Fri May 29 2026

Logo

એશિયન ગેમ્સ 2026ના ટ્રાયલ્સમાં ભાગ લેશે વિનેશ ફોગાટ, સુપ્રીમ કોર્ટે WFIને આપ્યો ઝટકો

2026-05-29 15:19:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ભારતીય મહિલા કુસ્તીબાજ (પહેલવાન) વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને 2026 એશિયન ગેમ્સની સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. આ ટ્રાયલ્સ 30 અને 31 મેના રોજ યોજાનાર છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે કોઈ હસ્તક્ષેપ નથી કરી રહ્યા, તમે જાઓ અને ભાગ લો. સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી મંજૂરી બાદ હવે વિનેશ ફોગાટ માટે આગળના દરવાજા ખૂલી ગયા છે. ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરીને તેઓ એશિયન ગેમ્સ 2026ની ટિકિટ મેળવવા ઈચ્છશે. એશિયન ગેમ્સ 2026નું આયોજન આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે જાપાનમાં થવાનું છે.

WFI એ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં આપ્યો પડકાર

આ પહેલા ભારતની મહિલા કુસ્તીબાજ (પહેલવાન) વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટ તરફથી પણ એશિયન ગેમ્સની સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી મળી હતી. પરંતુ WFI એટલે કે ભારતીય કુસ્તી મહાસંઘે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે 29મેના રોજ જ્યારે આ મામલાની સુનાવણી થઈ, ત્યારે નિર્ણય એકવાર ફરી વિનેશ ફોગાટની તરફેણમાં આવ્યો.

સુપ્રીમ કોર્ટે પણ વિનેશને આપી ટ્રાયલ્સની મંજૂરી

સુપ્રીમ કોર્ટે એ જ નિર્ણયને યથાવત રાખ્યો છે, જે હાઈકોર્ટે 22મેના રોજ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ વિનેશ ફોગાટ હવે એશિયન ગેમ્સ માટે યોજાનારી ટ્રાયલ્સમાં ભાગ લેતા જોવા મળશે.

વિનેશ VS WFI

વિનેશ ફોગાટ અને ભારતીય કુસ્તી મહાસંઘ વચ્ચે મુખ્ય વિવાદ છે. ભારતીય કુસ્તી મહાસંઘે વિનેશ પર 26 જૂન સુધી કોઈ પણ ઘરેલું (ડોમેસ્ટિક) ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. WFI એ વિનેશને એવું કહીને અયોગ્ય જાહેર કર્યા હતા કે તેમણે એન્ટી-ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિ (રિટાયરમેન્ટ)માંથી વાપસી કરવા માટેનો જરૂરી 6 મહિનાનો નોટિસ પીરિયડ પૂરો કર્યો નથી.