(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ-રાજકોટમાં ઉનાળાની આકરી ગરમીની પડવાના શરૂઆત થતા નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમદાવાદની સાથે રાજકોટમાં ભયાનક ગરમી પડી રહી છે, જેનાથી રાજ્યની સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક સહિત અન્ય કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ડાયેરિયા (ઝાડા-ઉલટી)ના કુલ 143 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
હોસ્પિટલની સ્થિતિ અંગે વિગતો આપતા તંત્રએ જણાવ્યું કે, ગત અઠવાડિયામાં ઓપીડીનો આંકડો 11,000 સુધી પહોંચ્યો હતો, જેમાંથી 1,100 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.
ગરમીના કારણે વધતા ડિહાઇડ્રેશનના કેસને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, જરૂરી દવાઓ, ઓઆરએસ પેકેટ અને સ્પેશિયલ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી.
હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ગરમીમાં ખોરાક અને પાણી જલ્દી દૂષિત થતા હોવાથી આ રોગો વકરી રહ્યા છે. જોકે, રાહતની વાત છે કે મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કેસમાં કોઈ વધારો થયો નથી. તબીબોએ ખાસ કરીને નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સાથે બહારનું ખાવાપીવાનું ટાળવા ખાસ અપીલ કરી હતી.
મનપાએ પણ ગરમી કે લૂ ન લાગે તે માટે લોકોને સાવચેતી વર્તવા ખાસ માર્ગદર્શિકા બહાર પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગરમીનો પારો 40 આસપાસ જ રહે છે અને માત્ર દિવસે જ નહીં રાત્રે પણ સખત બફારો અને અકડામણનો અનુભવ થાય છે. હજુ આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ રહેવાનો હોવાથી લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, તેમ ડોક્ટોએ જણાવ્યું હતું.