Mon Jul 27 2026

Logo

ચોમાસાનો બેવડો માર: ગુજરાતમાં એસટીના 127 રૂટ હજુય ઠપ્પ, મુસાફરો અને વિદ્યાર્થીઓ બેહાલ!

2026-07-27 19:29:54
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ગુજરાતમાં પડેલા ભારે વરસાદની સ્થિતિએ રાજ્યના જનજીવનની સાથે વાહન વ્યવહાર અને પરિવહન સેવા પર પણ અસર પહોંચાડી હતી. વરસાદ અને પૂરને કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા હતા, જેની અસર જાહેર પરિવહન પર પણ પડી હતી. રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ અને રસ્તાઓની વિકટ પરિસ્થિતિના કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત એસટી)ની એસ.ટી. બસ સેવાઓ વ્યાપકપણે પ્રભાવિત થઈ છે. 
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રાજ્યભરમાં કુલ 176 રૂટ પરની 657 ટ્રિપ બંધ કરવાની ફરજ પડી હતી, જેમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી હતી. 

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 76 રૂટની 481 ટ્રીપો રદ થઈ હતી, જેમાંથી હજુ પણ 74 રૂટ પરની 460 ટ્રીપો પુનઃશરૂ થવાની બાકી છે. તેવી જ રીતે મહેસાણા જિલ્લામાં 18 રૂટની 24 ટ્રીપો પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 25 રૂટ અને કચ્છમાં 11 રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ કેટલીક જગ્યાએ એસ. ટી. વાહનવ્યવહાર ખોરવાયો છે, જેમાં ભરૂચ જિલ્લામાં 3 રૂટની 18 ટ્રીપ તથા છોટાઉદેપુરમાં 2 રૂટ બંધ રહ્યા છે. આ ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લામાં પણ 3-3  રૂટ પર બસ વ્યવહાર અટકાવવો પડ્યો હતો. 

સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસો વચ્ચે 49 રૂટ પર બસ સેવા પૂર્વવત કરવામાં સફળતા મળી છે, પરંતુ હજી પણ 127 રૂટની 566 ટ્રીપો ચાલુ થવાની બાકી છે. બસ સેવાઓ બંધ રહેવાના કારણે એસ.ટી. નિગમને રૂ. 13.19 લાખથી વધુની આવક ગુમાવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યભરમાં કુલ 222 પ્રભાવિત રસ્તાઓમાંથી અત્યારની સ્થિતિએ 22 માર્ગો ચાલુ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કુલ 200 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ હાલતમાં છે. આ 200 બંધ માર્ગોમાં સૌથી વધુ 164 પંચાયત હસ્તકના માર્ગો, 21 અન્ય માર્ગો, 13 સ્ટેટ હાઇવે અને 2 નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ, અગાઉના બંધ રસ્તાઓ ઉપરાંત અત્યારે નવા 14 રસ્તાઓ પણ બંધ થવા પામ્યા છે.

જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ અને વલસાડ જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ જોવા મળી છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 42 રસ્તાઓ બંધ છે, જેમાં 29 પંચાયત માર્ગો, 7 સ્ટેટ હાઇવે, 5 અન્ય માર્ગો અને 1 નેશનલ હાઇવે સામેલ છે. 

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં 37 પંચાયત માર્ગો સહિત કુલ 40 રસ્તાઓ અને નવસારીમાં 19 પંચાયત માર્ગો બંધ છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં 23 રસ્તાઓ બંધ છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણમાં 16 અને ખેડા જિલ્લામાં 12 રસ્તાઓ બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક ખોરવાયો હોવાનો અંદાજ છે.