ રિકવર કર્યા છે.
 

2 વર્ષ સુધીની જેલ અને રૂ. 2 લાખના દંડની જોગવાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, BIS સ્ટાન્ડર્ડ માર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ આ પેઢી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ ગુના હેઠળ બે વર્ષ સુધીની જેલની સજા, ઓછામાં ઓછો રૂ 2 લાખનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. જો આ જ ગુનો બીજી વખત આચરવામાં આવે, તો દંડની રકમ ઓછામાં ઓછી રૂ. લાખ અને જપ્ત કરાયેલા સામાનની કિંમત કરતાં દસ ગણી સુધી વધી શકે છે.

BIS એ જણાવ્યું હતું કે, કેટલાક ઉત્પાદકો ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે ફરજિયાત પ્રમાણપત્ર  મેળવ્યા વિના જ ISI માર્કનો દુરુપયોગ કરે છે. બ્યુરો દ્વારા ગ્રાહકોને છેતરપિંડી અને પ્રમાણિત ન હોય તેવી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે, જ્યારે પણ BIS સ્ટાન્ડર્ડ માર્કના દુરુપયોગ અંગેની માહિતી મળે ત્યારે જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી.