વડોદરાઃ રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટના સામે પોલીસ દ્વારા સતત અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવતા હોવા છતાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. વડોદરામાં સાયબર ગઠિયાઓએ CBI અને RBI અધિકારી માતા-પુત્રને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 1.53 કરોડનો ચૂનો લગાવ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, 31 જુલાઈએ એક અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધ મહિલાને ફોન કર્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તેમના દિવંગત પતિના નામે મુંબઈથી એક ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થયું છે અને તેનાથી એક લાખ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે.
ગભરાયેલી વૃદ્ધાએ આ અંગે પોતાના પુત્રને જાણ કરી હતી. આ પછી તરત જ વ્હોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો, જેમાં એક વ્યક્તિ પોલીસની વર્દીમાં જોવા મળ્યો હતો. 3 થી 12 ઑગસ્ટ વચ્ચે આરોપીઓએ RBI અને અન્ય બેંકોના સત્તાવાર દેખાતા નકલી લેટરહેડ તેમજ બનાવટી સહી-સિક્કાવાળા પત્રો મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ રકમ સરકારી ખાતામાં જમા કરાવવાનું કહીને દબાણપૂર્વક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડાવી તેમજ અન્ય ખાતાઓમાંથી કુલ રૂ. 1,53,04,047 એક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ત્યારબાદ આ બાબતની જાણ થતાં એક પરિચિતે સાયબર ફ્રોડ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સાયબર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. હાલ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.