Sat May 30 2026

Logo

ખાખીમાં ધબકતું હૃદય: મહિલા કેદીએ બાળકને જન્મ આપ્યો પણ તેડવા કોઈ ન આવ્યું, ગુજરાત પોલીસ વાલી બની છેક MP મૂકવા ગઈ!

2026-05-30 11:45:00
Author: Mumbai Samachar Team
Article Image

આણંદઃ વહીવટીતંત્ર જ્યારે માનવીય સંવેદનાને ઉજાગર કરે છે ત્યારે ભલભલાની આંખો ભીંજાઇ જાય છે. આવી જ ઘટના નડીયાદ જિલ્લા જેલમાં બની છે. જેલમાં રહેલી એક શ્રમિક પરિવારની મહિલા આરોપીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેને તેણીના પરિવારમાંથી કોઈ લેવા આવ્યું નહીં. આ સમયે ગુજરાત પોલીસ તેની વાલી બની અને ખાખીમાં ધબકતા હૃદયનો પરિચય કરાવ્યો ને એક પરિવારની ભૂમિકા ભજવીને ગુજરાત પોલીસ છેક મધ્યપ્રદેશ મૂકવા ગઈ હતી. 

થોડા દિવસો પહેલા આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે પ્રિવેન્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુયલ ઓફેન્સિસ (POCSO) એક્ટ, 2012, હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં એક સહ-આરોપી સગર્ભા મહિલા નડિયાદ જિલ્લામાં જેલમાં બે વર્ષનાં એક બાળક સાથે આવી હતી.  

આ મહિલાનાં દિયરે સગીર વયની છોકરીને ભગાડી જતા આ મહિલાનાં પતિ અને દિયર સામે ગુન્હો નોંધાયો હતો. આ મહિલા તેમાં સહ-આરોપી હતી. મુળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનો વતની આ પરિવાર સ્થળાંતર કરી મજૂરી માટે આણંદ જિલ્લામાં આવ્યો હતો. 

નડિયાદ જિલ્લા જેલમાં જ્યારે આ મહિલા આવી ત્યારે તે સગર્ભા હતી. 21 મેનાં રોજ આ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સૌ પ્રથમ તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેણે પુત્રને જન્મ આપ્યો. સારવાર પુરી થયા પછી આ મહિલા કેદીને તેના નવજાત શિશુ સાથે પાછી નડિયાદ જિલ્લા જેલમાં લઇ આવવામાં આવી. આ મહિલા કેદી (કાચા કામના કેદી) હવે બે વર્ષનાં બાળક અને ચાર દિવસનાં નવજાત શિશુ સાથે જેલમાં રહેતી હતી. 

આ મહિલાને સ્થાનિક અદાલતમાંથી જામીન તો મળી ગયા હતા પણ તેને મુક્ત કરાવવા માટે તેના સગા-સંબધીઓમાંથી કોઇ આવ્યું નહીં. પતિ અને દિયર જેલમાં હતા. પરિવાર અત્યંત ગરીબ હતો.  જે બાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જિલ્લા જેલનાં અધિકારીઓ આ ગરીબ અને સ્થળાંતરીંત મજૂર મહિલાની વ્હારે આવ્યાં હતા.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે આ મહિલા આરોપીની કાનૂની મદદ કરી અને નડિયાદ જિલ્લા જેલનાં અધિકારીઓને આ મહિલાની આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી તેના વતન મધ્યપ્રદેશ સુધી પહોંચાડવા કહ્યું. 

ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શનમાં નડિયાદ જિલ્લા જેલ પોલીસે સ્થાનિક સેવાભાવી સંસ્થાની મદદથી આ મહિલા માટે એક વાહનની વ્યવસ્થા કરી હતી. આ વાહન સાથે બે કોન્સ્ટેબલને પણ મોકલ્યા હતા. મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં સ્થાનિક પોલીસ સ્ટેશને જઇ આ મહિલાની સ્થિતિ જણાવી અને તેના પરિવાર સાથે તેનું પુન:મિલન કરાવ્યું હતું. નવજાત શિશુ અને બે વર્ષનાં બાળક સાથે તેના વતનમાં પહોંચતા મહિલા આરોપી ભાવવિભોર થઇ ગઇ હતી અને ગુજરાતનાં સંવેદનશીલ વહીવટીતંત્ર અને ખાસ કરીને ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.