Sat May 30 2026

Logo

ભાત ભાત કે લોગ: પર્સનલાઈઝડ ડિપ્લોમસી: વાત-વિવાદ ને વતેસર

2026-05-30 09:13:00
Author: Jawalant Nayak
Article Image

જ્વલંત નાયક

`વાઈબ્સ' શબ્દ જેન ઝી તરીકે ઓળખાતી આધુનિક પેઢીની દેણ છે. એનો મૂળ શબ્દ છે વાઈબ્રેશન્સ. સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો સ્પંદન. અમુક વ્યક્તિ કારણ વિના ગમતી હોય, એની પાછળ એનાં સ્પંદનો જવાબદાર હોઈ શકે છે. એથી વિદ્ધ કોઈકની સાથે સ્પંદન મેચ ન થતા હોય તો કોઈ દેખીતા કારણ વિના ય અણગમો પેદા થઇ જાય.
 
આમ જુઓ તો આખી વાત સાયકોલોજીકલ છે. હવે જરા વિચાર કરો કે જાહેર જીવનમાં કાર્યરત હોય એવા બિઝનેસ લીડર્સથી માંડીને નેતાઓ માટે સ્પંદનો મેચ થવાની ઘટના કેટલી મહત્ત્વપૂર્ણ ગણાય. એક બિઝનેસમેન જ્યારે અન્ય બિઝનેસમેન સાથે મુલાકાત કરે ત્યારે ઉષ્માપૂર્ણ હસ્તધનૂન કરવાનું ચૂકતો નથી. એની પાછળનો હેતુ એકબીજા સાથેની વાઈબ્સ મેચ કરવાનો જ હોય છે. જો આ રીતે પ્રથમ પગથિયે જ વાઈબ્સ મેચ થઇ જાય તો ભવિષ્યના બિઝનેસ કે આંતરરાષ્ટ્રીય કરારો કરવા-નિભાવવામાં સરળતા રહે છે.

બંગાળના ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કે બંગાળના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીએ એક સામાન્ય દુકાનદારને ત્યાં ગયા. અને `ઝાલમુડી' તરીકે  ઓળખાતા મસાલાવાળા મમરા ખરીદીને ખાધી. આ આખી ઘટના આમ જુઓ તો વડા પ્રધાન પદના પ્રોટોકોલ બહારની ગણાય. પણ એનાથી મોદીજીએ બંગાળ સાથેની વાઈબ્સ સેટ કરી લીધી. આવી એકાદ ઘટનાથી કંઈ ચૂંટણી ન જીતાય. તેમ છતાં ચૂંટણી પહેલા આવી પોઝિટીવ વાઈબ્સ પ્રભાવ તો પેદા કરે જ.

બીજી ઘટના એટલે ઇટાલિયન પ્રધાનમંત્રી સાથેની પીએમ મોદીની મુલાકાત. અહીં ચોકલેટનું પેકેટ આપીને સેલ્ફીઝ લેવામાં આવી. બંને નેતાઓના ફોટોઝ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયા. પ્રધાનમંત્રીઓ વચ્ચે ચોકલેટની ભેટ આપ-લે થાય એ ય પ્રોટોકોલ બહારની ઘટના ગણાય. આમેય મોદીજી અને એમના ઇટાલિયન સમકક્ષ મેલોનીની વાઈબ્સ પહેલેથી જ મેચ થતી રહી છે.

આ રીતે વૈશ્વિક પર્સનાલિટીઝ સાથે પોઝિટીવ વાઈબ્સ સેટ કરતા રહેવાની કળાને `પર્સનાલાઇઝડ ડિપ્લોમસી'  તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ઘણા ભલે નાકનું ટીચકું ચડાવે, પણ છેલ્લા થોડાં વર્ષો દરમિયાન વિશ્વના મોટાભાગના નેતાઓ પ્રોટોકોલ્સ અને ઔપચારિકતાને સ્થાને પર્સનાલાઇઝડ ડિપ્લોમસી પર વધુ ભાર મૂકતા થયા છે. શીર્ષસ્થ નેતાઓ વચ્ચેની મૈત્રીને બે દેશ વચ્ચેની મૈત્રીના સંદર્ભે જોવામાં આવે છે એટલે એમાં કશું ખોટું ય નથી.

મોદીથી માંડીને નહેરૂ સુધી...

વિશ્વનો દરેક નેતા જાણે છે કે એની દરેક હિલચાલ વૈશ્વિક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ થઇ રહી છે એટલે બોરિગ પોલિટિકલ પ્રોટોકોલ્સ ફોલો કરવાને બદલે ચહેરાના હાવભાવ, એકબીજાને ભેટી પડવાની ચેષ્ટા અને ખભેખભા મિલાવીને ઊભા રહેવા જેવી અનેક વાત જનમાનસ પર સીધી અસર કરે છે. આમ જુઓ તો આ આખો આભાસી ખેલ જ છે, પણ આંતરરાષ્ટ્રીય બાબતો માં સાધનશુદ્ધિનો આગ્રહ રાખનાર મૂર્ખ જ ઠરે એટલે જે ગરણે પાણી ગળે, એ ગરણે ગાળી લેવામાં જ ભલાઈ.

ભારતમાં મોટો વર્ગ માને છે કે અહીં પર્સનલાઈઝ્ડ ડિપ્લોમસીની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી, પણ એ અર્ધ સત્ય છે. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને પણ વિદેશી નેતાઓ સાથેની મુલાકાતને અન-ઔપચારિક બનાવવામાં સારી ફાવટ હતી. આજે સિગરેટનો કશ ખેંચતા નહેની તસ્વીર ચર્ચા, વિરોધ કે હાંસીનો વિષય બની શકે, પણ બીજી રીતે જુઓ તો એમાં ખોટું ય શું છે? વિદેશ પ્રવાસે જનારા પ્રતિનિધિઓએ સોગિયું ડાચું લઈને જ ફરવું, એવું વળી ક્યાં લખ્યું છે? ઊલટાનું જે નેતા વધુ પડતો ગંભીર રહેતો હોય, એની છાપ મીંઢા માણસ તરીકેની પડે છે. નહે ખૂલીને હસતા, મોદી પણ મુક્તપણે હસી શકે છે.

ઓકે ફાઈન. આ બધી વાતો બાજુએ મૂકીને અંગત સંબંધોને આધારે ખેલાતા આંતરરાષ્ટ્રીય રાજકારણના ફાયદા-નુકસાનની ય ચર્ચા કરી લેવી જોઈએ.

કોલ્ડ વોર પર અસર

પર્સનલાઈઝ્ડ ડિપ્લોમસીના વિષય પર વાત થતી હોય તો રોનાલ્ડ રેગન અને મિખાઈલ ગોર્બાચેવને યાદ કરવા જ પડે. રશિયા જ્યારે સંયુક્ત રાજ્ય યુએસએસઆર તરીકે અસ્તિત્વમાં હતું, એ સમયે રશિયા અને અમેરિકા વચ્ચે સતત ઠંડું યુદ્ધ ચાલતું રહેતું. કોલ્ડ વોરની આ સ્થિતિને કારણે બંને મહાસત્તાએ પોતાના બહોળા સાધન કામે લગાડવા પડતા. 

એ વખતે યુએસએના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન એક એવી પ્રતિભા હતા જેમનું વર્તન વિરોધીઓને પણ પ્રભાવિત કરી શકતું. રશિયાના તત્કાલીન પ્રધાનમંત્રી ગોર્બાચેવ પણ રેગનના મળતાવડા સ્વભાવથી પ્રભાવિત થયેલા. રેગન પોતે સામ્યવાદના કટ્ટર વિરોધી અને પ્રખર મૂડીવાદી ગણાતા. જ્યારે ગોર્બાચેવનું વલણ એનાથી સાવ વિપરીત. તેમ છતાં રેગન સાથેની મુલાકાતો અને રેગનની પર્સનલાઈઝડ ડિપ્લોમસીને કારણે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર ઘણે અંશે ઠંડી પડી ગયેલી. અહીં મૂળ વાત તો એ જ છે કે તમે ઔપચારિકતા જાળવી રાખો કે પછી અંગત મિત્રતા કેળવો, દેશને અને વિશ્વને એનો ફાયદો થવો જોઈએ.

ખેર, આજની તારીખે ઔપચારિકતાનો સાવ છેલ્લી પાયરીએ બેસીને કચ્ચરઘાણ કાઢી નાખનાર ડોનલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી શક્તિશાળી સિંહાસન પર છે. એવા સમયે તમે જૂના જમાનાની ઔપચારિકતાઓને યાદ કરીને રડતા રહો તો એમાં વાંક તમારો છે. નગારખાનામાં તતૂડી ન વગાડાય. બાકી તો દુનિયા એની બેઢ્ંગી રફતારે ચાલતી જ રહેવાની છે.